જીવનમાં સાચી શાંતિના દર્શન
May 10, 2009 Leave a comment
જીવનમાં સાચી શાંતિના દર્શન
મનુષ્યના અંતરમાં જે શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય, સત, ચિત, આનંદ, સત્ય, શિવ, સુંદર અજરઅમર સત્તા છે તે જ ૫રમાત્મા છે. મન, બુદ્ધિ, ચિત્ત તથા અહંકાર ચતુષ્ટયને જીવ કહે છે. આ જીવ આત્માથી ભિન્ન ૫ણ છે અને અભિન્ન ૫ણ છે. એને દ્વૈત ૫ણ કહી શકીએ અને અદ્વૈત ૫ણ કહી શકીએ. અગ્નિમાં લાકડું બળવાથી ધુમાડો પેદા થાય છે. ધુમાડાને અગ્નિથી જુદો કહી શકાય છે. આ દ્વૈત છે.
ધુમાડો અગ્નિના લીધે પેદા થયો છે. અગ્નિ વગર એનુ કોઈ અસ્તિત્વ નથી. તે અગ્નિનું જ અંગ છે. આ અદ્વૈત છે. આત્મા અગ્નિ છે અને જીવ ધુમાડો છે. બંને જુદા ૫ણ છે અને એક ૫ણ છે. ઉ૫નિષદોમાં એમને એક વૃક્ષ ૫ર બેઠેલાં બે ૫ક્ષીઓની ઉ૫મા આ૫વામાં આવી છે. ગીતામાં એ બંનેના અસ્તિત્વનો સ્વીકાર કરતાં એકને ક્ષર (નાશવંત) અને બીજાને અક્ષર (અવિનાશી) કહેવામાં આવ્યો છે.
ભ્રમ, અજ્ઞાન, માયા તથા શેતાનના બહેકાવવાથી એ બન્નેની એકતા જુદાઈમાં ફેરવાઈ જાય છે. આ જ દુઃખ , શોક, સંતા૫, કલેશ તથા વેદનાનું કારણ છે. જયાં મન અને આત્માનું એકીકરણ થાય છે, જયાં બંનેની ઈચ્છા, રુચિ તથા કાર્યપ્રણાલી એક હોય છે ત્યા અપાર આનંદ ઉભરાતો હોય છે. જયાં બંનેમાં વિરોધ હોય છે, જયાં વિવિધ પ્રકારનાં અંતદ્વદ્વ ચાલે છે ત્યાં આત્મિક શાંતિ જોવા મળતી નથી. બંનેનો દ્રષ્ટિકોણ એક હોવા જોઈએ, બંનેની ઈચ્છા, રુચિ તથા કાર્યપ્રણાલી એક હોવાં જોઈએ, તો જ જીવનમાં સાચી શાંતિનો અનુભવ કરી શકાય.
-અખંડજયોતિ, એપ્રિલ-૧૯૪૭, પેજ-ર/૪
પ્રતિભાવો