૪૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 22, 2009 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ન વિ જાનામિ યદિવેદમસ્મિ નિણ્ય: સન્નદ્ધો મનસા ચરામિ I યદા માગત્પ્રથમજા ઋતસ્યાદિદ્વાચો અશ્રુવે ભાગમસ્યાઃ ॥ (ઋગ્વેદ ૧/૧૬૪/૩૭)
ભાવાર્થ : મનુષ્ય પોતે જ પોતાને ઓળખતો નથી એ કેટલી મોટી ભૂલ છે ? તેણે ભાષા, સાહિત્ય વગેરેની જે ક્ષમતા મેળવી છે તેના દ્વારા શરીર અને જીવાત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
સંદેશ : આ મનુષ્યશરીર વારંવાર મળતું નથી. એ તો આપણને એકમાત્ર સાધનરૂપે જ પ્રાપ્ત થયું છે કે જેના માધ્યમથી આપણે પ્રભુ સુધી પહોંચવાનું આપણું પરમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ, પરંતુ અજ્ઞાનતાના કારણે સાંસારિક ભોગવિલાસમાં અટવાઈને આપણે આવો સુઅવસર ગુમાવી બેઠા છીએ. ધનદોલત, સાધનસંપત્તિ, પત્ની, પુત્ર, ભાઈઓ, મિત્રો, સગાંસંબંધીઓ એ બધાં આપણા કોઈ જ કામમાં આવવાનાં નથી. કામમાં આવશે માત્ર આપણાં સત્કર્મો. આપણે એ બાબત ભૂલી જઈએ છીએ કે એક દિવસ આ સંસાર છોડીને આપણે ચાલ્યા જવાનું છે. જે શરીરને ખૂબ લાડપ્યારથી સજાવવા અને સંભાળવા માટે આપણે સત્ય અસત્ય, છલ, દ્વેષ, પ્રપંચ, નીતિ-અનીતિ વગેરેનો સહારો લઈએ છીએ અને કલ્પી ન શકાય તેવાં પાપકર્મો કરીએ છીએ તે શરીર આગમાં બળીને ભસ્મીભૂત થઈ જશે. આ શરીરનો એક ક્ષણનો પણ ભરોસો નથી. આપણું બધું જ જ્ઞાન માત્ર વિજ્ઞાન, પ્રતિભા, ક્ષમતા, શિક્ષણ અને વિઘા જેવા ભૌતિક પદાર્થોમાં જ મર્યાદિત થઈને ગૂંગળાઈ રહ્યું છે, પરંતુ આ શરીરની અંદર બેઠેલા શરીરના સ્વામી એવા આત્માને આપણે ભૂલી બેઠા છીએ. આ આત્મા જ પરમાત્માનો અંશ છે, પરંતુ તેને ન જાણવાથી આપણે સદાયને માટે અંધકારમાં ભટકીને હંમેશાં દુઃખ ભોગવતા રહીએ છીએ. આત્માની ઓળખાણ થયા પછી સન્માર્ગ પર ચાલવાની બુદ્ધિ જયારે આપણને પ્રાપ્ત થઈ જાય ત્યારે જ આપણું આ માનવજીવન સાર્થક બની શકશે.
સામાન્ય રીતે બુદ્ધિનાં બે રૂપો હોય છે. એક દુર્બુદ્ધિ, જે આપણને સ્વાર્થ, મોહ, લોભ વગે૨ે પાપકર્મો તરફ ખેંચી જાય છે. બીજી સદ્ગુદ્ધિ, જે આપણને હંમેશાં હિતકારી અને શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા આપ્યા કરે છે અને પાપકર્મોથી આપણને બચાવે છે. એનાથી આગળ વધતાં શુદ્ધ બુદ્ધિનો નંબર આવે છે, જે આપણામાં સત્કાર્યો અને અસત્ કાર્યો વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા વિકસિત કરે છે. તેનાથી પણ આગળનો નંબર છે પ્રજ્ઞાનો. આ પ્રજ્ઞા આપણને વિવેકબુદ્ધિ મુજબ લોકહિતનાં કાર્યો કરવાની સતત પ્રેરણા આપતી રહે છે. એનાથી તમોગુણનો સદંતર નાશ થતો જાય છે અને મનુષ્ય પોતાના સ્વાર્થથી મુક્ત થતો જાય છે. પ્રજ્ઞાથી વધુ વિકાસ પામેલું આગળનું સ્તર પ્રતિભાનું છે. પ્રતિભાને આત્મિક દૃષ્ટિ પણ કહી શકાય છે. આ વિલક્ષણ બૌદ્ધિક શક્તિના આધારે મનુષ્ય સંસારનાં સૌથી વધુ ગૂઢ રહસ્યોને જાણી લે છે. બુદ્ધિના સર્વોત્તમ રૂપને કહેવાય છે ઋતંભરા બુદ્ધિ. એમાં માત્ર સતોગુણ જ બાકી રહ્યો હોય છે. આ ઋતંભરા બુદ્ધિ – સાત્ત્વિક બુદ્ધિ સદાયને માટે એકરસ બની રહે છે અને સત્યને ઓળખી તેને આચરણમાં ઉતારવાની તથા સત્ ધર્મનું પાલન કરવાની ક્ષમતા વિકસિત કરતી રહે છે. એના જ્ઞાનપ્રકાશમાં પ્રત્યેક વસ્તુ બિલકુલ સ્પષ્ટ જોઈ શકાય છે અને ભ્રમ તથા શંકાઓથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
આજે મનુષ્ય વિવિધ પ્રકારનાં જ્ઞાન, વિજ્ઞાન, ભાષા વગેરેનો અભ્યાસ કરીને તેમનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં કરી રહ્યો છે. સુખ અને સગવડોનાં સાધનોના ઢગલા ખડકી રહ્યો છે. આજે માત્ર એક બટન દબાવવાથી જ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને ઇચ્છિત કાર્ય કરવાનું શક્ય બની ગયું છે. મનુષ્ય પોતાની આ સિદ્ધિને કારણે પોતાને પરમાત્માથી પણ મહાન સમજવાની મૂર્ખતા કરવા લાગ્યો છે, પરંતુ શું આપણને આ માનવશરીર તેના માટે પ્રાપ્ત થયું છે ? શું એ જ આ બુદ્ધિનો ઉપયોગ છે ? શું જીવનનું આ જ લક્ષ્ય છે ?
આપણે આપણી બુદ્ધિનો વિકાસ કરતા જઈને માનવજીવનના વાસ્તવિક લક્ષ્યને ઓળખીને તે તરફ આગળ વધતા જવું જોઈએ.
પ્રતિભાવો