આત્મનિયંત્રણની શક્તિ
July 25, 2009 Leave a comment
આત્મનિયંત્રણની શક્તિ
નૈતિકતાનો હેતુ મનુષ્યને પોતાના વિશાળ સ્વભાવનું જ્ઞાન કરાવવાનો છે. નૈતિકતા પોતાની જાતને વ્યક્તિગત જીવનથી ઊંચે લઈ જવાનું સાધન છે. નૈતિકતાનો આધાર સ્વાભાવિક પ્રવૃત્તિઓને માનવામાં આવે છે. પ્રકૃતિવાદી લોકો મનુષ્યના આચરણને બીજાં પ્રાણીઓના આચરણથી અલગ ગણતા નથી. જે રીતે બીજા પ્રાણીઓના આચરણનો મુખ્ય સ્ત્રોત તે પ્રાણીઓની સુખની ઈચ્છા અને દુઃખથી બચવુ તે છે, એ જ રીતે મનુષ્યના આચરણની મુખ્ય પ્રેરણા સુખની ઈચ્છા અને દુઃખથી બચવું તે જ હોય છે. આ રીતે મનુષ્યના આચરણને સમજવું તે મનુષ્ય સ્વભાવની વિશેષતાને નજર અંદાજ કરવા બરાબર છે. મનુષ્ય વિવેકશીલ પ્રાણી છે. મનુષ્યનો વિવેક તેના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. વિવેકને લીધે મનુષ્ય બીજી વ્યક્તિઓના સુખમાં પોતાનું સુખ જુએ છે અને તે પોતાની જાતને ત્યાં સુધી પૂર્ણ નથી અનુભવતો કે જયાં સુધી બીજા લોકોને તેનાથી લાભ ન થાય.
૫શુઓમાં પોતાના ગુસ્સાને રોકવાની શક્તિ હોતી નથી એને મન જે તરફ લઈ જાય છે એટલે કે જે તરફ તેની મૂળ પ્રવૃત્તિઓ પ્રેરણા આપે છે તે તરફ જવા લાગે છે. મનુષ્ય પોતાની જાતને રોકી શકે છે. તે જન્મજાત સ્વભાવથી વિ૫રીત વર્તન ૫ણ કરી શકે છે. તે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરીને ૫રમાર્થના કાર્યમાં પોતાની જાતને જોડી શકે છે. નૈતિકતાનો આધાર મનુષ્યની આ આત્મ નિયંત્રણ શક્તિ જ છે.
-અખંડજયોતિ, ઓગષ્ટ-૧૯૫૮, પેજ-૧૫
પ્રતિભાવો