ધર્મનો સાર
October 12, 2009 Leave a comment
ધર્મનો સાર : જુદાં જુદાં મતમતાંતરો તથા સંપ્રદાયોનાં ગુંચવણભર્યા કર્મકાંડોની જંજાળમાં ભટકતા રહેવાથી ધર્મતત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. જે ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, સાચ અર્થમાં ધર્માત્મા બનવા ઈચ્છે છે તેમણે પોતાની ઈચ્છા, રુચિ તથા ટેવોની સખત આલોચના કરીને જોવું જોઈએ કે એમાં કંઈક એવું તો નથીને કે જે બીજાના અધિકારો પર તરાપ મારતું હોય. એમણે પોતાની સ્વાર્થપ્રરાયણતા, અનુદારતા, સંધરાખોરી, ભોગો ભોગવવાની ઈચ્છા વગેરેને ઘટાડવાં જોઈએ અને બીજી બાજું દયા, ઉદારતા, પરમાર્થ, પ્રેમ, સેવા, સહાયતા, ત્યાગ વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. સ્વાર્થની માત્રા જેટલી ઘટતી જાય છે અને પરમાર્થની માત્રા જેટલી વધતી જાય છે એટલો જ મનુષ્ય ધર્માત્મા તથા પુણ્યાત્મા બનતો જાય છે. આ માર્ગે ચાલતો મનુષ્ય સ્વર્ગ તથા મુક્તિ મેળવી શકે છે.
સંસારનાં બધાં દુ:ખો, કલેશ તથા સંઘર્ષોનું એકમાત્ર કારણ એ છે કે લોકો પોતાના માટે ઈચ્છે છે એવો વ્યવહાર બીજાઓ સાથે કરતા નથી. ખરીદવાનાં અને વેચવાનાં કાટલાં જુદાં જુદાં રાખે છે. આ ઘાતક નીતિ જ અશાંતિનું મૂળ છે. સ્વાર્થની હલકી ઈચ્છામાં આંધળા થઈને જ્યારે આપણે પોતાના માટે ખૂબ સારા વર્તનની ઈચ્છા રાખીએ છીએ અને બીજાઓની સાથે ખૂબ સારા વર્તનની ઈચ્છા રાખીએ છીએ અને બીજાઓની સાથે ખૂબ સારા વર્તન કરીએ છીએ ત્યારે તેનું પરિણામ કલહના રૂપમાં જ આવે છે. મનુષ્યને જે વ્યવહાર ગમતો નથી એવો જો બીજાઓ સાથે કરે તો તે પાપી છે.
અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૪, પેજ-૬૩
પ્રતિભાવો