આત્મનિરીક્ષણ કરીને નબળાઈઓ દૂર કરીએ
October 21, 2009 Leave a comment
આત્મનિરીક્ષણ કરીને નબળાઈઓ દૂર કરીએ
બુદ્ધિમત્તા, ચતુરતા, તત્પરતા, મધુરતા અને ૫રિશ્રમશીલતાના આધારે મનુષ્ય ઉન્નતિ તરફ આગળ વધે છે. જે લોકોમાં આ ગુણ ન હોય તેઓ સુખનાં સાધનો મેળવવામાં યોગ્ય રીતે સફળ થઈ શક્યતા નથી. મૂર્ખ, મંદબુદ્ધિ, અવ્યવસ્થિત, આળસુ, પ્રમાદી અને કર્કશ સ્વભાવના લોકોની મહત્વાકાંક્ષાઓ સામાન્ય રીતે અધૂરી જ રહે છે. આ દુર્ગુણોથી દૂર રહીને ઉન્નતિશીલ સ્વભાવ બનાવવો તે મનુષ્યના પોતાના હાથમાં છે. તે ઈચ્છે તો અભ્યાસ, વિચારશક્તિ અને આત્મનિર્માણનો આધાર લઈને પોતાને સુધારી શકે છે અને પ્રગતિશીલ બનવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે. અનેક પ્રગતિશીલ લોકોએ આ જ માર્ગનો આધાર લીધો છે. તેમણે પોતાના સ્વભાવની દુર્બળતાઓને એક એક કરીને ઓળખી છે અને વીણી વીણીને બહાર કાઢી નાંખી છે.
જો કે આ કાર્ય ઘણું અઘરું છે. આત્મનિરીક્ષણ કરી શકવું, પોતાની નબળાઓને જાતે સમજી લેવી અને તેમની સાથે લડવા માટે તૈયાર થઈ જવું એ દરેકના કાબૂની વાત નથી. મનસ્વી અને સાહસિક લોકો જ આ બધું કરી શકે છે. બાકીના લોકો તો પોતાની દુર્બળતાઓને સમજી જ નથી શક્તા, કોઈ સમજાવે તો તેને દ્વેષ રાખનાર અને શત્રુ માનીને તેની સાથે ખોટું લગાડે છે અને લડવા તૈયાર થઈ જાય છે. પોતાની નબળાઓના કારણે મળેલી અસફળતાઓને તેઓ બીજાના માથે ઢોળી દઈને પોતાને નિર્દોષ સાબિત કરવા માગે છે.
અખંડજયોતિ, જુન-૧૯૬૦, પેજ-૪
પ્રતિભાવો