પરિસ્થિતિઓને અનુકૂળ બનો
December 26, 2009 Leave a comment
પરિસ્થિતિઓને અનુકૂળ બનો
પરિસ્થિતિઓની અનુકૂળતાની પ્રતીક્ષા કરતાં કરતાં આપણે મૂળ ઉદ્દેશ્યોથી દૂર રહી જઈએ છીએ. જીવનમાં જે આપણું લક્ષ્ય છે એને પરિસ્થિતિઓની રાહ જોવામાં ભૂલી જઈએ છીએ. આદર્શ અને અનુકૂળ વાતાવરણ આ સંસારમાં મેળવવું એ બહુ અઘરું છે.
પરિસ્થિતિઓનું નિર્માણ કરવું એ આપણા હાથની વાત છે. મનની શક્તિ તેમજ આંતરિક સ્વાવલંબન દ્વારા આપણે એમનું નિર્માણ કરી શકીએ છીએ. આપણે જેવું ઈચ્છીએ, જ્યારે ઈચ્છીએ ત્યારે હંમેશાં કરી શકીએ છીએ. કોઈ પણ મુશ્કેલી આપણા માર્ગમાં આવતી નથી. મનની આંતરિક શક્તિ સામે પ્રતિકૂળતા બાધક બની શક્તી નથી.
હંમેશા વિજેતા પુરુષાર્થી એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે, પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાંખે છે.
ઉન્નતિનું મૂળ મહત્ત્વાકાંક્ષા છે. કોણ જાણે મનના ક્યા ખૂણે આ અમૂલ્ય સંપદા પડેલી છે ? પણ પડેલી જરૂર છે. તમે આત્મનિરિક્ષણ કરો અને તે અમૂલ્ય સંપત્તિને શોધી કાઢો.
પ્રતિકૂળ પરિસ્થિતિઓથી પરેશાન થવાને બદલે તમે એમને અનુકૂળ બની જાવ. પછી ધીમેધીમે પરિસ્થિતિને બદલી નાંખો. મનગમતી પરિસ્થિતિ આ સંસારમાં મેળવવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ પરિસ્થિતિને આપણને અનુકૂળ બનાવવી સરળ છે. તમે વિચાર તથા મન:સ્થિતિ બદલીને પરિસ્થિતિને બદલી શકો છો.
-અખંડજ્યોતિ, મે-1949, પેજ-20
પ્રતિભાવો