પરિવારને સંપન્ન જ નહિ, સુસંસ્કૃત પણ બનાવીએ
June 18, 2010 Leave a comment
પરિવારને સંપન્ન જ નહિ, સુસંસ્કૃત પણ બનાવીએ-૧
ધન કમાવું એ એમ અનિવાર્ય આવશ્યકતા છે, પણ એટલી મોટી નથી કે તેના ઉન્માદમાં પ્રગતિની બીજી બધી આવશ્કતાઓને સંપૂર્ણ રીતે ભૂલી જવામાં આવે. સર્વાંગી વિકાસને જ વાસ્તવિક વિકાસ માનવામાં આવે છે. જો શરીરનું એક અંગ ખૂબ મોટું ખૂબ ફૂલેલું બની જાય તો ઉપલબ્ધિ નહિ, પરંતુ એક બીમારી ગણાશે. એવી જ રીતે પરિવારની અર્થવ્યવસ્થા તો બરાબર હોવી જોઈએ, પણ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય, સ્વભાવ, ચિંતન-ચરિત્ર ડગમગવા લાગે અને તેઓ દુષ્પ્રવૃતિઓ, દુર્વ્યસનોની ચુંગાલમાં ફસાતા જાય, તો સમજવું કે સંકટો અને વિપત્તિઓનાં વાદળો ઘેરાવામાં હવે વધુ સમય નહિ લાગે. આવી સ્થિતિમાં આર્થિક સદ્ધરતા એ દુર્ગુણોની મદદરૂપ બનશે. આગમાં તેલ રેડાવાની જેમ વધુ ભડકવા લાગશે. એના કરતા તો એવા ગરીબો વધુ નફામાં રહે છે, જેઓ રોજ કમાય છે અને રોજ ખાય છે. દુર્વ્યસનો માટે તેમની પાસે નવરાશનો વખત નથી કે નથી ફાલતું ખર્ચ કરવાની સુવિધા
આજીવિકાનાં સાધનોની જેમ સ્વાસ્થ્ય પણ એક મહત્વની જરૂરિયાત છે. તેને વાસ્તવિક અને આધારભૂત સંપતિ માનવી જોઈએ. આ લક્ષ્યની પ્રાપ્તિ મોંઘા અને સ્વાદિષ્ટ વ્યંજનો કે પૌષ્ટિક દવાઓની મદદથી થઈ શક્તી નથી. આ માટે આપણે પ્રકૃતિનું અનુકરણ કરવું પડશે, ઈન્દ્રિય સંયમનો સમાવેશ કરવો પડશે. માત્ર આહારમાં જ નહિ, વિહારમાં પણ સંપૂર્ણ સંયમનો સમાવેશ કરવો પડશે. મોટા ભાગના લોકો જરૂર કરતાં વધારે પ્રમાણમાં અભક્ષ્ય પદાર્થોનું સમય-કસમયે સેવન કર્યા કરે છે. રસોડામાં શું બને, કઈ રીતે બને કોણ કેટલા પ્રમાણમાં, કઈ રીતે ખાય, તેની સુવ્યવસ્થા બનાવી લેવી એ ઘરને એક સુરક્ષિત કિલ્લો બનાવી લેવા સમાન છે. આહાર, શ્રમ અને દિનચર્યામાં સુવ્યવસ્થાનું નિયમન એક એવો સિદ્ધાંત છે, જેનું યોગ્ય રીતે પાલન કરતા રહેવાથી સ્વસ્થ રહેવાની ખાતરી મળી જાય છે.
વડિલો યોગ્ય-અયોગ્ય રીતે પોતાની તથા પરિવારની સમૃદ્ધિ વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. તેમાં જ તેઓ પોતાનું ગૌરવ સમજે છે તથા વર્તમાન અને ભવિષ્ય સુખ શાંતિથી ભરપૂર રહેવાથી કલ્પના કરતા રહે છે. પરંતુ અંતે તો એનાથી ઊલટું જ થાય છે. સંપત્તિ અતિશય પ્રમાણમાં હોવાથી અપવ્યય કરવાનું મન થાય છે. પરિણામે વ્યસનો અને દુર્ગુણોનું પોટલું બંધાય છે. સંપત્તિના બદલામાં ખરીદવામાં આવેલા આ દુર્ગુણો જીવનમાં જળોની જેમ વળગી પડે છે અને લોહી પીતા રહે છે. ભૌતિક સમૃદ્ધિ ભોગવિલાસ શીખવે છે, આળસુ, પ્રમાદી અને અહંકારી બને છે. આ હકીક્તને ન સમજી શકનારાઓ એવું વિચારતા રહે છે કે ધન વૈભવ જ સર્વસ્વ છે. તે ખૂબ પ્રમાણમાં મળી જાય જવાથી તેના બદલામાં સુખ સુવિધામાં અઢળક સાધનો મેળવી શકાય છે.
પ્રતિભાવો