પરિવારને સંપન્ન જ નહિ, સુસંસ્કૃત પણ બનાવીએ
June 18, 2010 Leave a comment
પરિવારને સંપન્ન જ નહિ, સુસંસ્કૃત પણ બનાવીએ-૨
પરિવારને સુસંપન્ન બનાવવા માટે જેટલો પ્રયત્ન કરવામાં આવે છે તેના કરતાં તેને સુસંસ્કૃત અને સદ્દગુણી બનાવવા માટે વધારે પ્રયત્ન કરવામાં આવે, કારણ કે આ જ સાચી સંપત્તિ છે, જે જીવનભર સાથ નિભાવે છે. સદ્દગુણી વ્યક્તિ માત્ર પોતાનાં સ્વજનોનું જ નહિ, બીજા લોકોનું પણ સન્માન અને સહયોગ મેળવે છે. આના કારણે તેના વ્યક્તિત્વનું વજન વધે છે. કોઈ પણ ક્ષેત્રમાં તેનું ખૂબ ઊંચું મૂલ્યાંકન થાય છે. આ એવો આધાર છે, જેના કારણે લોકોનો પ્રેમ, સહયોગ અને સદ્દભાવ મેળવી શકાય છે. જેની પાસે આ ઉચ્ચસ્તરીય મૂડી છે, તેની પાસે આજીવિકાનાં ઓછાં સાધનો હોવા છતાં પણ આત્મસંતોષ તથા લોકસન્માનની ઊણપ રહેતી નથી. જેઓ આટલું મેળવી શક્યા, તેમની પાસે સામાન્ય સુવિધાઓ હોવા છતાં તેમને એવું નથી લાગતું કે તેઓ દરિદ્ર છે, બીજા ધનવાનોની સરખામણીમાં તેમને ઓછી પ્રસન્નતા મળી રહી છે.
પરિવારને સુસંપન્ન બનાવવા માટેની વ્યાપક પ્રથાઓમાં ફેરફાર કરવો જોઈએ. આ લાલસાને અતિશય પ્રમાણમાં વધારવાનું દુષ્પરિણામ સામે આવવાનું છે, તેમ વિચારવું જોઈએ. જેથી કોઈને પૂર્વજોની કમાણી પર જલસા કરવાની, નવરા બેસી રહેવાને ઈચ્છા ન થાય. પરિવારના દરેક સભ્યને એવું વિચારવું જોઈએ કે મારે મારા પોતાના પગ પર ઊભા થવાનું છે, સ્વાવલંબી બનવાનું છે. સાચી વાત પણ આજ છે. સંસારની દરેક પ્રગતિશીલ વ્યક્તિને સદ્દગુણોની મૂડી જ શરૂઆતથી અંત સુધી કામ આવે છે. તેના જ આધારે પોતાને સમર્થ, સુયોગ્ય, પ્રામાણિક અને સન્માનિત બનવાની તક મળતી રહે છે. વૈભાવનું અતિશય મહત્વ સમજવા સમજાવવાથી કોઈનુંય ભલું થવાનું નથી. જો દૂરદર્શિતા જરાક પણ ઓછી હશે, તો તેનો સદુપયોગ થઈ શક્તો નથી. વૈભવની લાલચમાં મોટે ભાગે લોકો વ્યક્તિત્વમાં ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરવાની જરૂરિયાત સમજતા નથી અને સાથેસાથે દુર્ગુણોનું પોટલું પણ ભેગું કરતા જાય છે.
વિલાસિતા માણસને સ્વપ્નદર્શી બનાવે છે. તે વર્તમાનની જેમ ભવિષ્યને પણ કાયમ માટે સુખ સુવિધાઓ થી સભર રહેવાની આશા રાખે છે, જ્યારે સાચી વાત એ છે કે જરા જેટલી પ્રતિકૂળતા આવતાં જ ગંજીફામાં પત્તાંથી બનેલા તે હવાઈ કિલ્લા જોતજોતામાં જમીનદોસ્ત થઈ જાય છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને નવેસરથી સદ્દગુણોની સંપત્તિ ભેગી કરવાનું મુશ્કેલ થઈ જાય છે.
શિલ્પ, સંગીત, સાહિત્ય, કલા કૌશલ્ય મેળવવા માટે જેવી રીતે લાંબા સમય સુધી અને સતત પ્રયાસ કરવા પડે છે, તેવી જ રીતે સદ્દગુણોને સ્વભાવનું અંગ બનાવવા માટે તેમને રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. ટેવો લાંબા સમયે પરિપક્વ બને છે. મુઠ્ઠીમાં સરસવ રાખવાની જેમ ટેવો નથી રાતોરાત બની જતી, નથી મૂળિયાં જમાવી ચૂકેલી ટેવો માંથી પીછો છોડાવી શકાતો. તેને યોજનાબદ્ધ રીતે અપાનાવવી પડે છે અને ક્રમબદ્ધ રીતે વ્યવહારમાં ઉતારવી પડે છે. પરિવારના વડિલોનું ધ્યાન આ કેન્દ્ર પર કેન્દ્રિત રહેવું જોઈએ અને તેમણે પોતાના પરિવારજનોને સુસંસ્કારી બનાવવા માટે પરિપૂર્ણ સતર્કતા સાથે સતત કરવો જોઈએ. આ કાર્યમાં પોતાનો સમય અને પરિશ્રમ લગાવવામાં કૃપણતા દાખવવી ન જોઈએ.
પ્રતિભાવો