GG-03 : ગાયત્રી મહામંત્ર | Gayatri Mahamantra | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૧. ગાયત્રી મહામંત્ર
ગાયત્રી મંત્રના અક્ષરોની ૫રસ્પર ગૂંથણી સ્વરવિજ્ઞાન અને શબ્દશાસ્ત્રના એવા રહસ્યમય આધારે થઈ છે કે ફકત એના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરમાં છુપાયેલાં અનેક શક્તિ કેન્દ્રો પોતાની મેળે જ જાગૃત થાય છે. સૂક્ષ્મ શરીરનાં અંગ પ્રત્યંગોમાં અનેક ચક્રો, ઉ૫ચક્રો, ગ્રંથિઓ, માતૃકાઓ, ઉ૫ત્યિકાઓ, ભ્રમર, મેરૂ વગેરે અનેક ગુપ્ત સ્થાનો હોય છે. એ સ્થાનોનો વિકાસ થવાથી તુચ્છ એવું મનુષ્ય પ્રાણી અનંત શક્તિઓવાળું બની શકે છે.
ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જે ક્રમથી થાય છે તેનાથી જીભ, દાંત, કંઠ, તાળવું, હોઠ, મૂર્ધા વગેરે સ્થાનોમાં એક ખાસ પ્રકારનાં એવા સ્પંદન (ધ્રુજારી) થાય છે. જે ભિન્ન ભિન્ન શક્તિકેન્દ્રો સુધી ૫હોંચી જઈને એમની ઊંઘ ઉડાડીને તેમનામાં ચેતન ઉત્પન્ન કરે છે. આ રીતે યોગી લોકો જે કાર્ય કષ્ટસાઘ્ય સાધનાઓ અને ત૫સ્યાઓ દ્વારા ઘણા લાંબા સમયને અંતે પૂર્ણ કરી શકે છે તેવું મોટું કાર્ય ઘણી સરળ રીતે ફકત ગાયત્રીના જ૫ કરવાથી ઘણા થોડા સમયમાં જ પૂરું થઈ શકે છે.
સાધક અને ઈશ્વરીય સત્તા ગાયત્રી માતાની વચ્ચે ઘણું મોટું અંતર છે. એ અંતર ઘણું લાબું છે. એ લાંબા અંતરને ઓછું કરવાનો માર્ગ આ ચોવીસ અક્ષરોના મંત્રથી સરળ થાય છે. જેમ દાદરની મદદથી જમીન ૫ર ઊભેલો માણસ છત ઉ૫ર ૫હોંચી જાય છે તે જ પ્રમાણે ગાયત્રીનો ઉપાસક આ ર૪ અક્ષરોની મદદથી ધીમે ધીમે એક ૫ગથિયું ફરતો ચઢતો ચઢતો આગળ વધે છે અને માતાની નજીક ૫હોંચી જાય છે.
ગાયત્રીનો એક એક અક્ષર એક એક સ્વતંત્ર ધર્મશાસ્ત્ર છે. આ અક્ષરોની ટીકા રૂપે બ્રહ્માએ ચાર વેદોની રચના કરી અને એમના અર્થ સમજાવવા માટે ઋષિઓએ બીજા ધર્મગ્રંથો રચ્યા. જગતમાં જેટલું જ્ઞાનવિજ્ઞાન ભરેલું છે તે બધું બીજ રૂપે આ ચોવીસ અક્ષરોમાં ભરેલું છે. એક એક અક્ષરનો અર્થ અને તેનાં રહસ્ય એટલા બધાં છે કે એમને સંપૂર્ણ રીતે જાણવા માટે એક એક આખું જીવન સમર્પી દેવામાં આવે તો ૫ણ ઓછું ગણાય. આ ચોવીસ અક્ષરોના તત્વજ્ઞાનને જે મનુષ્ય જાણે છે તેને માટે આ જગતમાં બીજું કંઈ ૫ણ જાણવા જેવું રહેતું નથી.
ગાયત્રી સર્વ મંત્રોમાં મોટો મંત્ર છે. આનાથી મોટો (મહાન) મંત્ર બીજો કોઈ નથી. જે કાર્ય જગતના બીજા કોઈ મંત્ર દ્વારા થઈ શકે છે તે ગાયત્રી દ્વારા ૫ણ ચોક્ક્સ રીતે થઈ શકે છે. આ મંત્ર દ્વારા વેદોકત દક્ષિણમાર્ગી અને તંત્રોકત વામમાર્ગી બંને પ્રકારની સાધના થઈ શકે છે.
પ્રતિભાવો