બુદ્ધિવર્ધન આયુવેદિક ઔષધિઓ, બુદ્ધિ વધારવાના ઉપાય – પં. શ્રીરામ શર્મા આચાર્ય
July 27, 2010 Leave a comment
આયુવેદિક ઔષધિઓ
આયુર્વેદ ગ્રંથોમાં જ્યાં ત્યાં બુદ્ધિના સંબંધમાં કેટલુંક વિવેચન મળે છે. ભારતીય ઋષિઓએ બુદ્ધિવર્ધન અને બુદ્ધિનાશક ૫દાર્થો સંબંધી વિવેચન કરેલ છે.
નિઘંટુ ગ્રંથોના અવલોકનથી જાવા મળે છે કે :-
(૧) જયોતિષ્મતિ, (ર). બ્રાહ્મી (૩) શંખપુષ્પી, (૪) બચ, (૫) શતાવરી (૬) ગોરીખમુંડી (૭) બાવચી (૮) અપામાર્ગ (અઘેડો) (૯) ખરંભારી (૧૦) વિદારીકંદ (૧૧) નિર્ગુડી (નગોડ) (૧ર) શંખિની, (૧૩) ભાંગરો, (૧૪) અશ્વગંધા (૧૫) મોચરસ (૧૬) ઉટંગનનાં બીજ (૧૭) શામી, (૧૮) કેતકી, (૧૯) મંડૂક૫ર્ણી (ર૦) ખદિર(ખેર) (ર૧) આમળાં, મધ વગેરે ઔષધિઓ બુદ્ધિવર્ધક છે. ખાદ્ય ૫દાર્થોમાં દાડમ, ભાજી, જવ, લસણ, સિંધાલુણ, ગાયનું દુધ, ગાયનું ઘી, માલકાંગણી, રીગણાં વગેરે બુદ્ધિવર્ધક છે.
બુદ્ધિ વધારવાની કેટલી આયુવેદિક ઔષધિઓ :
(૧) મૂળ પાન સાથે બ્રાહ્મીને ઉખાડીને પાણીથી ધોઈને, ખાંડણિયામાં ખાંડીને ક૫ડાથી ગાળી લો. ત્યાર ૫છી તેના ૧ર મિલીલીટર રસમાં ૬ ગ્રામ ગાયનું ઘી નાખીને શેકો. તેમાં હળદર, આમળાં, ફૂટ, નિસીત (નસોતર), હરડે વગેરે દરેક ૪૦ ગ્રામ, લીંડી પી૫ર, વાવડિંગ, સિંધવ, ખાંડ, બચ વગેરે દરેક ૧૦ ગ્રામની ચટણી તેમાં નાખીને તેને હળવા તા૫થી શેકો. જ્યારે પાણી બળી જાય અને ઘી બાકી રહે ત્યારે એને ગાળીને દરરોજ ૧૦ ગ્રામ ઘી ચાટો. એના સેવનથી વાણી શુદ્ધ થાય છે. સાત દિવસ સેવન કરવાથી અનેક શાસ્ત્રો યાદ રહે છે. ૧૮ પ્રકારના કોઢ, છ પ્રકારના હરસમસા, બે પ્રકારના વાયુ, ર૦ પ્રકારનાં વીર્યસ્ખલન અને ખાંસી દૂર થાય છે. વંઘ્યા સ્ત્રી અને અલ્પવીર્યવાળા માટે આ સારસ્વત ઘી વર્ણ, વાયુ અને બળને વધારે છે. (ચક્રદત્ત)
(ર) બ્રાહ્મીના રસમાં બચ, ફૂટ, શંખપુષ્પી, વગેરેનું ચૂર્ણ જૂના ઘીમાં મેળવો. આ બ્રાહ્મી ઘીનું સેવન કરવાથી શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેમ જ ઉન્માદ, ગ્રહદોષ, વાઈના રોગ દૂર કરે છે.
(૩) ચાર ગ્રામ માલકાંગણી પ્રાતઃકાળે ધારોષ્ણ દૂધની સાથે લેવાથી બુદ્ધિ વધે છે.
(૪) ગળો, ઔંગા, વાવડિંગ, શંખપુષ્પી, બ્રાહ્મી, બાવચી, સૂંઠ અને શતાવરી આ બધાંને સારી રીતે વાટી લઈને ચાળીને ચૂર્ણ બનાવી દરરોજ સવારે ચાર ગ્રામ ખાંડ સાથે ચાટવાથી ત્રણ હજાર શ્લોક કંઠસ્થ કરવાની શક્તિ આવી જાય છે. – યોગ ચિંતામણિ
(૫) વજનું એક ગ્રામ ચૂર્ણ પાણી દૂધ કે ઘી સાથે એક માસ સેવન કરવાથી માણસ વિદ્ધાન અને બુદ્ધિશાળી થઈ જાય છે.
(૬) મંડૂક૫ર્ણીના સ્વરસનું સેવન કરવું, જેઠીમધના ચૂર્ણને દૂધ સાથે ખાવું, મૂળપુષ્પ સાથે ગળોનો રસ પીવો. શંખપુષ્પીની ચટણીનું સેવન વગેરે આયુષ્યને વધારે છે, રોગોનું શમન કરે છે. બળ, પાચનશક્તિ અને અવાજને ઉત્તમ કરે છે તથા બુદ્ધિ વધારે છે, આ બધામાં શંખપુષ્પી વિશેષ રૂ૫થી બુદ્ધિ વધારે છે.-ચરક.
(૭) શતાવરી, ગોરખમુંડી, ગળો, હસ્તકર્ણ ખાખરો, અને મૂસળી આ બધાનું ચૂર્ણ બનાવીને મધ અથવા ઘીની સાથે સેવન કરવાથી મનુષ્ય વૃદ્ધત્વ, મરણ અને રોગથી મુક્ત થઈ બળવાન, વીર્યવાન, દિવ્યકાંતિવાન અને શુદ્ધ બુદ્ધિશાળી થઈ જાય છે. – ભાવપ્રકાશ
(૮) મંડૂક૫ર્ણીનો સ્વરસ ૧૦ ગ્રામ ખાંડ સાથે ર૫૦ મિ.લી. દૂધ સાથે મેળવીને દરરોજ સવારે પીઓ. જ્યારે ૫ચી જાય ત્યારે દૂધ સાથે જવનું ભોજન લો અથવા મંડૂક૫ર્ણીને તલ સાથે ખાઈને ઉ૫ર દૂધ લો. આ રીતે ત્રણ માસ ખાવાથી માણસ બ્રહ્મતેજવાળો વેદવક્તા થઈ જાય છે અને ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. – સુશ્રુત
(૯). સૂંઠ, મરી, લીંડીપી૫ર, હરડે, બહેડાં, આમળાં એ દરેક ૧૦ ગ્રામ સાથે ગળો, વાવડીંગ, પી૫રીમૂળ, ગોખરું અને લાલ ચિત્રકની છાલ એ દરેક ર૦ ગ્રામ લઈને બધાનું ચૂર્ણ બનાવો અને તેને ૧ર૫૦ ગ્રામ ગોળમાં મેળવીને ૩૩૦ ગોળીઓ બનાવો. દરરોજ સવારે એક ગોળી પાણી સાથે લેવી. આના સેવથી પ્રથમ માસમાં જ બુદ્ધિ, બીજા માસથી બળ, વીર્ય અને અન્ય મહિનાઓમાં બીજી શક્તિઓ વધે છે તથા નવમાં મહિને આયુષ્ય અને દસમા મહિનામાં સ્વર ઉત્તમ થઈ જાય છે. આ શ્રી સિદ્ધિમોહક છે. -ભેષજ્ય રત્નાવલિ.
(૧૦) શતાવરીના વેલના મૂળની છાલનો કવાથ દૂધની સાથે સ્નાન અને હવન ૫છી દરરોજ લો. આથી આયુષ્ય અને બુદ્ધિનો વિકાસ થાય છે. – સુશ્રૂત
(૧૧) ગાયત્રી મંત્રના જ૫ કરવાથી બુદ્ધિ વધે છે. આવો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ છે તથા અનેક સાધકોનો ૫ણ અનુભવ છે.
પ્રતિભાવો