દર્શન તો કરીએ, પણ આ રીતે
October 3, 2010 Leave a comment
દર્શન તો કરીએ, પણ આ રીતે
આપણા સમાજમાં દર્શનનો ખૂબ મહિમા છે. દેવમંદિરોમાં તેમજ તીર્થોના દર્શન કરવા માટે લોકો ખૂબ કષ્ટ વેઠીને, ઘણું ખર્ચ કરીને જાય છે અને દર્શન કરીને ઘણો સંતોષ પામે છે. વળી કહે છે, કે અમારા ભાગ્યમાં આવો સુઅવસર લખ્યો હતો જેના લીધે અમુક તીર્થ કે દેવમંદિરોમાં દર્શન થઈ શક્યાં. આવી જ રીતે કોઈ સંત, મહાત્મા, વિદ્વાન કે મહાપુરુષ જોવા માટે પણ લોકો દોડાદોડીને જાય છે અને માને છે કે દર્શનનું પુણ્યફળ તેમને મળી ગયું. આપણા દેશમાં આ માન્યતા ખૂબ ઊંડે સુધી ઘર કરી જાય છે. દર્શનના લાભો વિશે લોકોની માન્યતા ચરમસીમા સુધી પહોંચી ગઈ છે. કેટલાક લોકો તો દર્શનને કલ્યાણને એકમાત્ર ઉપાય માની લે છે. કુંભના મેળામાં લાખો વ્યક્તિઓ એટલા માટે જાય છે, કે ત્યાં જવાથી તીર્થસ્થાન ઉપરાંત સંત-મહાત્માઓનાં પણ દર્શન થશે, જેનાથી તેમનાં પાપો ધોવાઈ જશે અને પુણ્યનો લાભ મળશે.
અતિરેક ન કરવામાં આવે:-
મહાત્મા ગાંધીના દર્શન માટે લાખો લોકો જતા હતા. તેઓ જ્યાંથી પસાર થતા હતા, ત્યાંના સ્ટેશનો પર બહુ ભીડ જમા થતી હતી અને દર્શન માટે આગ્રહ કરતી હતી. આખા દિવસના કઠોર શ્રમથી થાકી ગયા હોવાથી રાત્રે તેઓ ગાડીમાં સૂતા હોય ત્યારે પણ લોકો તેમને જગાડવા અને તેમને દર્શન કરવાનો આગ્રહ કરતા હતા. તેમને આરામ ન મળવાથી કષ્ટ થશે, બીમાર પડી જશે, એવી કોઈને પરવા ન હતી, તેમને તો બસ ગમે તેમ દર્શન કરવા હતાં. જો કે લોકોના દિલના મહાત્મા ગાંધી પ્રત્યે શ્રદ્ધા-ભાવના પણ હતી, પરંતુ સાથેસાથે દર્શનથી પુણ્ય મળવાનો લોભ પણ ઓછો ન હતો. જો માત્ર શ્રદ્ધા જ હોત અને તેની સાથે વિવેકનું નિયંત્રણ પણ હોત તો સતત કાર્યથી થાકેલા એક વયોવુદ્ધ પરમા ર્થી સત્પુરુષને રાત્રે જગાડવાનો આગ્રહ શા માટે કરત? આવી સ્થિતિમાં લોકો પોતાની શ્રદ્ધાને પોતાના અંત:કરણ સુધી સિમિત રાખી શક્તા હતા અને દર્શન કર્યા સિવાય પણ કામ ચલાવી શક્તા હતા પરંતુ જ્યાં દર્શનનો પુણ્યલાભ જ લુંટવો હોય ત્યારે કોઈને તકલીફ પડશે, બીમાર પડી જશે, તેને ચિંતા કરવાની શું જરૂર હોય?
આ દર્શનના પુણ્યફળ અંગેની માન્યતાનો અતિરેક છે. અતિની મર્યાદાએ પહોંચ્યા પછી અમૃત પણ વિષ બની જાય છે. શ્રદ્ધા જ્યારે વિવેકની સિમાઓનું ઉલ્લંઘન કરે છે, ત્યારે તે અંધશ્રદ્ધા કહેવાય છે અને તેનાથી લાભ કરતા નુકશાન જ થાય છે. શ્રદ્ધા જ્યાં આત્માને ઊંચો ઉઠાવે છે, ઈશ્વર સુધી લઈ જાય છે, ત્યાં અંધશ્રદ્ધા માણસને અવિવેક, અનાચાર, તથા અંધ:પતનની ખાઈમાં ધકેલી દે છે. અંધશ્રદ્ધાનું શોષણ કરીને અને ધુતારા લોકો બીચારી ભોળી જનતાનું ખરાબ રીતે શોષણ કરે છે. આ શોષણ બંને પક્ષો માટે અહિતકર છે. શોષણકર્તા વધુને વધુ દુષ્ટતા પર્ ઊતરી આવે છે અને શોષિત રોજેરોજ વધુને વધુ દીન-હીન થતો જાય છે. આથી જ આપણા શાસ્ત્રમાં એક બાજુ શ્રદ્ધાની પ્રસંશા કરવામાં આવી છે, તો બીજી બાજુ અંધશ્રદ્ધાની ભારોભાર ટીકા પણ કરવામાં આવી છે. દર્શનનો લાભ ઘણો છે જેને નકારી શકાય તેમ નથી, પરંતુ ત્યારે તેની બાબતમાં એટલો બધો ઉત્સાહ બતાવવામાં આવે કે જે અંધશ્રદ્ધા સુધી પહોંચી જાય ત્યારે માનવું જોઈએ, કે હવે તેનાથી લાભ ઓછો અને નુકશાન વધુ થવાની સંભાવના છે.
દર્શન એક એવો પ્રાથમિક પ્રયાસ છે જેનાથી કોઈ વિશેની જાણકારી મળે છે. જાણકારીથી શ્રદ્ધા વધે છે શ્રદ્ધાથી તેનું તથ્ય સમજવા માટેનો ઉત્સાહ વધે છે. તથ્યને અપનાવવાનો પ્રયત્ન કરવાથી તે અભ્યાસમાં આવે છે. અભ્યાસ પરીપક્વ થવાથી તેની વિશેષતાના કારણે જ ઈચ્છિત લાભ મળે છે. દર્શનો વાસ્તવિક લાભ આટલી મંજિલ પાર કર્યા પછી જ મળે છે જોવા માત્રથી જ ઈચ્છિત ઉદ્દેશ પૂરો થઈ જશે એમ માનવું ભૂલ ભરેલું છે.
પ્રતિભાવો