૫૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૩/૨/૨૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૩/૨/૨૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

બણ્મહાઁ અસિ સૂર્ય બડાદિત્ય મહાઁ અસિ । મહાઁસ્તે મહતો મહિમા ત્વમાદિત્ય મહાઁ અસિ II (અથર્વવેદ ૧૩/૨/૨૯)

ભાવાર્થ : હે મનુષ્યો ! તમારો આત્મા સૂર્યની જેમ જ તેજસ્વી, પ્રકાશમાન અને મહાન છે. પોતાની શક્તિને તો ઓળખી જુઓ. તમારો મહિમા કેટલો વિશાળ છે તેને જાણો.

સંદેશ : આત્મા અને પરમાત્માની વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ છે. જે આત્મા આપણા શરીરમાં બિરાજમાન છે તે પરબ્રહ્મ પરમપિતા પરમેશ્વરનો જ અંશ છે. તેની સત્તા બધાં જ પ્રાણીઓમાં સમાયેલી છે. આપણે એમ પણ કહી શકીએ કે ભગવાને આપણા આત્માને પોતાના પ્રતિનિધિના રૂપમાં આ શરીરમાં મૂક્યો છે. તે આ શરીરના માધ્યમથી હંમેશાં દેવત્વની તરફ આગળ વધતો રહે છે. એ આપણું સૌથી મોટું કમનસીબ છે કે અજ્ઞાનને કારણે આપણે આપણા આત્માને જ ભૂલી ગયા છીએ અને દોષદુર્ગુણોના કચરા નીચે તેને દબાવી દીધો છે.

જેવી રીતે સૂર્ય સમગ્ર સંસારને તેજ, પ્રકાશ, ગરમી, શક્તિ અને જીવન આપે છે તેવી જ રીતે આપણો આત્મા પણ શક્તિશાળી છે. આત્માને ઇન્દ્ર પણ કહેવામાં આવે છે.

‘અહમિન્દ્રો ન પરાજિગ્યે’ અર્થાત્ હું ઇન્દ્ર છું અને કદી પરાજિત થતો નથી. આત્માની શક્તિ અનંત છે. જેની પાસે આત્મબળ હોય છે તેવો મનુષ્ય કદાપિ હારતો નથી. આત્મબળની શક્તિમાં જ વિજય અને તેના અભાવમાં પરાજય રહેલો છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મા અને પરમાત્માના સંબંધને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરે છે અને તે દીન હીન ભાવથી મુક્ત બની જાય છે. ત્યાર પછી તે કદાપિ કોઈ પણ કાર્યમાં પરાજિત થતો નથી. આત્મબળથી મનુષ્ય મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે.

આત્મબળ એક આંતરિક જ્યોતિ છે. આત્માની શક્તિ રોગ, શોક વગેરે દોષોને બાળી નાંખે છે. પવિત્ર કર્મો કરવાથી આત્માના દોષો દૂર થતા જાય છે અને અંતઃકરણમાં તેની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ જાય છે. આ જ્યોતિ આત્મિક શક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે અને એના દ્વારા દોષ દુર્ગુણો નષ્ટ થઈ જાય છે. એના કારણે હૃદયમાં દુર્ગુણોનો પ્રવેશ સદંતર બંધ થઈ જાય છે. આ એક મહાન શક્તિ છે. તે મનુષ્યમાં સ્ફૂર્તિ તથા ઓજસ લાવે છે અને મોટામાં મોટાં કાર્યો કરવાનું સામર્થ્ય પેદા કરે છે. તે વજની જેમ મોટાં મોટાં વિઘ્નોને દૂર કરીને અશક્યને પણ શક્ય બનાવી દે છે.

આત્મબળને ‘અશ્મવર્મ મેડસિ’ કહેવામાં આવે છે. અર્થાત્ આ મારું પથ્થરનું કવચ છે. આ અતૂટ, અક્ષય આંતરિક શક્તિને વેદોએ પથ્થરની ઉપમા આપી છે, કારણ કે એ મોટા મોટા હુમલાઓને રોકી શકે છે. આત્મિક શક્તિ અજેય છે. આ શક્તિ પાપ અને પાપી બંનેનો નાશ કરી નાંખે છે. આત્મબળવાળો મનુષ્ય જીવનમાં ક્યારેય બિચારો અથવા પરાધીન બનીને જીવતો નથી. આવો મનુષ્ય યશસ્વી હોય છે અને સમાજમાં અગ્રણી બને છે.

આપણી ફરજ છે કે આપણે આપણા આત્માની પ્રચંડ શક્તિને ઓળખીએ. સતત આત્મનિરીક્ષણ કરતા રહીને આત્માની ઉપર ચડેલા દોષદુર્ગુણોને દૂર કરતા રહીએ, જેથી આપણું જીવન આત્મપ્રકાશથી ઝળહળી ઊઠે અને તેજસ્વી તથા વર્ચસ્વી બની શકે. આત્માની આ શક્તિ સંસારનાં અશક્ય કાર્યોને પણ શક્ય બનાવી દે છે. પરમાત્માની શક્તિ પછી જો બીજી કોઈ મહાન શક્તિ હોય તો તે આપણા આત્માની જ છે. પોતાની શક્તિને જાણવી એ જ ઈશ્વરની ઉપાસના છે.

આત્મદર્શન દ્વારા જીવનલક્ષ્યની પ્રાપ્તિ થાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: