ગુજરાતનો પ્રવાસ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૮
August 17, 2011 Leave a comment
ગુજરાતનો પ્રવાસ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૮
એક વાર ગુરુદેવની સાથે ગુજરાતમાં પ્રવાસમાં ગયો. ત્યારે ગુજરાતમાં ઓછી શાખાઓ હતી. અમદાવાદ ગયા ત્યારે ત્યાં ફક્ત એક મિશ્રીલાલજી કાર્ય કરતા હતા. તેઓ એકલા હતા. પત્ની-છોકરાઓ પણ ન હતાં. એમની પાસે જઈને હું ગુરુદેવની સાથે રોકાયો. એમનો નાનો રૂમ હતો. એમાં જપોતાનો બિસ્તરો અને પેટી રાખ્યાં. રાત્રે હું, મિશ્રીલાલજી તથા ગુરુદેવ ત્રણે જમીન પર પથારી પાથરી સૂતા. રૂમ એટલો નાનો હતો કે ત્રણ પથારી માંડ માંડ પાથરી હતી. સવારે ગુરુદેવ ત્રણ વાગે ઊઠી જતા. મેં મિશ્રીલાલજીને કહ્યું; સંડાસ-બાથરૂમ ક્યાં છે? એણે કહ્યું; અમારી પાસે આ રૂમ સિવાય બીજું કાંઈ નથી. એણે સામૂહિક સંડાસ બતાવ્યાં અને રૂમની સામે એક પથ્થર પડ્યો હતો. એમણે કહ્યું; અમે એના ઉપર નાહીએ છીએ. બહાર સામૂહિક નળ છે ત્યાંથી પાણી લાવીએ છીએ. ગુરુદેવના નાહવાની વ્યવસ્થા કરી પથ્થર પર એક ડોલ પાણી ભરી દીધું.
ગુરુદેવ સામૂહિક સંડાસમાં જઈ આવ્યા. પથ્થર પર નાહી લીધું. હું પણ એ જ સામૂહિક સંડાસમાં ગયો અને પથ્થર પર સ્નાન કર્યું. પાણી લાવી કપડાં ધોઈ સૂકવી દીધાં. ગુરુદેવ મિશ્રીલાલજી સાથે વાતો કરતા રહ્યા. મિશ્રીલાલજીએ કહ્યું; એક વ્યક્તિના મકાનનું મુહૂર્ત છે. અમે એમાં યજ્ઞ નક્કી કર્યો છે. આપે જ મકાનનું મુહૂર્ત કરવાનું છે. ગુરુદેવે હા કહી દીધી. હું, ગુરુદેવ અને મિશ્રીલાલજી એ સજ્જનના ઘેર પહોચ્યા. મકાન ખૂબ સુંદર બનાવ્યું હતું. બધા ભાઈઓએ મળીને એક નાની સોસાયટી બનાવી હતી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક સજ્જન પેન્ટ પહેરી નીકળ્યા. એમની સાથે વાતચીત થઈ અને પંચ-કુંડી યજ્ઞ એ જ સોસાયટીમાં બીજા દિવસે નકકી થઈ ગયો. કોલોનીનું ઉદ્ઘાટન હતું. એમના પરિવારવાળા ત્યાં હતા જ. કેટલાક બીજા આડોશી પાડોશી આવી ગયા. બીજા દિવસે યજ્ઞનો કાર્યક્રમ થયો. મારો પરિચય મિશ્રીલાલજીએ એક સજ્ન સાથે કરાવ્યો અને જણાવ્યું કે આમનું નામ બળવંતભાઈ છે. એમણે જ કોલોની બનાવી છે. બધા ભાઈઓ સાથે સાથે રહે છે. યજ્ઞ સમાપ્ત થયો. ગુરુદેવનું પ્રવચન થયું. મિશ્રીલાલજીએ કહ્યું; આજે જે મકાનનું ઉદ્ઘાટન કર્યું છે. એમાં આજે રોકાવાનું છે. મેં હા કહી. ત્યાં જ ભોજનની વ્યવસ્થા હતી. રાત્રે ત્યાં જ રોકાવાનું હતું. બળવંતભાઈએ મને એમની ઉપરનો રૂમ જે એ મકાનમાં સૌથી મોટો અને સજાવેલ હતો તે બતાવ્યો. એમાં ગુરુદેવને રોકાવા માટે લઈ ગયા. પાસે એક નાનો રૂમ હતો તેમાં મને રોકાવા માટે કહ્યું. ગુરુદેવ એમના રૂમમાં ગયા. હું એમને રૂમમાં મૂકી આવ્યો. એ રૂમમાં આજકાલ જેવી નવી ડિઝાઈનની ખુરશીઓ હતી. મેં પણ પહેલીવાર જ જોઈ હતી. ગુરુદેવે રૂમ જોયો. ખૂબ સરસ સજાવેલો હતો. ગુરુદેવે રૂમમાં કમોડવાળું સંડાસ જોઈને કહ્યું; હું આ રૂમમાં નહીં રહી શકું. બોલ્યા; હું સંડાસ ક્યાં જઈશ? તેઓ ખૂબ ગરમ થયા. મેં નીચે આવી બળવંતભાઈને કહ્યું; ત્યારે એમણે નીચે સાદા સંડાસ હતાં તે બતાવ્યાં અને એક સાદો રૂમ રહેવા માટે બતાવ્યો. એ વખતે બળવંતભાઈનો પહેરવેશ-રહેણી-કરણી મિનિસ્ટરો જેવાં હતાં. ગુરુદેવ હમેશાં સાદા જીવન ઉચ્ચ વિચારોને જ પસંદ કરતા હતા. આડંબર એમને પસંદ ન હતો. ગુરુદેવના સંપર્કમાં આવવાથી બળવંતભાઈના વિચારો બદલાયા તો આજે સંપન્ન હોવા છતાં સાદી રહેણીકરણીથી રહે છે. ગુરુદેવે એમના વિચારોને બદલ્યા.
પ્રતિભાવો