છત્તીસગઢનો પ્રવાસ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૦
August 17, 2011 Leave a comment
છત્તીસગઢનો પ્રવાસ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૦
એકવાર હું ગુરુદેવ સાથે છત્તીસગઢના પ્રવાસે ગયો. પાંચકુંડી યજ્ઞ થઈ રહ્યો હતો. મારે પહેલાં રાયપુર જવું પડ્યું. ત્યાં પંચ-કુંડી યજ્ઞ હતો. ત્રણ દિવસ કાર્યક્રમ ચાલતો હતો. છેલ્લા દિવસે દક્ષિણામાં એક એક બુરાઈ છોડાવવામાં આવતી અને એક સદગુણ ગ્રહણ કરવાનું કહેવામાં આવતું. ગુરુદેવનાં જેટલાં પ્રવચન થતાં એમાં તેઓ યજ્ઞની સાથે જ્ઞાન યજ્ઞની વાત કહેતા. તેઓ હમેશાં એ કહેતા કે મનુષ્ય, શરીર અને આત્મા મળીને બન્યો છે. શરીરને ભોજન, રહેવા મકાન જોઈએ. આત્માને પણ ભોજન કરાવવું જોઈએ. આત્માનું ભોજન જ્ઞાન છે. એટલે જ્ઞાન યજ્ઞ આવશ્યક છે. યજ્ઞ દ્વારા પર્યાવરણનું શોધન થાય છે. બીમારીઓનો ઈલાજ પહેલાં યજ્ઞ દ્વારા જ થતો எ હતો. જ્યારે યજ્ઞ થતા હતા ત્યારે આટલી બીમારીઓ ન હતી. શરીર માટે યજ્ઞ જરૂરી છે પણ આત્માને પણ ન ભૂલવો જોઈએ. જ્ઞાન યજ્ઞ આવશ્યક છે. જેટલી મુશ્કેલીઓ છે તે બધી જ અજ્ઞાનના કારણે છે. બંનેનું જોડાણ છે. જેવી રીતે નેગેટિવ-પોઝિટીવ બે તાર મળવાથી વીજળી આવે છે. એક તાર હોય તો વીજળી ન આવે.
રાયપુર યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ચાર વાગે થઈ ગઈ. એ જ દિવસે ગુરુદેવને રાયપુરથી રાયગઢ જવાનું હતું. સાંજનું ભોજન રાયપુરવાળાઓએ જ કરાવી દીધું હતું. મેં પણ ગુરુદેવ સાથે ભોજન કરી લીધું અને ગાડીમાં રાયગઢ જવા નીકળ્યા. જ્યારે અમારી ગાડી બિલાસપુર પહોંચી ત્યારે સ્ટેશન પર કાર્યકર્તા ભાઈઓની ભીડ હતી. લગભગ બધાના હાથમાં ભોજનનું ટિફિન અને હાર હતાં. સ્ટેશન પર ગુરુદેવનું સ્વાગત થયું અને જે ભાઈઓના હાથમાં ટિફિન હતાં તે ગાડીમાં અમારી સાથે બેસી ગયા. ગાડી થોડી આગળ ગઈ ત્યારે ગુરુદેવે જે ભાઈઓ ભોજન લાવ્યા હતા એમને કહ્યું; લાવો શું લાવ્યા છો? બધાંનાં ટિફિન ખોલાવ્યાં અને થોડું થોડું બધાના ટિફિનમાંથી લીધું. અમે રાયપુરથી ભોજન કરીને આવ્યા હતા, ત્યાંથી બિલાસપુરનો દોઢ ક્લાકનો રસ્તો હતો. મેં ના પાડી. ગુરુદેવે મારી તરફ ઈશારો કર્યો. મેં પણ થોડું ભોજન કરી લીધું. આગળના સ્ટેશને ગુરુગેવે એમને કહ્યું હવે તમે ગાડીમાંથી ઊતરીને પાછા ચાલ્યા જાવ. તેઓ બધા ઊતરી ગયા. જ્યારે રાયગઢ સ્ટેશન આવ્યું ત્યાં સ્વાગત માટે ઘણાં ભાઈ બહેન સ્ટેશન પર ઊભાં હતાં અને અમને જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાં લઈ ગયા. એ ભાઈઓએ પણ ભોજનની વ્યવસ્થા કરી હતી.
ગુરુદેવને કહ્યું; ગુરુદેવ ! ભોજન માટે ચાલો. ગુરુદેવ તરત જ તૈયાર થઈ ગયા. હું ના પાડવાનો હતો ત્યાં ગુરુદેવે ઈશારો કર્યો. હું પણ એમની સાથે ભોજન કરવા ગયો. થોડું ભોજન ત્યાં પણ કરવું પડ્યું. પાછા ઉતારા પર આવ્યા. સૂતી વખતે એક ગ્લાસ દૂધ આવ્યું. ગુરુદેવે થોડું દૂધ પણ પીધું. મેં વિચાર્યું જો દૂધ પી લઈશ તો જરૂર ઊલટી થશે. મેં એ ભાઈઓને કહ્યું; જુઓ ભાઈ ! હું દવા લઈ રહ્યો છું. દૂધની મારે મનાઈ છે. આજે તકલીફ છે. સવારમાં દૂધ પી લઈશ. ત્યાં દિવસે કેટલાંય ઘેર જવું પડ્યું. ત્યાં પણ ગુરુદેવે થોડું થોડું ખાધું. પૂર્ણાહુતિ પછી અમે પાછા મથુરા આવવા નીકળ્યા. રસ્તામાં ગુરુદેવને કહ્યું; વારંવાર ભોજન કરવાથી તો બીમાર પડી જઈશું. મારું તો આ પ્રવાસમાં પેટ ખરાબ થઈ ગયું. આપના કહેવાથી ભોજન લેવું પડ્યું. આપે ઈશારો ન કર્યો હોત તો હું એને ચોખ્ખી ના પાડી દેત. ગુરુદેવ બોલ્યા; બેટા! ભાવનાઓનો પ્રશ્ન છે. એ લોકો ઘેરથી ભોજન બનાવીને લાવ્યા, જો અમે તેમને ના પાડત તો તેઓ ધણાં દુ:ખી થાત. કેટલી શ્રદ્ધા ભાવનાથી ભોજન બનાવીને લાવ્યા હતા. એટલે અમે બિલાસપુરમાં પણ ભોજન કર્યું અને રાયગઢમાં પણ ભાવનાઓને ઠોકર ન મારવી જોઈએ. ભાવનાઓ પર ધ્યાન આપવું એ જ અધ્યાત્મ છે. ક્યારેય પણ કોઈની ભાવનાઓને ઠુકરાવવી ન જોઈએ. મેં કહ્યું; ગુરુદેવ ! મારું પેટ ખરાબ થઈ ગયું. હું પાછો જતો રહીશ. ગુરુદેવે સમજાવ્યું કે બેટા ! તું જ્યારે પણ અમારી સાથે પ્રવાસમાં આવે ત્યારે એ વાત ધ્યાનમાં રાખ કે ભોજન સમયે પેટના ચાર ભાગ કરી લો. હમેશાં એક જ ભાગ ભોજન કરવું. ત્રણ ભાગ હમેશાં ખાલી રાખવા જોઈએ. કારણકે જ્યાં પણ જઈએ ત્યાં કંઈ ને કંઈ ખાવું પડે છે. ગુરુદેવે બતાવેલ આ શિક્ષણ મેં ગ્રહણ કરી લીધું. એ દિવસથી હું મરું પેટ ખાલી જ રાખું છું. જેનાથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે અને જ્યાં પણ જાઉં ત્યાં કોઈની ભાવનાને ઠોકર નથી મારતો. જ્યાં પણ જાઉં છું ત્યાં કહું છું, ભાઈ ! ભૂખ તો લાગી છે પણ થોડું જ ખાઉં છું અને જે પણ તે લાવે છે એની પ્રસંશા કરતો રહું છું. આનાથી બધા ભાઈઓ પ્રસન્ન થઈ જાય છે. આ પ્રસંગથી બધાએ શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ કે પેટમાં ઠાંસી-ઠાંસીને ખાવાથી બીમાર પડાય છે. એક ભાગ ભોજન, એક ભાગ પાણી અને એક ભાગ હવા માટે ખાલી રાખવો જોઈએ. તો જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. જ્યારે ભોજન સ્વાદિષ્ટ હોય ત્યારે એટલું ભોજન કરી લે છે કે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. પેટ પરેશાન રહે છે અને ઊંઘ આવતી નથી.
પ્રતિભાવો