આસામની યાત્રા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૧
August 27, 2011 Leave a comment
આસામની યાત્રા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૧
એક વાર ગુરુદેવે કહ્યું; બેટા ! આસામ જવાનું છે. ત્યાં મિશનનો પ્રચાર બિલકુલ નથી. એ વખતે આસામ જવા મથુરાથી બરૌની સ્ટેશન જવું પડતું હતું. મથુરાથી બરૌની પહોંચવામાં એક દિવસ તથા એક રાત થતી હતી. એ પટણાથી આગળ છે. ત્યાંથી આસામ બે દિવસ-બે રાત લાગતાં હતાં. એટલે આસામ જવા માટે મથુરાથી ત્રણ દિવસ-ત્રણ રાત થતાં હતાં. મેં કહ્યું; જ્યાં પણ જવાની આજ્ઞા હશે ત્યાં જતો રહીશ. માતાજીએ રસ્તામાં ખાવા માટે ચણા-મમરા આપ્યા હતા. રસ્તામાં જ્યારે ભોજનનો સમય થયો ત્યારે ગુરુદેવે મને ચણા મમરા આપ્યા. મેં ચણા મમરા ખાધા, પણ મારું પેટ ભરાયું નહીં. હું સમજ્યો કે કોઈ અન્ય જગ્યાએ સારું ભોજન મળશે. ગુરુદેવ ત્યાં ભોજન કરાવશે. પરંતુ ગુરુદેવે ક્યાંય ભોજન ન કરાવ્યું. સાંજે જ્યારે ભોજનનો સમય થયો ત્યારે ગુરુદેવે ફરી ચણા-મમરા મને આપ્યા અને પોતે પણ લીધા. મેં ચણા-મમરા ખાધા. ગુરુદેવને કશું ના કહી શક્યો, પરંતુ મને આખી રાત ઊંઘ ન આવી. ભૂખ લાગી હતી. મેં વિચાર્યું આસામ સુધી ગુરુદેવ ચણા મમરા જ ખવડાવતા રહેશે તો આવતાં સુધીમાં મારા પ્રાણ નીકળી જશે. બીજા દિવસે જ્યારે ભોજનનો સમય થયો ત્યારે ફરીથી ગુરુદેવે ચણા-મમરા આપ્યા.
મેં ગુરુદેવને કહ્યું; મને આખી રાત ભૂખને કારણે ઊંઘ નથી આવી. ભોજન વગર નહીં રહી શકું. ગુરુદેવે કહ્યું; આગળનું સ્ટેશન આવે ત્યાંથી પૂરી લઈ લેજે. આગળનું સ્ટેશન આવ્યું ત્યારે ગુરુદેવે કહ્યું; જા બેટા ! પૂરી લઈ આવ. હું પૂરી લઈ આવ્યો. સાથે શાક પણ હતું. એમાં ડુંગળી પણ હતી. જ્યારે ભોજન કરવા લાગ્યો તો શાક પણ ડુંગળીનું હતું. મેં કહ્યું; ગુરુદેવ ! આમાં ડુંગળી નાંખી છે. એકલી પૂરી ખાવી મુશ્કેલ હતી. ગુરુદેવે કહ્યું; બેટા! ચાવાળો . ડબ્બામાં આવે ત્યારે ચા લઈ લેજે. ચાવાળા પાસેથી ચા લીધી. એનાથી પૂરી ખાવામાં સરળતા રહી. મેં વિચાર્યું ત્રણ દિવસ-ત્રણ રાતમાં મારા તો પ્રાણ નીકળી જશે. ગુરુદેવની સાથે ફસાઈ ગયો. મેં ગુરુદેવને કહ્યું; જેટલા પણ ગુરુ-મહાત્મા છે, મીઠાઈ-ફળ-દૂધ-રબડી ખાય છે અને ચેલાઓને પણ ખવડાવે છે, પરંતુ આપ તો ચણા-મમરા ખાવ છો અને મને પણ ખવડાવો છો. આનું શું રહસ્ય છે? ગુરુદેવે કહ્યું; જેનો જીભ પર કાબૂ નથી, જે ગળ્યું-પૂરી-કચોરી-પકોડી-ફળ દિવસભર ખાય છે, તેઓ અધ્યાત્મવાદી છે જ નહીં, અધ્યાત્મવાદીએ સૌથી પહેલાં જીભને બરાબર ઠીક કરવી પડે છે. આ જીભ તાડકા છે, પૂતના છે. એનાથી મંત્રજપ કરીએ છીએ. જ્યારે જીભ જ ઠીક નહીં હોય તો મંત્રજપ કરીશું એ સફળ કેવી રીતે થશે? જ્યારે બંદૂક જ બરાબર ન હોય તો કારતૂસ શું કરે? જીભ બંદૂક છે, મંત્રજપ કારતૂસ. વાઘને મારવા સારી બંદૂક જોઈએ. રિદ્ધિ સિદ્ધિ મેળવવા જીભને બરાબર ઠીક કરવી જ પડે. જે પણ મંત્ર જપ કરે છે તે મરેલી જીભથી કરે છે. એટલે એમના મંત્ર જપ કરવાનું કે અનુષ્ઠાન કરવાનું સફળ થતું નથી. મસાલેદાર ખાવાનું-ગળ્યું -કચોરી-પકોડી ખાવાથી પેટ પણ ખરાબ કરે છે અને માણસ બીમાર પડે છે.
સૌથી પહેલાં જીભને ઠીક કરવી પડે છે. સૌથી પહેલો સંયમ જીભનો સંયમ છે. દરક વ્યક્તિ જપ તો કરે છે પરંતુ એની જીભ કાબૂમાં નથી રહેતી. એટલે એને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. મેં આ શિક્ષણ જીવનમાં ગ્રહણ કર્યું. આ કારણે મારું સ્વાસ્થ્ય સારું રહે છે. ૮૭ વર્ષનો થવા છતાં હું મને પોતાને યુવાન અને સ્વસ્થ મહેસૂસ કરું છું. જે કોઈએ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય અને સો વર્ષ જીવવું હોય તો સૌથી પહેલાં જીભને કાબૂમાં રાખવી પડશે. જેની જીભ કાબૂમાં નથી, એના મંત્ર કોઈ દિવસ સફળ નથી થતા. ભલે દિવસ-રાત જપ કરતારહે. મંત્રના ચમત્કાર જેવા હોય તો જીભને ઠીક કરવી જ પડશે. ગુરુદેવ ચોવીસ વર્ષ સુધી ગાયને જવ ખવડાવી એનાં છાણમાં જે જવ નીકળતા હતા એની રોટી અને છાશ ખાતા રહ્યા ત્યારે એમનો ગાયત્રી મંત્ર સિદ્ધ થયો. ગુરુદેવે મંત્ર સિદ્ધિનું રહસ્ય મને બતાવ્યું. જેઓ ગાયત્રી મંત્રની સિદ્ધિ ઈચ્છે છે, એમણે જીભ પર કાબૂ રાખવો પડશે. આસામના પ્રવાસમાં ગુરુદેવ સાથે જીભ પર કાબૂ રાખવાની વાત જ થતી રહી. ગુરુદેવે કહ્યું; જો કોઈ સ્વાદેન્દ્રિય પર કાબૂ કરી લે તો એનો બધી ઈન્દ્રિયો પર કાબૂ થઈ જાય છે. ગુરુદેવે કહ્યું; જે ઈન્દ્રિય સૌથી વધુ હેરાન કરે છે તે સ્વાદેન્દ્રિય છે અને બીજી કામેન્દ્રિય. બંને પર કાબૂ કરવાથી બધી ઈન્દ્રિયો પર કાબૂ મળી જાય છે. હવે આસામનું સ્ટેશન તિન-સુકિયા આવવાનું થયું ત્યારે ગુરુદેવે કહ્યું; સામાન સંભાળો, સ્ટેશન આવી રહ્યું છે. મેં બધો સામાન ભેગો કરી લીધો. સ્ટેશન પર ઊતરી ગયા. એ વખતે આસામમાં કોઈ શાખા ન હતી. કોઈ ધર્મશાળામાં ઊતર્યા કે કોઈ ભાઈના ઘેર તે બરાબર યાદ નથી. આખી રાત મચ્છર કરડતાં રહ્યાં. આખી રાત ઊંઘ ન આવી.
સવારે ગુરુદેવે સ્નાન કરી લીધું ત્યારે મેં ગુરુદેવને કહ્યું; ગુરુદેવ! યુગ નિર્માણ થશે કે નહીં એ મને ખબર નથી, પરંતુ મારું તો યુગ નિર્માણ થઈ ગયું. ગુરુદેવે કહ્યું, શું વાત છે, બેટા ! જરા બતાવ તો ? મેં કહ્યું; આખી રાત મચ્છરોએ સૂવા નથી દીધો. જો હું અહીં ત્રણ ચાર દિવસ રહીશ તો બીમાર પડી જઈશ. ગુરુદેવે કહ્યું, બેટા ! આનો ઉપાય અમે તને રાત્રે સૂતી વખતે બતાવી દઈશું. ગુરુદેવે મને કહ્યું; બેટા ! બહાર જા. એક બે માણસ લાવ જેમને કાર્યક્રમ વિશે વાત કરીએ. એમને આપણો ઉદ્દેશ બતાવીએ. હું આઠ-દસ ભાઈઓને લઈ આવ્યો. ગુરુદેવ એમની સાથે વાત કરતા રહ્યા. પહેલાં સ્વાસ્થ્ય વિશે, બાળકો પરિવાર વિશે, દુકાન-નોકરી બધા વિશે પૂછપરછ કરી. પછી મિશનની વાત કરી. દિવસભર ત્યાં હું જેમને લાવતો રહ્યો એમની સાથે વાતો કરતા રહ્યા. રાત્રે સૂવાનો સમય આવ્યો ત્યારે મેં ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ! મચ્છરોએ તો અત્યારથી જ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. એનો ઉપાય બતાવો. ગુરુદેવે કહ્યું, બેટા ! તારી પાસે ચાદર છે એનાથી આખા શરીરે ઓઢીને સૂઈ જા. ફક્ત થોડી આંખ જ ખુલ્લી રહે. મેં કહ્યું, જો હું ગુરુદેવની સાથે એક માસ પ્રવાસમાં રહું તો હું બીમાર જ થઈ જાઉં. મેં ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ! હું જ્યારે અધ્યાત્મવાદીઓને, કથાવાચકોને, મહાત્માઓને, પ્રવચનકર્તાઓને જોઉ છું તો એમના ખાવાની અલગ વ્યવસ્થા હોય છે. પ્રવચન જે કરે છે તેમને ગરમ વસ્તુઓ ખવડાવે છે, જેથી તેમનું ગળું સારું રહે. ભોજનમાં પૂરી મીઠાઈ-શાક વગેરે વસ્તુઓ હોય છે અને રહેવા અલગ મકાન. જે સૌથી વધારે ધનવાન હોય છે, જેના મકાનમાં બધાં સાધનો હોય છે એમને ત્યાં બધાને ઉતારવામાં આવે છે અને ચરણસ્પર્શ કરનારાની લાઈન લાગે છે. બે ત્રણ ક્લાક સવારમાં ચરણસ્પર્શનો જ કાર્યક્રમ ચાલે છે. હું તો સમજતો હતો કે હું પણ આવો અધ્યાત્મવાદી બનીશ. પરંતુ આપે તો મારું કચુંબર કાઢી નાખ્યું. ગુરુદેવે કહ્યું, બેટા ! જે શારીરિક સુખસુવિધાને જુએ છે એને કેવળ શરીર જ દેખાય છે. તે એની પૂર્તિમાં જ લાગ્યો રહે છે. આવા ધર્માચાર્ય જે હોય છે તેઓ અધ્યાત્મવાદી નથી હોતા. તેઓ બધા શરીરને જ ભોજન કરાવે છે. એનું જ ધ્યાન રાખે છે. એનો માલિક જ આત્મા છે એની તરફ ધ્યાન જ આપતો નથી. કારણકે આ સમયમાં આ પરંપરા બની ગઈ છે કે ગુરુની પછી એના ચેલા હોય છે, તેમને ગાદી પર બેસાડી દે છે. એણે ક્યારેય ત્યાગ કે બલિદાન કર્યું કે નહીં, તે અધ્યાત્મને જાણે છે કે નહીં ? જે વ્યક્તિ અધ્યાત્મથી માઈલો દૂર છે, જેને અધ્યાત્મની ખબર નથી તેઓ ગાદી મેળવે છે. અધ્યાત્મવાદી શરીરનું નહીં, આત્માનું ધ્યાન રાખે છે. એને ભોજન કરાવે છે. આત્માનું ભોજન સ્વાધ્યાય છે. તને ખબર છે કે ટ્રેઈનમાં આખા રસ્તે અમે પુસ્તક વાંચતા આવ્યા છીએ. વ્યક્તિનો આત્મા મરી ગયો છે. ત્યારે તો અધ્યાત્મની આવી હાલત થઈ ગઈ છે. થોડાં પ્રવચન-થોડા મંત્ર મોઢે કરી દીધા છે. એને જ કહેતા હોય છે. પોતાના અહમ્ની પૂર્તિ કરે છે. બેટા ! અધ્યાત્મવાદી એને કહે છે, જે પોતાના માટે ઓછું ખર્ચ કરે છે અને બીજાને ઉદારતાપૂર્વક સહાયતા કરે છે. પોતાના શરીરનું નહીં, આત્માનું ધ્યાન રાખે છે. ગુરુદેવે આસામના પ્રવાસમાં મને જે શિક્ષણ આપ્યું તે જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી મારા જીવનમાં નિભાવ્યું. આ જ કારણે મને અધ્યાત્મનો પૂરેપૂરો લાભ મળ્યો છે. કોઈ પણ વ્યક્તિ એમના શિક્ષણને અપનાવીને અધ્યાત્મનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે છે.
પ્રતિભાવો