ગુરુદેવે મીઠાવાળું દૂધ પીધું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૩
August 27, 2011 Leave a comment
ગુરુદેવે મીઠાવાળું દૂધ પીધું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૩
એકવાર હું ગુરુદેવ સાથે પ્રવાસમાં હતો. એક બહેનના ઘેર ગયા. બહેન ગુરુદેવને જોઈને ખૂબ પ્રસન્ન થયાં. ગુરુદેવ અને મને બેસાડીને રસોડામાં ગયાં ત્યાંથી દૂધ ગરમ કરીને લાવ્યાં. તે એટલાં પ્રસન્ન હતાં કે દૂધમાં ખાંડ નાખવા લાગ્યાં ત્યારે ખાંડ અને મીઠામાં ડબ્બા પાસે પાસે જ હોવાથી ખાંડની જગ્યાએ મીઠું નાંખીને દૂધ લઈ આવ્યાં. ગુરુદેવે પ્રેમથી દૂધ પી લીધું. મારા માટે પણ દૂધ લાવ્યાં હતાં.જેવું મેં દૂધ પીધું કે એક ઘૂંટ પીતાં જ મારું મોં બગડી ગયું. એમાં મીઠું નાંખેલું હતું. ગુરુદેવે મને ઈશારો કર્યો કે પી લે. મેં કહ્યું કે ગુરુદેવ મીઠાવાળું દૂધ છે હું નહીં પી શકું. જ્યારે બહેને સાંભળ્યું કે દૂધમાં મીઠું નાંખેલ છે તો તે આભાં બની ગયાં અને ખૂબ દુ:ખી થયાં. ગુરુદેવે હસીને કહ્યું; મારા દૂધમાં તો ખાંડ હતી. આના દૂધમાં મીઠું હશે. પરંતુ બહેન બોલ્યાં, ગુરુદેવ એક જ ડબ્બામાંથી એક મુઠ્ઠી લઈને અડધી આપના દૂધમાં અને અડધી પંડિતજીના દૂધમાં નાંખી છે. બિચારાં બહેન ઘણાં દુ:ખી થઈ ગયાં. ગુરુદેવે પછી મને કહ્યું-જો દૂધ પી ગયો હોત તો શું થાત? બેટા ! મીઠાવાળું દૂધ પી લીધું હોત તો તારું પેટ સાફ થઈ જાત. મીઠું કાંઈ ઝેર થોડું હતું. બિચારીને કેટલું કષ્ટ થયું કે મેં ગુરુદેવને મીઠાવાળું દૂધ પીવડાવ્યું. ગુરુદેવ હમેશાં બીજાઓની ભાવનાનું ધ્યાન રાખતા. ગુરુદેવે કહ્યું, બેટા ! કોઈની ભાવનાઓને ઠોકર મારવી એ પાપ છે. ભવિષ્યમાં ધ્યાન રાખજે અને આવી ભૂલ કોઈ દિવસ કરીશ નહીં. મીઠું અને ખાંડ થોડી વારનો જીભનો સ્વાદ છે. જો આવી ભૂલ તારાથી થઈ જાય, અમને ચા પીવડાવે અને ભૂલથી મીઠું નાંખી દે અને તને પછીથી ખબર પડે તો તને કેટલું દુ:ખ થાય. બેટા ! હમેશાં પોતાના સુખને વહેંચવાં અને બીજાનાં દુ:ખોને લેવાં એ જ અધ્યાત્મ છે. આનાથી આપણે બધાએ શિક્ષણ લેવું જોઈએ કે કોઈની ભાવનાઓને ક્યારેય પણ ઠોકર ન મારવી જોઈએ.
રાત્રે એક વાગે ખીર ખાધી એકવાર હું ગુરુદેવ સાથે બિલાસપુર યજ્ઞમાં ગયો હતો. ત્યાં ઉમાશંકર ચતુર્વેદી અને વિશ્વકર્માજીએ યજ્ઞનો કાર્યક્રમ રાખ્યો હતો. એ વખતે બિલાસપુરમાં બે જ કાર્યકર્તાઓ મુખ્ય હતા. ઉમાશંકર ચતુર્વેદી ખૂબ જ ભાવનાશીલ હતા. એમણે આજુબાજુની શાખાઓમાં ગુરુદેવનાં પ્રવચનોનો કાર્યક્રમ બનાવ્યો હતો. સાંજે પ્રવચન અને ભોજન નૈલા શાખા (બિલાસપુરનું ગામ) માં રાખ્યાં હતાં. ત્યાં જ વિશ્રામનો કાર્યક્રમ હતો. પરંતુ ચતુર્વેદીજીએ એટલા પ્રવચનના કાર્યક્રમ શાખાઓમાં રાખ્યા કે અમારે નૈલા સાંજે છ-સાત વાગે પહોંચવાનું હતું તેને બદલે અમે રાત્રિના અગિયાર વાગે નૈલા પહોંચ્યા. લોકો એ વખતે પણ બેઠા હતા. ગુરુદેવનું પ્રવચન થયું. રાતનો એક વાગી ગયો. ગુરુદેવના રહેવાની વ્યવસ્થા મોતીલાલ કાપડવાળાના ઘેર હતી. રાત્રે મોડું થવાને કારણે ચતુર્વેદીજીએ રસ્તામાં જ એક શાખામાં ભોજન કરાવી દીધું હતું. રાત્રે નૈલામાં ગુરુદેવે ફક્ત સૂવાનું જ હતું અને હું મોતીલાલજીની પત્ની સાથે વાત કરતો હતો. તેઓનાં હજુ હમણાં જ લગ્ન થયાં હતાં. એક બે વાર જ સાસરે આવી હતી. છોકરી જેવી જ હતી. મેં કહ્યું, બેટી ! ઠીક છે ને ? કોઈ દુ:ખ તો નથી ને. છોકરીની આંખમાં આંસુ આવી ગયાં. મારે ઘરમાં કોઈ દુ:ખ નથી પરંતુ અમે આ વખતે ઘણાં દુ:ખી છીએ. મેં કહ્યું, બતાવ શું દુ:ખ છે તને. એણે કહ્યું, આજે અમારે ત્યાં ગુરુદેવનું ભોજન હતું. મેં તો ખીર બનાવી છે. એમાં મેવા નાંખ્યા છે. ખૂબ જ ભાવનાથી ખીર બનાવી હતી કે ગુરુદેવને ખીર ખવડાવીશું. પરંતુ ગુરુદેવ રાતના એક વાગે અમારા ઘેર આવ્યા. આનું મને ભારે દુ:ખ છે. હું એની વાત સાંભળીને ગુરુદેવ પાસે ગયો. મેં કહ્યું, ગુરુદેવ! મોતીલાલજીની પત્નીએ ખીર બનાવી છે. તે કહી રહી છે કે ગુરુદેવની ખીર ફક્ત મેવા નાંખીને જનહીં, ભાવનાથી બનાવી છે. પરંતુ ગુરુદેવે ખીર ખાધી નહીં કારણકે ગુરુદેવ તો રાત્રે એક વાગે અમારે ત્યાં આવ્યા. એનું અમને ભારે દુ:ખ છે. ગુરુદેવે કહ્યું, જા જલદી એ છોકરીને મારી પાસે બોલાવી લાવ. હું એને ગુરુદેવ પાસે લઈ ગયો. ગુરુદેવે છોકરીને કહ્યું, બેટી ! તું મને એક વાત બતાવ કે એક મહિનાથી મારા મનમાં ખીર ખાવાની ઈચ્છા છે. પરંતુ મને ક્યાંય ખીર ન મળી. જા, બેટી ! જલદી જા ન અને મારા માટે ખીર લઈ આવ. છોકરી એકદમ પ્રસન્ન થઈ ગઈ અને દોડીને રસોડામાંથી ખીરનો કટોરો લઈ આવી. ગુરુદેવે ફક્ત બે ચમચી ખીર ખાધી. તેઓ વધારે તો ખીરની પ્રશંસા જ કરતા રહ્યા. એનું દુ:ખ એકદમ પ્રસન્નતામાં ફેરવાઈ ગયું. અમારી સાથે બીજા દસ-પંદર ભાઈઓ હતા. પછી પૂછવું શું ? બધા ખીર ખાવા લાગ્યા અને થોડી થોડી ખીર બધાએ ખાધી. છોકરી ખૂબ પ્રસન્ન થઈ. ગુરુદેવ હમેશાં બીજાઓની ભાવનાનું ધ્યાન રાખતા હતા. આના પરથી આપણે બધાએ શિક્ષણ લેવું જોઈએ કે ક્યારેય કોઈની ભાવનાઓને ઠોકર ન મારવી જોઈએ. આવા હતા ગુરુદેવ ! એમણે આટલું મોટું મિશન ઊભું કર્યું. જો આપણે એમના શિક્ષણને ગ્રહણ કરીએ તો મિશનનું કાર્ય હજારગણું વધી શકે છે.
પ્રતિભાવો