ગુરુદેવે પ્રથમ વર્ગમાં યાત્રા ન સ્વીકારી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૪
August 27, 2011 Leave a comment
ગુરુદેવે પ્રથમ વર્ગમાં યાત્રા ન સ્વીકારી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૪
બીજા દિવસે હું ગુરુદેવ સાથે બિલાસપુર આવ્યો. ત્યાંથી મારે મથુરા આવવાનું હતું. મેં ઉમાશંકર ચતુર્વેદીને પત્ર લખી નાંખ્યો હતો કે અમારું બંનેનું રિઝર્વેશન ત્રીજા વર્ગમાં જ કરાવે. કારણકે ગુરુદેવ ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા હતા. ચતુર્વેદીજીનો પત્ર પણ મારી ઉપર આવી ગયો હતો કે તમારું તથા ગુરુદેવનું રિઝર્વેશન કરાવી દીધું છે. જ્યારે બિલાસપુર સ્ટેશને મેં ટિકિટ માંગી તો મને જે ટિકિટ આપી તે પ્રથમ વર્ગની હતી. મેં એમને કહ્યું, ભાઈ ! તમે પ્રથમ વર્ગમાં રિઝર્વેશન કેમ કરાવ્યું ? ગુરુદેવ નારાજ થશે. ચતુર્વેદીજી ખૂબ ભાવનાશીલ હતા. એમણે હસીને કહ્યું, અમને ત્રીજા વર્ગની ટિકિટ ન મળી એટલે અમે પ્રથમ વર્ગનું રિઝર્વેશન કરાવી દીધું છે. અમે ગુરુદેવને કહી દઈશું. જ્યારે ગાડી આવી ત્યારે ગુરુદેવને પ્રથમ વર્ગમાં બેસવા કહ્યું. ગુરુદેવે ના પાડી અને ત્રીજા વર્ગમાં ભીડમાં ઘૂસી ગયા. સામાન પ્રથમ વર્ગના ડબ્બામાં રાખ્યો હતો.
હું સામાન સાથે પ્રથમ વર્ગમાં બેઠો. ગુરુદેવની સાથે ત્રીજા વર્ગમાં જ બિલાસપુરના બીજા ભાઈ બેઠા. આ પછી હમેશાં જ્યારે પણ મળતા ત્યારે કહેતા કે હવે અમે પ્રથમ વર્ગમાં બેસીએ છીએ. એમની પાસે જ્યારે પણ કોઈ આવતું એને કહેતા, હવે અમે પ્રથમ વર્ગમાં મુસાફરી કરીએ છીએ. અમે મોટા માણસ થઈ ગયા છીએ. લગભગ ચાર પાંચ મહિના સુધી જો કોઈ એમની પાસે જાય અને જો એ સમયે હું એમની પાસે હોઉં તો કહેતા કે અમે પ્રથમ શ્રેણીમાં બેસીએ છીએ. ઘણો સમય થઈ ગયો ત્યારે માતાજીએ કહ્યું, ભૂલ ચતુર્વેદીજીની છે અને તમે આ છોકરા પાછળ પડી ગયા છો. શું આ છોકરાનો જીવ કાઢી નાંખવો છે ? આમાં આ છોકરાનો શું વાંક છે ? ત્યારે એમણે કહેવાનું બંધ કરી દીધું. તેઓ પોતાના માટે ઓછામાં ઓછું ખર્ચ કરતા હતા.
પ્રતિભાવો