વિધવાનું સન્માન વધાર્યું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૮
September 13, 2011 Leave a comment
વિધવાનું સન્માન વધાર્યું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૮
હું એમની સાથે પ્રચારમાં હતો. મધ્ય પ્રદેશમાં યજ્ઞ હતો. એમાં એમની સાથે ગયો હતો. એક દિવસ એક હોલમાં ત્રણ ચાર બહેનો બેઠાં હતાં. ગુરુદેવ સાથે વાત કરી રહ્યાં હતાં. અને હસી પણ રહ્યાં હતાં. કારણકે ગુરુદેવ બધાને હસાવતા હતા. એમની પાસે જે કોઈ બેસતા હતા, હાસ્યના ફુવારા ઊડતા રહેતા હતા. બધાં બહેનો ગુરુદેવની વાતો પર હસી રહ્યાં હતાં. એ બધામાં એક છોકરી ગૂમસૂમ અલગ બેઠી હતી. એને હસવું આવતું ન હતું. ગુરુદેવ હંમેશાં જેતા રહેતા હતા કે આમાં દુ:ખી કોણ છે ? એમની નજર જ્યારે એ છોકરી પર પડી તો છોકરીને પાસે બોલાવી અને પૂછ્યું, બેટી ! તને શું દુ:ખ છે. ગુરુદેવે બીજાં બધાં બહેનો તરફ જોયું. બધાં હસી પણ રહ્યાં હતાં અને બધાં શૃંગાર કરીને બેઠાં હતાં. સારી ભારે સાડી અને ઘરેણાં પહેરીને બેઠાં હતાં અને તે છોકરીએ સફેદ સાડી પહેરી હતી. કોઈ ઘરેણાં પણ પહેર્યાં ન હતાં. સાદા વેશમાં હતી. ગુરુદેવે એ છોકરીને પૂછ્યું-બેટી ! તને શું કષ્ટ છે? તું હસતી કેમ નથી ? છોકરીએ કોઈ જવાબ ન આપ્યો. ગુરુદેવ એ છોકરીને અલગ લઈ ગયા. હું પણ એમની સાથે ગયો. જ્યાં પણ ગુરુદેવ જેની સાથે પણ વાત કરતા એમની વાત હું હમેશાં સાંભળતો. છોકરીને કહ્યું, બેટી ! બતાવ તને શું દુ:ખ છે ? તારાં બધાં દુ:ખ દૂર કરી દઈશ. છોકરી લાંબો શ્વાસ લઈને આંખમાં આંસુ લાવીને બોલી, ગુરુદેવ! મને કોઈ દુ:ખ નથી.
ગુરુદેવે કહ્યું, તું સુસ્ત કેમ બેઠી છે ? શું વાત છે ? એ છોકરીએ બતાવવું પડ્યું. એ છોકરીએ કહ્યું, ગુરુદેવ ! નાનપણમાં જ મારાં લગ્ન થઈ ગયાં હતાં. મારા પતિનો સ્વર્ગવાસ થઈ ગયો. આ મારા દુર્ભાગ્યની વાત છે, એનું મને દુ:ખ નથી. હું થોડું ભણી હતી અને આગળ ભણીને શિક્ષિકા થઈ ગઈ છું. પોતાનું બધું કામ કરું છું. દિવસે ભગાવવા જાઉં છું. પરંતુ મને દુ:ખ એ વાતનું છે કે હું જે ૧૦ અખંડ જ્યોતિ મંગાવું છું. (એ વખતે ૧૫ હજાર જ છપાતાં હતાં.) જે સવારમાં કોઈના ઘેર આપવા જાઉં તો બધા મારાથી નારાજ થાય છે કે તું વિધવા છે. સવારમાં આવીને પોતાનું મુખ બતાવી દીધું, કોણ જાણે આજનો દિવસ કેવો જશે ? બધા ગાળો પણ આપે છે . હું ચૂપચાપ સાંભળી લઉં છું અને પાછી ચાલી આવું છું. સાંજે અખંડ જ્યોતિ વહેંચવા જાઉં છું ત્યારે પણ આવું જ કહે છે. સાંજે આવીને મોં બતાવી દીધું. કાલથી અમારા ઘેર આવીશ નહીં, જ્યાં હું જાઉં છું, બધા મારા પ્રત્યે ધૃણા કરે છે. કોઈ કોઈ વખતે અખંડ જ્યોતિ નથી વહેંચતી તો એના પૈસા મારા પગારમાંથી ભરું છું. મારો ખર્ચ ઓછો કરું છું. મને બસ આ વાતનું દુ:ખ છે. કોઈ કોઈ વાર વિચારું છું કે આત્મહત્યા કરી લઉં. પરંતુ જ્યારે આપના વિચારો વાંચું છું ત્યારે જ્ઞાન થાય છે કે ખરાબ વિચાર આવે તો જેવી રીતે ચોર ઘરમાં ઘૂસે અને એને ઠંડો લઈને ઘરમાંથી ભગાડી દઈએ છીએ એવી રીતે ભગાડી દેવા જોઈએ. હું આપના વિચારો વાંચું છું છતાં પણ મને આ વાતનું ભારે દુ:ખ થાય છે. આવું કહીને એ છોકરી જોરજોરથી રડવા લાગી. ગુરુદેવ પણ એની સાથે રડવા લાગ્યા. મારી આંખમાં પણ આંસુ આવી ગયાં. ગુરુદેવે કહ્યું, ચાલ, બેટી ! મારી સાથે ચાલ. એ છોકરીને સાથે લઈને ગુરુદેવ જ્યાં બીજાં બધાં બહેનો બેઠાં હતાં ત્યાં આવ્યા અને એમની પાસે આવીને કહ્યું, બેટી ! હું મારી વાત નથી કરતો-વેદની વાત કરું છું. તું તો પવિત્ર ગંગા જેવું જીવન જીવે છે. શ્રમ કરે છે, લોકમંગળનું કાર્ય કરે છે. બ્રહ્મચર્યથી રહે છે. તું સાક્ષાત્ ગંગા છે. જે તારાં દર્શન કરશે, સીધો સ્વર્ગ જશે અને આ બધાં બેઠાં છે, શૃંગાર કરે છે. ફૅશન કરે છે.
બાળકો પેદા કરે છે. દેશની સામે અનેક પ્રકારની સમસ્યા પેદા કરે છે. જે પણ આમનાં દર્શન કરશે તે સીધા નરકમાં જશે. મેં એ દિવસે એમને આટલા ક્રોધિત થયેલા જોયા. જેમની અંદર કરુણા, દયા, પ્રેમ નથી તે કેટલુંય ભજન કરે તે વ્યર્થ છે. કોઈનું દુ:ખ લઈ લેવું અને પોતાના સુખને વહેંચવું એ જ ધર્મ છે. જે દુ:ખી છે એમની સહાયતા કરવી જોઈએ. આદર કરવો જોઈએ. જે દુ:ખી છે એને દુ:ખ દેવું તે પાપ છે. જે વ્યક્તિ એવું કહે છે કે વિધવાનાં દર્શન કરવાથી પાપ લાગે છે તે સૌથી મોટો પાપી છે. બેટી! તું તો શુદ્ધ અને પવિત્ર છે. જે પણ બહેનો અહીં બેઠાં હતાં તે બધાંએ શરમથી માથું નીચું કરી દીધું. હું પણ ચૂપચાપ ઊભો ઊભો જેઈ રહ્યો હતો. થોડી વાર પછી જ્યારે એમનો ગુસ્સો ઓછો થયો ત્યારે ગુરુદેવે એમને કહ્યું, બોલો, બેટીઓ ! આપનું શું કહેવું છે. બધાં બિચારાં ચૂપચાપ બેસીરહ્યાં. શાંત થઈને પોતપોતાના ઘેર જવા લાગ્યાં. હું દરવાજા ઉપર ઊભો રહ્યો અને બહેનોને કહ્યું, બહેનો ગુરુદેવની વાતનું ખરાબ ન લગાડશો. ગુસ્સામાં એમણે જે પણ કહ્યું છે તેનો વિચાર કરજો. એમનામાં શિક્ષિત બહેનો વધારે હતી. એમણે કહ્યું, ભાઈ સાહેબ ! ગુરુદેવની વાતનું ખરાબ કેમ લાગે ? એમણે બધું સાચું કહ્યું છે. હવે ગુરુદેવે અમારી આંખો ખોલી નાંખી છે. અમારું જે કાંઈ અજ્ઞાન હતું એને દૂર કર્યું છે. વિધવા તો શુદ્ધ પવિત્ર જીવન જીવે છે. સ્વયં પોતાના માટે કમાય છે. આજથી અમે જ્યારે પણ કોઈ વિધવાનાં દર્શન કરીશું એમાં ગંગા માતાનાં દર્શન કરીશું અને એને કોઈ કષ્ટ હશે તો એની મદદ કરીશું. એના દુ:ખને લઈશું અને વિધવાઓનાં દર્શનને જેઓ પાપ માને છે તેમને સમજાવીશું. ગુરુદેવે અમારી આંખો ખોલી નાંખી છે. એમણે અમારો વિવેક જાગૃત કર્યો છે. આવા ગુરુ મળ્યા છે એટલે અમે અમને સૌભાગ્યશાળી માનીએ છીએ.
જો દેશમાં આવા ગુરુ હોય તો દેશમાં જે અજ્ઞાન ફેલાયેલું છે તે તરત જ દૂર થઈ જાય. છોકરી પણ ઊભી હતી. એનો ચહેરો પણ એકદમ ખીલી ઊઠ્યો. જે પહેલાં દુ:ખી હતી તે હવે એકદમ પ્રસન્નચિત્ત હતી. આ પ્રસંગ પરથી બધાએ શિક્ષણ લેવું જોઈએ અને વિધવાઓ પ્રત્યે જે માન્યતા છે કે એનાં દર્શન કરવાં તે અશુભ છે તેને દૂર કરવી જોઈએ. એનાં દર્શન કરવાં શુભ છે એવું માની પોતાનો દષ્ટિકોણ બદલવો જોઈએ. વિધવાઓને સહાયતા કરવી જોઈએ. તેની જો કોઈ જરૂરિયાત હોય તો તેને પૂરી કરવી જોઈએ. ધર્મ આને જ કહે છે. આના ઉપર અલગથી પુસ્તક પણ લખ્યું છે. એને મંગાવીને વાંચજો અને બીજાઓને પણ વંચાવશો. ગુરુદેવની દરેક વાત શિક્ષણપ્રદ હોય છે. જ્યારે એમની સાથે પાછો મથુરા આવી રહ્યો હતો ત્યારે મેં કહ્યું, ગુરુદેવ ! આપે વિધવાઓ બાબતનું બધી બહેનોનું અજ્ઞાન દૂર કર્યું. ગુરુદેવે કહ્યું, બેટા ! કેટલું મોટું અજ્ઞાન છે. જે શુદ્ધ પવિત્ર જીવન જીવે છે. સ્વયં કમાઈને ખાય છે, એને જે સમય મળે છે અને સમાજની સેવામાં લગાવે છે. એનાં દર્શન કરવાને લોકો અશુભ માને છે અને એ વિધવા બીજાં લગ્ન કરે, ફેશન કરે-બાળકો પેદા કરે ત્યારે જેને અશુભ માનતા હતા તેને શુભ માને છે, જેઓ પાપ કરે છે એના દર્શનને શુભ માને છે. કેટલું મોટું અજ્ઞાન છે ! આનાથી જ પાપ વધી રહ્યું છે. આ અજ્ઞાનને સમાજમાંથી દૂર કરવું જોઈએ. ગુરુદેવે કહ્યું, બેટા ! અમારા વિચારોને ફેલાવવા એ જ અમારી સેવા છે. જે અમારા વિચારોને નથી માનતા,ફક્ત ભજન કરે છે, યજ્ઞ કરે છે તે અમારાથી માઈલો દૂર છે. લોકો અમારા વિચારોને ઓછા માને છે. માળા, આરતીમાં જ સંતોષ માની લે છે. અમારા વિચારોને ઘેર ઘેર પહોંચાડવા જોઈએ. ત્યારથી હું એમના વિચારોને ઘેર ઘેર પહોંચાડવામાં લાગ્યો છું.
પ્રતિભાવો