મોટા મહારાજને મળ્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૦
September 15, 2011 Leave a comment
મોટા મહારાજને મળ્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૦
અમદાવાદ પછી વડોદરામાં શ્રેયસ વિદ્યાલયમાં યજ્ઞ હતો. સવારે ગુરુદેવનું પ્રવચન હતું. તેઓ મંચ પર પહોંચી ગયા. એટલામાં એક વ્યક્તિ મારી પાસે આવી અને એણે કહ્યું, મોટા મહારાજ ગુરુદેવને મળવા માગે છે. ક્યારે આવે? મોટા મહારાજ ગુજરાતના સંત હતા. મેં ગુરુદેવને જઈને કહ્યું કે મોટા મહારાજનો સેવક આવ્યો છે. મોટા મહારાજ આપને મળવા માગે છે. ક્યારે આપને મળવા આવે ? ગુરુદેવે કહ્યું, મોટા મહારાજનું એડ્રેસ નોધી લો અને એમના માણસને કહો કે મોટા મહારાજ અમારી પાસે ન આવે. અમે મોટા મહારાજ પાસે આવીશું. ભોજન પણ મોટા મહારાજ સાથે કરીશું. મહારાજ વડોદરાના કોઈ શેઠને ત્યાં રોકાયા હતા. મેં એમના માણસને કહી દીધું કે ગુરુદેવ ત્યાં મોટા મહારાજ પાસે આવશે અને એમની સાથે જ ભોજન કરશે. મોટા મહારાજનું ભોજન સવારે નવ વાગે થતું. તેઓ દરરોજ સમય પર જ ભોજન કરતા. નિયમ તોડતા ન હતા. મોટા મહારાજને જ્યારે એ માણસે કહ્યું ત્યારે ત્યાં ભોજનની વ્યવસ્થા કરી દીધી. એ દિવસે યજ્ઞમાં વાર લાગી એટલે ગુરુદેવ ૧૨ વાગે એમની પાસે પહોંચ્યા. મોટા મહારાજે એ દિવસે પોતાનો ભોજનનો નિયમ તોડી નાંખ્યો. ૧૨ વાગ્યા સુધી ભોજન ન કર્યું. ગુરુદેવ જ્યારે મોટા મહારાજ પાસે પહોંચ્યા ત્યારે મોટા મહારાજ અને ગુરુદેવ એકબીજાને ભેટી પડ્યા. એવું લાગતું હતું કે જાણે રામ-ભરતનું મિલન થયું હોય. અમારી સાથે બીજા પણ ૧૦-૧૨ ભાઈઓ હતા. એ દિવસે ગુરુદેવે અને મોટા મહારાજે સાથે ભોજન કર્યું. બીજા પણ ભાઈઓ હતા, અમે પણ એમની સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી મોટા મહારાજ અને ગુરુદેવ એક રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. બંને સંતો એક સાથે બેસી ગયા.
હું અને મારી સાથેના બીજા ભાઈઓ બહાર રૂમમાં બેઠા હતા. બધા ભાઈઓએ મને પૂછ્યું, પંડિતજી ! મોટા મહારાજ અને ગુરુદેવ આજે કયા વિષય પર વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, હું તો તમારી બધાની સાથે બેઠો છું. મને શું ખબર કયા વિષય પર વાત કરતા હશે ? અમે બધા ભાઈઓ ત્યાં બેસી રહ્યા અને અંદરોઅંદર વાત કરતા રહ્યા. એક ક્લાક પછી ગુરુદેવ અને મોટા મહારાજ રૂમમાંથી બહાર આવ્યા. મોટા મહારાજ ગુરુદેવને જ્યાં કાર ઊભી હતી ત્યાં સડક સુધી મૂકવા આવ્યા. ગુરુદેવ જ્યારે કારમાં બેસી ગયા ત્યારે મોટા મહારાજ પાછા ગયા. હું ગુરુદેવની સાથે કારમાં જ હતો. મેં ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ! બધા ભાઈઓ મને પૂછી રહ્યા હતા કે મોટા મહારાજ અને ગુરુદેવ કયા વિષય પર વાત કરી રહ્યા છે. ગુરુદેવે મને કહ્યું, બેટા ! અમારી અને મોટા મહારાજની કયા વિષય પર વાત થઈ અને તમારા લોકોને કોઈ સંબંધ નથી. છતાં અમે જણાવીએ છીએ કે મોટા મહારાજ સંત છે. મેં કહ્યું, ગુરુદેવ! સંતની ઓળખાણ શું હોય ? એવી શું વાત છે જેથી તેઓ સંત પ્રતીત થયા. ગુરુદેવે કહ્યું, મોટા મહારાજને કોઈ માંદગી હતી. મોટા મહારાજને ગુરુદેવે કહ્યું, બીજી વાતો પછી કરીશું પહેલાં આપને શારીરિક દુ:ખ છે એને બરાબર ઠીક કરી દઈએ. મોટા મહારાજે કહ્યું, નહીં, આચાર્યજી! એ તો મારી અપાત્રતા છે, જે મારી વ્યથા છે એને પ્રસન્નતાથી સહન કરી લઉં છું. મારા શારીરિક કષ્ટ માટે આપનું તપ ખર્ચશો નહીં. મોટા મહારાજ વિષે ગુરુદેવે કહ્યું, એટલું દુ:ખ હોવા છતાં તેઓ હસતા રહેતા હતા. દેશમાં કેટલાય લોકોને દુ:ખ હોય છે. પ્રત્યેક વ્યક્તિ હેરાન પરેશાન છે. પરિવારોમાં ક્લેશ છે. સમાજ બુરાઈઓથી ત્રસ્ત છે. મોટા મહારાજે કહ્યું, આપ આપનું તપ ત્યાં ખર્ચ કરો. મારી અમાનતને મારી પાસે રહેવા દો.
ગુરુદેવે કહ્યું, સમાજ પ્રતિ, વ્યક્તિઓ પ્રતિ, સમાજની કુરીતિઓ પ્રતિ મોટા મહારાજના હૃદયમાં કેટલી વ્યથા હતી. એનાથી પ્રતીત થતું હતું કે તેઓ સંત છે અને સંત એક વૃત્તિ હોય છે, બેટા ! તે વૃત્તિ એમનામાં છે એટલે મોટા મહારાજ સંત છે. હું જ્યારે કારમાંથી ઊતર્યો ત્યારે મેં જેઓ મારી સાથે હતા તે બધાને ગુરુદેવની આ વાત જણાવી. મેં મોટા મહારાજનાં ત્યારે જ દર્શન કર્યાં હતાં. આમ તો જ્યારે હું ગુજરાત જતો હતો ત્યારે ત્યાંના ભાઈ મોટા મહારાજની ચર્ચા કરતા હતા. આ પછી જ્યારે ગુરુદેવ મથુરાથી હરિદ્વાર જતા રહ્યા અને ત્યાં હું મોટા મહારાજનાં દર્શન કરવા ગયો. મોટા મહારાજે કહ્યું, બેટા ! આચાર્યજી સંત છે અને સુધારક પણ. એમના કામમાં કમી ન આવવા દઈશ. જો તારે પૈસાની જરૂરત પડે તો તને જેટલું ધન જોઈએ તે હું અપાવી દઈશ. મેં કહ્યું, મહારાજ ! મારે તો આપના આશીર્વાદ જોઈએ. જ્યારે મને પૈસાની જરૂર પડશે ત્યારે હું આપની પાસે આવીને કહીશ. અત્યારે તો કામ ચાલી રહ્યું છે. મોટા મહારાજનાં મેં ચરણસ્પર્શ કર્યાં અને કહ્યું, મહારાજ! સંતોના આશીર્વાદ જ પૂરતા છે. જ્યારે પણ મને ધનની જરૂરત હશે ત્યારે આપને આવીને પ્રાર્થના કરીશ. મોટા મહારાજ ગુજરાતના મૂર્ધન્ય સંતોમાંના એક હતા.
ડૉક્ટર રાધાકૃષ્ણન્ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે એમને ગુરુદેવે વેદોનો અનુવાદ ભેટ આપ્યો. રાષ્ટ્રપતિએ કહ્યું, જો મને આ સાહિત્ય પહેલાં મળ્યું હોત તો મારા જીવનની દિશાધારા કોઈ બીજી જ હોત. હું રાજનીતિમાં ન ગયો હોત ગુરુદેવે વેદોનું ભાષ્ય જે કર્યું હતું એની ડૉક્ટર રાધાકૃષ્ણને ખૂબ પ્રશંસા કરી હતી.
પ્રતિભાવો