ક્યારેય ભિખારી ન બનશો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૨
September 15, 2011 1 Comment
ક્યારેય ભિખારી ન બનશો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૨
હું જ્યારે ગુરુદેવની સાથે ક્ષેત્રમાં જતો હતો, મારું ધ્યાન ગુરુદેવનાં ચરણોમાં જે પૈસા મુકાતા હતા તેની ઉપર જ રહેતું હતું. જેવા ગુરુદેવ ઊભા થતા, હું સૌ પ્રથમ તેમનાં ચરણોમાં મૂકવામાં આવેલી રકમને ભેગી કરતો. ગુરુદેવ મારી સામે તાકી રહેતા. ગુરુદેવ જ્યાં પણ બેસે ત્યાં હું એક થાળી અથવા કથરોટ ગુરુદેવની સામે મૂકી દેતો અને જે કોઈ પણ ભાઈ ગુરુદેવનાં ચરણોમાં વધારે રકમ મૂકતો તેને જ હું ગુરુદેવનો સાચો ભક્ત માનતો અને તેની પાછળ પાછળ ફર્યા કરતો. જે કોઈ પૈસાદાર આવે તેનું સન્માન કરતો રહેતો. કોઈ કાર્યકર્તા આવે તેની તરફ ધ્યાન ન આપતો ભલેને તે મિશનનું ગમે તેટલું કાર્ય કેમ ન કરતો હોય. જો કોઈ પૈસાદાર ગાયત્રી તપોભૂમિ આવતો તો તેનું રહેવાનું, ખાવા-પીવાનું સૌથી ઉત્તમ કરાવતો અને તેનો ઘણો જ આદર કરતો. પૈસાદાર પણ જે કોઈ આવતો અમારી ઉપર નોકરની જેમ હુકમ ચલાવતો. મિશનનો કોઈ કાર્યકર્તા જે મિશનનું કાર્ય રાતદિવસ કરતો હતો અને પૂરો સમય મિશનનાં કાર્યમાં મંડ્યો રહેતો હતો તેની તરફ હું ધ્યાન ન આપતો, અને તેને ત્યાં ઉતારો આપતો જ્યાં અન્ય લોકો સામૂહિક રૂપે રહેતા હતા. જો તે મને કહેતો કે તેની સાથે બાળકો છે કોઈ અન્ય સારો ઓરડો મને આપો તો હું તેની ઉપર ગુસ્સે થઈ ઊઠતો. એવા કાર્યકર્તાઓની કદર મને ન હતી. પૈસા અને પૈસાદારને જ હું અધિક મહત્ત્વ આપતો હતો. એક દિવસ ગુરુદેવે મને સમજાવ્યું કે બેટા ! તું પૈસાને જ મહત્ત્વ આપવાનું સમજ્યો છે. જે કોઈ પણ પૈસાદાર આવે છે તેની જ પાછળ પાછળ ફર્યા કરે છે. પૈસો એ જ બધું નથી.
શ્રદ્ધા ઉત્પન્ન કરાવ, પૈસો આપમેળે આવી જશે. કાર્યકર્તા રાતદિવસ મિશનનું કાર્ય કરે છે. એ મારો પ્રાણ છે, તું એમની તરફ તો ધ્યાન આપતો જ નથી. મારો કાર્યકર્તા જ મારા વિચારોને ઘરે ઘરે પહોંચાડશે. કાર્યકર્તા એ મારું અને માતાજીનું હૃદય છે. હૃદય જ્યારે ફેલ થઈ જાય છે ત્યારે મનુષ્યને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવે છે. તને હૃદયનું બિલકુલ ધ્યાન નથી, તું કાર્યકર્તાઓ પ્રત્યે ધ્યાન આપ્યા કર. જ્યારે ગુરુદેવે આ વાત સમજાવી ત્યારે મારી આંખો ખૂલી અને તે દિવસ પછી આજ સુધી મેં પૈસાની ચિંતા કરી નથી અને કોઈની પાસે માગ્યા પણ નથી. જ્યારે પણ મિશનના કામ માટે પૈસાની અછત ઊભી થઈ ત્યારે મેં ઉધાર માગ્યા અને તે પણ મિશનના કાર્યકર્તાઓ પાસેથી વગર વ્યાજે, પરંતુ પૈસાદારોની પાછળ પાછળ નથી ફર્યો. ગુરુદેવ કહેતા કે દીકરા આપણે પૈસા ભેગા કરવાના નથી, આપણે તો આપણા વિચારોનો ફેલાવો કરવાનો છે. જે દિવસ રાત પૈસા ઉપર જ ધ્યાન આપે છે તેને મિશનની જાણકારી છે જ નહીં. આપણો ઉદ્દેશ તો ધર્મમાં આવેલી વિકૃતિને દૂર કરવાનો છે. લોકોના વિચારોને યોગ્ય દિશા બતાવવી એ જ આપણી અને મિશનની સેવા છે. જે પરિવારમાં, સમાજમાં, મિશનમાં, સંસ્થામાં પૈસા વધે છે, તેમાં વિલાસિતા વધે છે, કાર્યકર્તાઓના ખર્ચા વધે છે. તેના લીધે મિશનના કાર્યકર્તા મિશનનાં ઉદ્દેશ્યને ભૂલી જાય છે. આના કારણે કાર્યકર્તાઓ અંદરોઅંદર લડવા ઝઘડવામાં જ બધો સમય વેડફી નાંખે છે. જ્યારે ગુરુદેવે આ વાત મને સમજાવી ત્યાર પછી જ્યાં પણ હું ગુરુદેવની સાથે શક્તિપીઠ અને પ્રજ્ઞાપીઠનાં ઉદ્ઘાટનમાં જતો અને જે કાંઈ ભેટ તેમને આપવામાં આવતી, તે બધી જ જે તે શકિતપીઠ અને પ્રજ્ઞાપીઠને માટે મૂકીને આવતો. મારું જે અજ્ઞાન હતું, તેને ગુરુદેવે દૂર કર્યું. ત્યારથી આજ સુધી મેં પૈસાને સર્વસ્વ સમજવાનું છોડી દીધું. ગુરુદેવના વિચારોને જ સમજવાનું ઉચિત સમજ્યું. તેઓશ્રીના વિચારોનો વિસ્તાર કરવાનો જ પ્રયત્ન કરતો રહું છું. કદાચ છપાવવા માટે પૈસાની જરૂરિયાત પડી તો બેંક પાસેથી લોન લોવાનું યોગ્ય માન્યું, પરંતુ માગવાનું ઉચિત ન સમજ્યો.
ગુરુદેવ કહેતા કે દીકરા ! તું ક્યારેય માગતો નહીં, મારો દીકરો ક્યારેય માંગણ ન હોઈ શકે. આ પ્રસંગ ઉપરથી પ્રત્યેક ભાઈબહેને એ જાણી લેવું જોઈએ કે ગુરુદેવના શિષ્ય હોય તેણે માંગણ બની ફરવું ન જોઈએ, માગવાવાળો તો ભિખારી હોય છે. ભલે ને તે પછી મોટા માણસ પાસે માગે અથવા તો નાના માણસ પાસે. માગતા રહેવું એ ઘણું જ ખરાબ છે. જે મિશનનાં લોકો હમેશાં દાન માગતા ફરે છે, સમાજમાં તેમની ઈજ્જત નથી હોતી. દરેક ભાઈ બહેન આ પરથી પાઠ લેશે કે તે ક્યારેય માગવા નહીં જાય. જ્યારે પણ કોઈ પાસે જશે, દાતા બનીને જશે. આપવા માટે આપણી પાસે ગુરુદેવના વિચારો સિવાય બીજું કશું જ નથી. ગુરુદેવના દીકરાઓએ માગનાર થઈને નહીં, આપનાર બનીને જવું જોઈએ. ગુરુદેવ જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાંનાં રહેવાસીઓને પણ તેમણે આ જ કહ્યું હતું કે હું તમારી પાસેથી કશું લેવા નથી આવ્યો, પરંતુ આપવા આવ્યો છું. દરેક ભાઈ બહેન આ પરથી જાણી લે કે ગુરુદેવના વિચારોને ઘરે ઘરે પહોચાડે. ધન વધ્યું, ભણતર વધ્યું, ખાવા-પીવા-રહેવાનાં સાધનો વધ્યાં, ભૌતિક સાધનોની ઊણપ નથી રહી; પરંતુ લોકોની વિચાર કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. આના લીધે બધા દુ:ખી છે. ગુરુદેવના વિચારોની સેવા એ જ સૌથી મોટી સેવા છે.
આદરણીય શ્રી કાન્તીભાઈ,
જાય ગુરુદેવ . …ગુરુદેવના સ્મરણો સરસ આલેખ્યા છે.
LikeLike