પાંચ કલાકમાં અખંડજ્યોતિ લખી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૪
September 17, 2011 Leave a comment
પાંચ કલાકમાં અખંડજ્યોતિ લખી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૪
એક વાર ગુરુદેવની સાથે હું ક્ષેત્રના પ્રવાસે ગયો તો તપોભૂમિના ભાઈઓએ મને કહ્યું કે અખંડ જ્યોતિ પત્રિકાનું મેટર જરા જલદી મોકલાવી આપશો. તે સમયે ગુરુદેવ જ અખંડ જ્યોતિ લખતા હતા. પ્રવાસ દરમિયાન એટલા વ્યસ્ત થઈ ગયા કે ક્યાંય પણ સમય ન મળ્યો, કે જ્યાં ગુરુદેવને કહીને અખંડ જ્યોતિની મેટર લખાવી શકું. જ્યારે અખંડ જ્યોતિની મેટર મોકલવાનો સમય થઈ ગયો ત્યારે મેં ગુરુદેવને કહ્યું કે અખંડ જ્યોતિની મેટર લખવાનો સમય મળ્યો નથી. ગુરુદેવે મને કહ્યું કે, બેટા ! તેં મને જણાવ્યું કેમ નહીં ? રાત્રે કાગળપેન મારી પાસે મૂકી દેજે. કાગળપેન રાત્રે ગુરુદેવની પાસે મૂકી દેવામાં આવ્યાં. રાત્રે ૧૧ વાગે ગુરુદેવ વિશ્રામ માટે ગયા. હું પણ જલદીથી વિશ્રામ માટે ચાલ્યો ગયો. સવારે ચાર વાગે હું ઊઠ્યો. ગુરુદેવને ગરમ પાણી કરીને આપ્યું. ગુરુદેવ સ્નાન કરવા ગયા, મેં ઓરડામાં નજર કરતાં જોયું કે એક મહિનાની સંપૂર્ણ અખંડ જ્યોતિનું મેટર લખીને તૈયાર હતું. મેં પેજ નંબર નાંખ્યા અને મથુરા મોકલી આપ્યું. મને ઘણું જ આશ્ચર્ય થયું કે ૧૧ વાગે સૂતા અને ૪ વાગે સ્નાન કરવા ગયા તો પછી રાતના કેવી રીતે અખંડ જ્યોતિ પત્રિકાનું બધું જ મેટર લખી નાંખ્યું. ત્યારે વિચાર આવ્યો કે ગુરુદેવ સાક્ષાત્ પ્રજ્ઞાવતાર છે. તેઓની અંદર એવી શક્તિ છે જે પણ ઈચ્છે તે કરી શકે છે.
ગુરુદેવે કપડાં ધોઈ આપ્યાં
ગુરુદેવની સાથે હું ચાર વર્ષ રહ્યો. મને પોતાને હું ધન્ય માનું છું. જ્યારે પણ હું ગુરુદેવની સાથે પ્રવાસમાં જતો હતો, ત્યારે લગભગ બધું જ કાર્ય હું કરતો. તે સમયે આટલો બધો મિશનનો ફેલાવો થયો ન હતો. મારી આદત હતી કે સ્નાન કર્યા બાદ ગુરુદેવનાં કપડાંને પાણી ભરેલી ડોલમાં સર્ફ નાખીને પલાળી રાખતો. ભોજન અને વિશ્રામ કર્યા પછી ધોઈને સૂકવી દેતો. એક વાર ગુરુદેવે કપડાં ધોઈને સૂકવી દીધાં. મેં જ્યારે જોયું કે કપડાં સુકાઈ રહ્યાં છે. મારા મનમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ કે ગુરુદેવે જાતે કપડાં ધોઈને સૂકવી નાંખ્યાં, પરંતુ મેં ગુરુદેવને કશું જ કહ્યું નહીં, હું સમજી ગયો કે ગુરુદેવે પ્રત્યેક કાર્ય જે તે સમયે કરવાનો બોધપાઠ મને આપ્યો છે. સ્વભાવને પ્રમાદી કરવો જોઈએ નહીં. તે દિવસથી મેં બોધપાઠ લીધો અને ત્યારથી સ્નાન કરીને તુર્તજ કપડાં ધોઈને સૂકવીને બીજું કાર્ય કરતો હતો. જે કાંઈ પણ જ્ઞાન તેઓએ આપ્યું તે કરીને બતાવ્યું. ગુરુદેવ કહેતા કે કરવું અને કહેવું એક હોવું જોઈએ. જે કાંઈ કહીએ છીએ તે કરવું જોઈએ. આ પરથી દરેક ભાઈ બહેન એ શીખે કે પોતાનું પ્રત્યેક કાર્ય જે તે સમયે કરવું જોઈએ. આજનું કામ કાલે અને કાલનું કામ પરમદિવસ ઉપર છોડવું ન જોઈએ. ગુરુદેવ કહેતા કે જે પણ કામ કરો, મન લગાવીને કરો. મન લગાવીને કામ કરવાથી એક મનુષ્ય ચાર મનુષ્યનું કાર્ય કરી શકે છે. અધકચરા મનથી કોઈ કામ કરવું જોઈએ નહીં. મોટામાં મોટું કાર્ય પણ સરળતાથી પાર પડી શકે છે. જેટલા પણ મહાપુરુષો થયા છે તે સૌએ મન લગાવીને કાર્યો કર્યાં છે, ત્યારે સફળતા મળી છે. ગુરુદેવે કહ્યું – અમે દરેક કાર્ય મન લગાવીને કરીએ છીએ અને પાંચ માણસોના કાર્ય જેટલું કામ કરી લઈએ છીએ. પ્રત્યેક ભાઈબહેને શિક્ષણ લેવું જોઈએ કે જે પણ કામ તેમને સોંપવામાં આવ્યું છે તેને એકચિત્ત થઈ પૂરું કરે.
પ્રતિભાવો