કરકસરનો પાઠ શીખવ્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૫
September 18, 2011 Leave a comment
કરકસરનો પાઠ શીખવ્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૫
ગુરુદેવની સાથે હું કચ્છના પ્રવાસે ગયો હતો. એક ભાઈને ત્યાં રોકાયા હતા. હું સ્નાનધરમાં સ્નાન માટે ગયો. ત્યાં બે ડોલ પાણી ભરીને રાખ્યું હતું. મેં બંને ડોલના પાણીથી સ્નાન કરી લીધું અને એક ડોલ જે સ્નાનઘરની બહાર મૂકી હતી તેને કપડાં ધોવાના ઉપયોગમાં લઈ લીધી. જ્યારે યજમાન સ્નાનઘરમાં ગયા તો જોઈને દંગ થઈ ગયા કે ત્રણ ડોલ ભરેલ પાણી ક્યાં ગયું. ઘરમાં હોહા થઈ ગઈ. દરેક જણ પૂછવા લાગ્યા કે પાણીની ત્રણ ડોલો ક્યાં ગઈ ? હું ગભરાઈ ગયો કારણકે મેં જ ત્રણ ડોલ પાણી વાપર્યું હતું. હું ધીરેથી ગુરુદેવની પાસે ગયો અને તેઓને કહ્યું કે ત્રણ ડોલ પાણી જે સ્નાનઘરમાં હતું તેમાંથી બે મેં સ્નાન કરવા વાપર્યું અને એકમાંથી કપડાં ધોઈનાંખ્યાં. આ વાતને લીધે અહીં ઘણી જ બૂમાબૂમ થઈ રહી છે. ત્રણ ડોલ પાણી ક્યાં ગયું. ગુરુદેવે કહ્યું કે બેટા ! આ કચ્છ છે. અહીં પાણીની ભારે ખેંચ છે. આપણે માટે ત્રણ ડોલ પાણીની વ્યવસ્થા આ લોકોએ ઘણી જ મુશ્કેલી વેઠીને કરી છે. આમાંથી જ આપણે હાથમાં ધોવાં, સ્નાન કરવું, કપડાં ધોવાનું કાર્ય કરવાનું હતું. તેં તો ત્રણે ડોલ પાણી વાપરી નાખ્યું. બેટા! આવી ભૂલ ક્યારેય ન કરતો.
આપણા ભાગમાં જેટલું પાણી આવે તેટલો જ વપરાશ કરવો જોઈએ. આ તો કચ્છ છે, પરંતુ જ્યાં વધારે પાણી હોય ત્યાં પણ ઓછા પાણીથી કામ ચલાવવું જોઈએ. આપણે બીજાનાં હકનાં પાણીનો ખર્ચ કરીએ છીએ એટલે તો પાણીની આટલી સમસ્યા છે. એક એક માણસ દસ-દસ ડોલ પાણી પોતાના માટે ખર્ચે છે, નળ ખુલ્લો મૂકી દે છે, પાણી નકામું વહી જાય છે. આવું ન કરવું જોઈએ. આની ઉપર પૂરતું ધ્યાન રહેવું જોઈએ કે જેટલું પાણી આપણા ભાગમાં આવતું હોય, એટલું જ વાપરવું જોઈએ. તેઓએ મને ગાંધીજીનો કિસ્સો સંભળાવ્યો. ગાંધીજી એક વાર જવાહરલાલ નહેરુ પાસે રોકાયા હતા. ગાંધીજી કોગળા કરી રહ્યા હતા. નેહરુજી લોટો લઈને પાણી વડે કોગળા કરાવી રહ્યા હતા. ગાંધીજી હાથ ધોતા ધોતા નહેરુજી સાથે વાત પણ કરતા જતા હતા. વાતોવાતોમાં ધ્યાન રહ્યું નહીં અને એક લોટો પાણી હાથ ધોવામાં જ પૂરું થઈ ગયું. ત્યારે નહેરુજી બીજો લોટો ભરવા માટે ઊઠ્યા તો ગાંધીજીએ કહ્યું કે, બસ, હું મારા હાથ ધોવા અને કોગળા કરવા માટે એક જ લોટો પાણી વાપરું છું. નહેરુ બોલ્યા, આ તો ગંગાનું પાણી છે. આખો સમય નળમાં આવ્યા કરે છે. હમણાં જ એક લોટો ભરીને લાવું છું. ગાંધીજીએ કહ્યું કે મારા ભાગે એક લોટો આવે છે અને તેનો ઉપયોગ મેં કરી લીધો છે. પાણીનો જેટલો કોટા હોય તેટલો જ ઉપયોગ પોતાને માટે કરવો જોઈએ. ગુરુદેવે કહ્યું- જ્યાં વધારે પાણી આવે છે ત્યાં પણ સ્નાન માટે એક ડોલ પાણી જ વાપરવું જોઈએ. બીજાના ભાગનું પાણી વાપરવું જોઈએ નહીં. ત્યારથી મેં બોધપાઠ લીધો કે પાણીનો ઉપયોગ જેમ તેમ કરવો જોઈએ નહીં. નળને ખુલ્લો નહીં રાખીએ જેનાથી પાણીનો વ્યય થાય. ગુરુદેવ પ્રત્યેક ક્રિયાની સાથે જ્ઞાન આપતા હતા.
જ્યારે ગાયત્રી તપોભૂમિમાં શિબિર ચાલતી હતી, ત્યારે માતાજી ચૂલા ઉપર લાકડાં વડે રોટલી બનાવતાં હતાં. એક દિવસ લાકડાં ભેજવાળાં હોવાથી માતાજીને ચૂલો સળગાવવામાં ઘણી જ મુશ્કેલી થઈ. તે સમયે કેશવદેવ ઉપાધ્યાય અખંડ જ્યોતિમાં કામ કરતા હતા. તેઓ માતાજી જ્યાં ભોજન બનાવતાં હતાં ત્યાં ગયા અને કહ્યું કે, માતાજી આવતી કાલથી એવી વ્યવસ્થા કરી આપીશ કે ચૂલો જલદીથી સળગી શકે. આપને મુશ્કેલી નહીં પડે. કેશવદેવ તપોભૂમિ આવ્યા, ત્યાં લાકડાંનું કશુંક કામ ચાલી રહ્યું હતું. લાકડાંના વહેરનો ઢગલો ત્યાં પડ્યો હતો. કેશવદેવે બે કોથળા વહેરના ભરી લીધા અને મને કહ્યું કે, માતાજીને ચૂલો સળગાવવામાં ઘણી જ મુશ્કેલી પડે છે. લાકડાનાં વહેરથી ચૂલો જલદીથી સળગી શકશે. તેથી આ હું અખંડજ્યોતિ લઈ જાઉ છું. મેં કહ્યું કે, અહીં તો નકામો પડ્યો રહ્યો છે બધો જ લઈ જાવ. માતાજીને ચૂલો સળગાવવામાં મુશ્કેલી પડવી જોઈએ નહીં. કેશવદેવ બે બોરી વહેર માતાજીના રસોઈઘર સામે મૂકી આવ્યા. ગુરુદેવે વહેર જોયો અને પૂછ્યું કે આ ક્યાંથી આવ્યો ? માતાજીએ કહ્યું કે કેશવદેવ મૂકી ગયો છે. ગુરુજીએ કેશવદેવને પૂછ્યું કે વહેર ક્યાંથી આવ્યો ? તેમણે કહ્યું- તપોભૂમિમાં લાકડાંનું કામ ચાલી રહ્યું છે ત્યાં ઘણો જ વહેર નકામો પડ્યો હતો તેમાંથી ભરી લાવ્યો છું. ગુરુદેવ કેશવદેવ ઉપર ઘણા જ ગુસ્સે થયા કે તપોભૂમિથી વહેર લાવ્યો જ શા માટે ?
હવે આ વહેરની ગાયત્રી તપોભૂમિના નામે રસીદ ફડાવ. ગુરુદેવે તેને પૈસા આપ્યા અને દાનની રસીદ ફડાવી. ગુરુદેવ દાનમાં આવેલ પૈસાનો પણ ખર્ચ કરતા નહતા. બીજાએ આપેલ દાનના પૈસા ક્યારેય પોતાના અંગત કામમાં ખચવા ન જોઈએ એવું ગુરુદેવ હમેશાં કહેતા અને તેને આચરણમાં પણ મૂકતા. ગુરુદેવ કહેતા કે લોકો પોતાનાં બાળકોને દૂધ પણ પિવડાવતા નથી અને આપણને દાન મોકલાવે છે. આપણે તેમના મોકલાવેલા પૈસાનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. સમાજનો પૈસો સમાજનાં હિતનાં કાર્યો માટે જ ઉપયોગમાં આવવો જોઈએ. આપણે તેને ગમે તેવાં કાર્યો માટે વેડફ્યો જોઈએ નહીં. આ ઉપરથી દરેક ભાઈબહેનોએ બોધ લેવો જોઈએ કે દાનમાં આવેલ પૈસાનો દુરુપયોગ ન કરે, જે દાનની રકમનો ઉપયોગ જેમતેમ પોતાનાં હિતનાં કાર્યો માટે કરે છે તે અધ્યાત્મથી દૂર છે. એ અધ્યાત્મવાદી હોઈ જ ન શકે.
પ્રતિભાવો