ગુજરાતમાં પોરબંદર ખાતે હજાર કુંડીય યજ્ઞ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૭
September 18, 2011 Leave a comment
ગુજરાતમાં પોરબંદર ખાતે હજાર કુંડીય યજ્ઞ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૭
ગુરુદેવ જ્યારે મથુરામાં રહેતા હતા ત્યારે એમણે દેશમાં ચાર સ્થાનોએ એક હજાર કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું. ઉત્તરપ્રદેશમાં બહરાઈચ, મધ્યપ્રદેશમાં મહાસમંદ, રાજસ્થાનમાં ભીલવાડા અને ગુજરાતમાં પોરબંદર ખાતે આ કાર્યક્રમ નિશ્ચિત કર્યા, એની વ્યવસ્થા મારી પાસે જ રહેતી હતી. ગુરુદેવે મને આ યજ્ઞોની વ્યવસ્થા બાબતમાં સમજાવ્યું હતું કે દાન એટલું જ લેવામાં આવે કે જેનાથી સાદગીપૂર્વક કાર્યક્રમ સંપન્ન થઈ જાય. જે ધન વધે તેને સાહિત્ય વિસ્તારમાં વાપરવામાં આવે. આ યજ્ઞોનો મુખ્ય ઉદ્દેશ દેવદક્ષિણામાં ખરાબ દુર્ગુણો છોડવાનો અને સારા ગુણો ધારણ કરવાનો સંકલ્પ કરાવવાનો હતો. સત્પ્રવૃત્તિ સંવર્ધન તથા દુષ્પ્રવૃત્તિ નિવારણનું આંદોલન યજ્ઞના માધ્યમથી ચલાવવામાં આવ્યું હતું.
હું પોરબંદરની વ્યવસ્થા જોવા ગયો હતો. ત્યાં જઈને મેં યજ્ઞનો સંભવિત ખર્ચ તૈયાર કર્યો. જેટલો જરૂરી હતો તેટલો જ ખર્ચ કરવામાં આવતો હતો. એક મંડપમાં ભોજનની વ્યવસ્થા હતી. ભોજનમાં દાળ, ચોખા, ખીચડી, વગેરેનો જ ખર્ચ હતો, કોઈ વધારાનો ખર્ચ અલગ નહોતો. ગુરુદેવ હમેશાં પૈસાની બાબતમાં શિખામણ આપતા હતા કે ઓછામાં ઓછો ખર્ચ કરો અને વધુમાં વધુ લાભ થાય તેમ કરો. મોટામોટા ધનવાનો જેઓ જાતે જ યજ્ઞનો સંપૂર્ણ ખર્ચ આપવા તૈયાર હતા તેઓને અમે સંકલ્પ લેવડાવ્યા. ધનના પ્રશ્નનું નિરાકરણ આવી ગયું. જ્યારે આ વાત ગુરુદેવને જણાવી તો તેઓ બોલ્યા, બેટા ! કોનું ધન કેવા પ્રકારની કમાણી છે તેની આપણને જાણકારી નથી. એ ધનવાનોને મનાવી લઈને તું નાનામાં નાની અને મોટામાં મોટી વ્યક્તિ સુધી યજ્ઞનું આમંત્રણ આપવા અને દાન લેવા માટે જા. ટોળીઓ બનાવીને દરેક નાના-મોટા વિસ્તારોમાં પીળા ચોખા લઈને આમંત્રણ આપવા જાવ. આ પ્રક્રિયાથી જન-જનમાં સહયોગની, પોતાપણાની ભાવના વિકસિત થશે અને યજ્ઞને પોતાનો કાર્યક્રમ સમજશે. આ રીતે મોટા લોકો પાસેથી જ પૂરો સહયોગ લેવાને બદલે બધા જ વર્ગના લોકો પાસેથી યથાશક્તિ ભાવનાપૂર્વક યોગદાન લેવામાં આવ્યું, જેનાથી યજ્ઞમાં મોટી સંખ્યામાં જનસમુદાય હાજર રહી દુર્ગુણો છોડવા માટે યજ્ઞ ભગવાન સામે સંકલ્પિત થયો. ચારેય કાર્યક્રમોમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યજ્ઞીય જીવન પ્રત્યે લોકોમાં આસ્થા વધી.
મહાસમંદ તે સમયે રાયપુર જિલ્લામાં હતું. ત્યાં હું ગુરુદેવની સાથે જ ગયો હતો કારણકે યજ્ઞોની વ્યવસ્થા મારે જ સંભાળવી પડતી હતી. એ યજ્ઞના મુખ્ય સંયોજક ભાઈ જ્વાલાપ્રસાદજી હતા. યજ્ઞની વ્યવસ્થા માટે મારે કેટલીય વખત મહાસમંદ જવું પડ્યું હતું. જ્વાલાપ્રસાદજીના ઘેર જ હું રોકાતો હતો. મહાસમંદનો કાર્યક્રમ પણ ખૂબ સરસ રહ્યો. વિદાય વખતે ત્યાંના લોકોએ ગુરુદેવને અગિયાર હજાર રૂપિયા ભેટમાં આપ્યા હતા, પરંતુ ગુરુદેવને કેટલી રકમ છે તે ખબર નહોતી. મેં તે રકમ, ડ્રાફ્ટ બનાવવા માટે જબલપુરના દાનાભાઈરાઠોડને આપી. તેઓ ગાયત્રી તપોભૂમિનાટ્રસ્ટી હતા. પાછળથી જ્યારે ગુરુદેવને ખબર પડી કે વિદાયમાં અગિયાર હજાર રૂપિયા આપ્યા છે તો તેઓ મારા પર ખૂબ નારાજ થયા કે લોકોએ દિવસ રાત શ્રમ કરીને આટલું દાન ભેગું કર્યું છે તો એ ધનને લઈ જઈને આપણે શું કરીશું ? તેઓ બોલ્યા, તું ડાકુ બને છે, પોતાનો અધિકાર બતાવી રહ્યો છે. વધેલું ધન તો અહીં જ . ખચવું જોઈએ. અમે અમારા વિચારો ફેલાવવા માગીએ છીએ. હું ગુરુદેવના પગ પકડીને રડવા લાગ્યો અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાનું વચન આપ્યું. હવે હું રાત-દિવસ ધનની બાબતમાં વિચાર નહીં કરું, મારું પૂરું ધ્યાન કાર્યકર્તાઓ તરફ હશે. કાર્યકર્તા મિશનના પ્રાણ છે, એમની સાથે હું નોકર જેવો વ્યવહાર કરું છું અને જે ધનવાનો આવે છે તેની પાછળ પાછળ ફરું છું. આ મારી ભૂલ છે. ગુરુદેવે કહ્યું, કાર્યકર્તાઓને મિશનના પ્રાણ સમજીને એમનું સન્માન કરવું જોઈએ. જો શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો શરીર નકામું બની જાય છે, એ રીતે મિશન કાર્યકર્તાઓનું સંગઠન છે. સંગઠન તૂટવાથી મિશન નિષ્પ્રાણ બની જાય છે.
હું મોટી મોટી મિલો પર રહેતો હતો ત્યાં હમેશાં પૈસા જ પૈસા દેખાતા હતા. મારો સ્વભાવ આ કારણે જ એવો બની ગયો હતો. જ્યારથી ગુરુદેવે મને મારી ભૂલોનું ભાન કરાવ્યું, ત્યારથી મેં પૈસા ઉપરથી ધ્યાન હટાવી લીધું. પ્રકાશન માટે જરૂર પડી તો પરિજનો પાસેથી ઉધાર લઈને સમય થતાં પાછા ચૂકવી દીધા.
પ્રતિભાવો