વિદાય સમારંભ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૮
September 19, 2011 Leave a comment
વિદાય સમારંભ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૮
ગુરુદેવનો અજ્ઞાતવાસમાં જવાનો સમય આવી ગયો ત્યારે મેં વિચાર્યું કે ગુરુદેવ હમેશાં માટે મથુરાથી જઈ રહ્યા છે તો વિદાય સંમેલન આયોજિત કરવું જોઈએ. મારું મગજ આ સંમેલનની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત થઈ ગયું. દેશના બધા જ મુખ્ય કાર્યકર્તાઓને આમંત્રિત કરવાની વાત ગુરુદેવ સાથે કરી. એમણે કહ્યું, બેટા! તું આ ચક્કરમાં ન પડ, તપોભૂમિનું બધું ધન ખર્ચાઈ જશે. એમની વાત મેં ન માની અને એમણે ના પાડી હોવા છતાં પણ દેશમાં પત્ર મોકલી દીધા. ગુરુદેવે કહ્યું, વિદાય સંમેલન ન કરીશ. જો તારે સંમેલન કરાવવું જ હોય તો ખૂબ થોડા કાર્યકર્તાઓને બોલાવ. મારું મન છે કે એમાં આદર્શ વિવાહ (લગ્ન) થવા જોઈએ. આજકાલ વિવાહ-લગ્નના નામે ખૂબ ભારે ખર્ચ ખોટી રીતે થઈ રહ્યા છે. ત્યારે મારું મન આદર્શ લગ્નનાં જોડાં તૈયાર કરવામાં લાગી ગયું. જ્યારે ગુરુદેવે મને ધમકાવ્યો કે, તે આટલા બધા લોકોને પત્ર મોકલીને અહીં કેમ બોલાવ્યા છે ત્યારે મેં લોકોને તરત તાર કર્યા કે અહીં ઓછામાં ઓછી સંખ્યામાં શાખાઓનાં પરિજનો આવે, અહીં વ્યવસ્થા ઓછી છે. એ સમયે ગુરુદેવના મિત્ર શ્રી શ્યામલાલજી મથુરામાં હતા. એમનો છોકરો લગ્ન કરવા લાયક હતો. મેં તેમના છોકરાનું લગ્ન સંમેલનમાં કરવાની વાત કરી તો તેઓ બોલ્યા કે જો કોઈ છોકરી હોય તો તેઓ એનું લગ્ન સંમેલનમાં જ કરી દેશે. હું એક ઓફિસરને ઓળખતો હતો. એમને બે છોકરીઓ હતી. જ્યારે પણ હું ત્યાં જતો ત્યારે તે છોકરીઓ મારી સાથે ખૂબ વાતો કરતી હતી. એ છોકરીઓની બાબતમાં શ્યામલાલજીને જણાવ્યું તો તેઓ લગ્ન માટે તૈયાર થઈ ગયા.
ગુરુદેવ માતાજીને મેં કહ્યું, મેં શ્યામલાલજીને વાત કરી છે તેઓ પોતાના છોકરાનું આદર્શ લગ્ન કરવા તૈયાર છે. સત્યદેવને ગુરુદેવે બોલાવ્યો. શ્યામલાલજીને છોકરી બોલાવીને બતાવી. સંબંધ પાકો થઈ ગયો. હવે બે જોડાં આદર્શ લગ્ન માટે તૈયાર થયાં. આમ મારી હિંમત વધી ગઈ. હવે મને આદર્શ લગ્નોની ધૂન ચડી ગઈ. મગજમાં ૨૪ ક્લાક આદર્શ લગ્ન જ ઘૂમ્યા કરતાં હતાં અને સંમેલનની વ્યવસ્થામાં પણ લાગેલો હતો. ૨૪ જોડાંનાં લગ્ન થયાં હતાં. કેટલાંકને લગ્ન માટે ત્યાં જ પકડ્યાં, જેઓ લગ્ન માટે આવ્યાં જનહોતાં. લખનલાલ ટાટાવાળાની છોકરી હતી. મિશનનો ખૂબ પ્રચાર કરતી હતી. મેં કહ્યું, બેટી! તારા માટે સંમેલન પછી છોકરો જોઈશું. એનું નામ સવિતા હતું. સવિતા બોલી, બસ ! મારું લગ્ન થઈ રહ્યું. સંમેલનમાં લગ્ન થઈ જાત તો સારું થાત. હવે હું આ જન્મમાં લગ્ન નહીં કરું. મેં કહ્યું, બતાવ તને કોઈ છોકરો પસંદ છે ? એણે છોકરાનું નામ મને ચંદ્રપ્રકાશ બતાવ્યું. એ છોકરાને હું સારી રીતે જાણતો હતો. તે પણ આવ્યો હતો અને તેની મા પણ આવી હતી. મેં ચંદ્રપ્રકાશને બોલાવ્યો અને તેને કહ્યું કે લગ્ન કેમ નથી કરતો ? લગ્ન કરી લે. છોકરો બોલ્યો, એકાએક કાલે જ લગ્ન કેવી રીતે થઈ શકે?
મેં લગ્નના દિવસે એ છોકરાને પકડી લીધો અને છોકરીવાળાને કહ્યું-છોકરીને લાવો, લગ્ન થશે. એને પકડીને લગ્ન કરાવી દીધું. આ રીતે આદર્શ લગ્નોનું આંદોલન શરૂ થયું હતું. વિદાય સંમેલનમાં મારા પુત્ર રામનું પણ આદર્શ લગ્ન થયું. બંનેની જોડી જોઈને હું પુલકિત થઈ ઊઠ્યો, એ સંમેલનમાં લગભગ દોઢ લાખ પરિજનો આવ્યાં હતાં. ગુરુદેવ બોલ્યા, તું પ્રતિબંધ ન લગાવત બેટા, તો આ સંમેલનમાં દસ લાખ વ્યક્તિ આવી હોત. વ્યવસ્થા બગડી જાત, મેં તને ના પાડી હતી. આદર્શ લગ્નોનું આંદોલન શરૂ તો થયું. આ લગ્નોમાં તે જે પરિશ્રમ ઉઠાવ્યો તેનાથી મને ખૂબ પ્રસન્નતા થઈ. ચોથા દિવસે જ્યારે વિદાયનો દિવસ આવ્યો, ત્યારે મારું મન ગભરાવા લાગ્યું અને હું વિચારવા લાગ્યો કે ગુરુદેવ ! શું કરી રહ્યા છે? હવે આગળ મિશનનું કાર્ય કેવી રીતે ચાલશે ? શ્રી જગનપ્રસાદ રાવત જેઓ તે સમયે ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંડળમાં હતા, તેઓ પણ આવ્યા હતા અને રાજસ્થાનના રાજ્યપાલ શ્રી નરેન્દ્રનાથ પણ આવ્યા હતા. તેઓએ ગુરુદેવને કહ્યું, આચાર્યજી ! આપે આખું જીવન મિશનનાં કાર્યોમાં લગાવ્યું, આજે તેને છોડીને જઈ રહ્યા છો, એને કોણ ચલાવશે. હું ત્યાં જ ઊભો હતો. ગુરુદેવે કહ્યું, હું આને સોંપીને જઈ રહ્યો છું. તેઓ બંને બોલ્યા, આપે વિચારીને પગલું નથી ઉઠાવ્યું. ગુરુદેવ બોલ્યા, બહુ જ વિચારીને પગલું ઉઠાવ્યું છે. ત્યાં જ મને બંનેની મુલાકાત કરાવી. શ્રી જગનપ્રસાદ રાવત બોલ્યા, જ્યારે આપે વિચારીને જ પગલું ભર્યું છે તો અમે શું કહી શકીએ. મને કહ્યું ચાલો, છોકરાનું લગ્ન થયું છે તેની પાસે લઈ ચાલો. હું તેઓને સાથે લઈ આવ્યો. એમણે વહુ-દીકરાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જેટલાં પણ લગ્ન થયાં છે તેમાં આ ખેડું પ્રથમ છે. અમે લગ્નના સમયે જોતા હતા તેથી જ આશીર્વાદ આપવા આવ્યા છીએ. હું પણ જુગલ બેડીને જોઈને મનોમન પ્રસન્ન થતો હતો. ગુરુદેવ આટલા મોટા મિશનને છોડીને જઈ રહ્યા છે એ વિચારીને મારા પગ ડગમગવા લાગ્યા. મેં થોડુંક વિચારીને બજારમાંથી બે જોડ ચાખડીઓ મગાવી.
જ્યારે ગુરુદેવ-માતાજી જતી વખતે મંદિરમાં ગાયત્રીમાતાનાં દર્શન કરવા ગયાં તે સમયે ભીડ ખૂબ વધારે હતી. દરવાજા પર ભીડ રોકી દેવામાં આવી હતી. મેં મંદિરનાં પગથિયાઓની નીચે બંને ચાખડીઓ રાખી દીધી. ગુરુદેવ-માતાજી દર્શન કરીને નીચે ઊતર્યાં. મારી આંખોમાં આંસુ હતાં. બે ત્રણ વખત મારી તરફ માતાજી-ગુરુદેવે જોયું. બંનેએ ચાખડીઓ પહેરી લીધી અને પહેરીને યજ્ઞશાળાએ પહોંચીને ઉતારી દીધી. મેં બંને પાદુકાઓ ઉઠાવી અને માથા પર રાખીને મંદિરમાં સ્થાપિત કરી દીધી. ગુરુદેવ-માતાજી દરવાજા પરથી વિદાય લઈને જઈ રહ્યાં હતાં. એમની સાથે આપણા કાર્યકર્ત ભાઈઓની ભારે ભીડ હતી. બધા એમની પાસે હતા. વિદાય પછી મેં મંદિરના એક ખંડમાં પાદુકાઓ અને ગુરુદેવના ચિત્રની સ્થાપના કરી, બીજા ખંડમાં માતાજીનું ચિત્ર અને એમની પાદુકાઓ સ્થાપિત કરી. આરતી, ચંદન, ધૂપ, દીપક બધું તૈયાર કરવામાં આવ્યું. એમની આરતી ઉતારી પ્રણામ કરતો હતો ત્યાં એકાએક મને આભાસ થયો કે ગુરુદેવ તથા માતાજી મને કહી કહ્યાં હતાં કે બેટા ! અમે તારી સાથે સદાય રહીશું, તું નિર્ભય થઈને કામ કરજે. જે કોઈ કાર્ય કરે મુનીમ બનીને કરજે, ચિંતા માલિકને હોય છે. મુનીમ હિસાબ કિતાબ માટે જવાબદાર હોય છે. મુનીમ બનીને રહેજે, મેં મનોમન વચન આપ્યું, ગુરુદેવ ! આપની જે આશા છે તેનું પાલન કરીશ. તે દિવસથી હું દરરોજ સવારે મંદિરે જાઉં છું. પાદુકાઓનું પૂજન કરીને ફૂલહાર પહેરાવું છું. તેમાંથી મને દરરોજ જે પ્રેરણાઓ મળે છે તે અનુસાર કાર્ય કરું છું અને મને પોતાને મુનીમ જ સમજું છું.
તપોભૂમિના બધા ભાઈઓ ગુરુદેવને વિદાય આપવા માટે જમુનાની પેલે પાર સુધી ગયા હતા. હું અહીંની વ્યવસ્થામાં લાગી ગયો. સામાન ભેગો કરાવ્યો, મંડપવાળા, વીજળીવાળાનો હિસાબ કર્યો. દફતરનું કાર્ય પૂરું થઈ ગયું, ત્યારે મેં વિચાર્યું કે હું પણ હરિદ્વાર જઈને ગુરુદેવ-માતાજીનાં દર્શન કરી આવું. હું બસ દ્વારા હરિદ્વાર ગયો. ત્યાં પણ એ સમયે ખૂબ ભારે ભીડ હતી. હું પહોંચ્યો તો ગુરુદેવ પાસે સૂચના પહોંચી ગઈ કે પંડિતજી આપનાં દર્શન માટે આવ્યા છે. ગુરુદેવે કહ્યું, તેને કહી દો કે વધારે સમય લે નહીં, જે કાંઈ પણ વાત હોય તે થોડાક જ સમયમાં કહી દે. હું ગુરુદેવ પાસે દર્શન કરવા ગયો અને પ્રણામ કર્યાં. ગુરુદેવ બોલ્યા, બેટા ! કેટલા પૈસા બચ્યા છે? મેં જણાવી દીધું કે ગુરુદેવ ! વિદાય સંમેલનમાં આટલો ખર્ચ થયો છે. ગુરુદેવ બોલ્યા, મેં તને કહ્યું હતું કે જો વિદાય સંમેલન ન રાખે તો જે પૈસા ખર્ચ થયા છે તે ગાયત્રી તપોભૂમિની વ્યવસ્થામાં કામ આવી જાત. મેં કહ્યું, ગુરુદેવ! મારા ગુરુ મારી સાથે છે. જતી વખતે મને કહ્યું હતું કે અમે હમેશાં તારી સાથે રહીશું. ગુરુ અમારું બધું કાર્ય પૂર્ણ કરશે. ગુરુદેવ આ સાંભળી હસ્યા અને કહ્યું, બેટા ! તું બ્રાહ્મણનું જીવન જીવજે, તને કોઈ વાતની કમી નહીં રહે. મને આશીર્વાદ આપીને કહ્યું કે અમારા, માતાજીના આશીર્વાદ તારી સાથે છે, મેં કહ્યું, ગુરુદેવ હવે તો હું બ્રાહ્મણનો બાળક છું અને બ્રાહ્મણનું જીવન જીવી રહ્યો છું.
ગુરુદેવ બોલ્યા, બેટા ! બ્રાહ્મણ કોઈ જાતિ નથી હોતી, વૃત્તિ હોય છે. બ્રાહ્મણ અને કહેવાય છે જે શુદ્ધ પવિત્ર જીવન, દોષ દુર્ગુણ રહિત જીવન તથા સૂર્ય જેવું જીવન જીવે છે. સૂર્ય ક્યારેય પણ આરામ નથી કરતો. બ્રાહ્મણ હમેશાં શ્રમ કરતો રહે છે, વિશ્રામ નથી કરતો. સૂર્ય સમયે જ ઊગે છે. બ્રાહ્મણે પણ સમય પર જ પ્રત્યેક કાર્ય કરવું જોઈએ. જો સૂર્ય ભગવાન ન ઊગે તો આખો સંસાર જ નષ્ટ થઈ જશે. જેટલાં પણ જીવજંતુ છે, બધાં સૂર્યના આધારે જીવિત છે. આ રીતે બ્રાહ્મણ મરી જશે તો આખો સંસાર મરી જશે. બ્રાહ્મણ આજે દેશમાં જીવિત હોત તો આજે ધર્મની આ હાલત ન હોત. બ્રાહ્મણ અંત:કરણમાં બેઠેલો છે, સૂઈ ગયો છે તેને જગાડવાનો છે. તને કોઈ વાતની કમી નહીં રહે. ક્યારેય પણ હિંમત ન હારીશ. ગાયત્રી અર્થાત્ હિંમત, સાહસ. અમારી ગાયત્રી નબળાઓની, કાયરોની નથી. અમારી ગાયત્રી સાહસવાળાઓની, હિંમતવાળાઓની છે. અમારી સામે કેટલીય સમસ્યાઓ આવી છે, પરંતુ અમે ક્યારેય હિંમત હાર્યા નથી. તું ક્યારેય સાહસ ન હારીશ. મેં ક્યારેય હિંમત નથી હારી. કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ગુરુદેવ દ્વારા જે કાંઈ વાતો બતાવવામાં આવી, એને મેં જીવનમાં ઉતારી અને તેનો અત્યાર સુધી અમલ કરી રહ્યો છું. ગુરુદેવ સાથે વાતો કર્યા પછી હું માતાજીનાં દર્શન કરવા ગયો. માતાજી નીચેના ઓરડામાં પાટ પર બેઠાં હતાં, જેવાં મેં માતાજીનાં દર્શન કર્યા તેવો જ હું એકદમ રડી પડ્યો અને તેમના ચરણોમાં પડી ગયો. હું ડૂસકાં ભરીને રડતો હતો. માતાજી પણ રડી પડ્યાં, આંસુ વહેવા લાગ્યાં. લાંબો સમય રડતાં રહ્યાં, માતાજી બોલ્યાં, બેટા! બતાવ કેમ પરેશાન છે ?
મેં કહ્યું, માતાજી ! જ્યારથી આપ બંને મથુરાથી આવ્યા છો મારું મન લાગતું નથી અને સૂનું સૂનું લાગે છે. આપનો જે સ્નેહ મને મળતો હતો તે વારંવાર યાદ આવે છે. આપ મારાં ભોજન, તકલીફ, પરેશાની વગેરેનું ધ્યાન રાખતાં હતાં. હું આપની સામે જે સમસ્યા રજૂ કરતો હતો તેનો ઉકેલ આપતાં હતાં. હવે હું મારું દુ:ખ કોને કહીશ ? માતાજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા ! અમે શરીરથી આવી ગયાં તો શું થયું, અમે બંનેય તારી આગળ પાછળ છીએ. જો કોઈ તારી સામે આંખ ઉઠાવીને જોશે તો એની આંખો કાઢી લઈશું અને સ્થૂળ રૂપે હું અને આચાર્યજી અમારી પાદુકાઓ તારી પાસે છોડી જ આવ્યાં છીએ. સવારે એની પૂજા કરવા જઈશ તો તને બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે. અમારા તરફથી તને હમેશાં પ્રેરણાઓ મળતી રહેશે. તું મારો વ્હાલો દીકરો છે. માતાજી હમેશાં કોઈની સાથે વાતો કરતાં અથવા શાંતિકુંજમાં પ્રવચન થતું ત્યારે કહેતાં, દીકરાઓ મારા લાખોની સંખ્યામાં છે, પરંતુ બેટો મારો એક જ છે, તપોભૂમિમાં જઈને જોઈ લો. પછી તેમણે મારા માથા પર હાથ ફેરવી કહ્યું, હમણાં ભોજન બનાવું છું, જલદી આવી જજે. માતાજીએ ભોજન બનાવ્યું. આમ પણ જ્યારે હું શાંતિકુંજ જતો, માતાજીની પાસે જ ભોજન કરતો હતો. બે દિવસ હું હરિદ્વાર રહ્યો, પછી ત્યાંથી મથુરા આવ્યો. અહીંની વ્યવસ્થા ડગમગી રહી હતી તે સંભાળી લીધી.
પ્રતિભાવો