ગુજરાતી પત્રિકા તથા સાહિત્યનું પ્રકાશન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૯
September 19, 2011 Leave a comment
ગુજરાતી પત્રિકા તથા સાહિત્યનું પ્રકાશન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૯
એક દિવસ જ્યારે હું મંદિરમાં ગુરુદેવ તથા માતાજીની પાદુકાઓને પ્રણામ કરવા ગયો ત્યારે મને પ્રેરણા થઈ કે જાણે ગુરુજી કહેતા હોય કે બેટા! હવે ગુજરાતીમાં એક પત્રિકા કાઢ, ત્યારથી હું આખો દિવસ વિચાર કરતો રહ્યો કે પૈસા નથી, ગુજરાતી પત્રિકા છાપવી કેવી રીતે ? બીજા દિવસે ફરીથી પ્રણામ કરવા ગયો ત્યારે પ્રેરણા આપી કે ગુજરાત જા, ત્યાં પોતાની સમસ્યા જણાવ, વ્યવસ્થા થઈ જશે. હું વિચાર કરતો રહ્યો. ગુજરાતમાં કોની પાસે જવું ? હું ગુરુદેવ સાથે આણંદ કેટલીય વાર આવ્યો હતો તેથી ત્યાંના પરિજનો સાથે ગાઢ સંબંધ થઈ ગયો હતો. આથી મેં આણંદ શાખામાં જવાનો નિશ્ચય કરી લીધો. ત્યાં પાંચ-છ ભાઈઓ તે સમયે શાખાનું કાર્ય સંભાળતા હતા,તે મને યાદ આવ્યું. રણછોડભાઈ, શુક્લાજી, મિશ્રીલાલજી, ડોક્ટર આશારામ તથા શાંતિભાઈ. એમાંથી બે ભાઈઓ હજુ પણ છે, એક ડો. આશારામ તથા બીજા શાંતિભાઈ, બાકી બધાનો સ્વર્ગવાસ થઈ ગયો છે. મેં એ ભાઈઓને મારી વાત કહી કે મારો વિચાર છે કે ગુજરાતીમાં પત્રિકા કાઢીએ. એમણે કહ્યું, અમારા માટે શું સેવા છે ? કેટલું ધન જોઈએ? મેં કહ્યું-૨૫ હજાર તો જોઈએ જ. આનાથી ઓછા હશે તો પણ કામ ચાલી જશે. બધા ભાઈઓ બોલ્યા, આપ પાંચ દિવસ માટે અમારા અનુસાર કાર્યક્રમ બનાવી લો. મેં ૧૫ દિવસ માટે સમય એમને આપી દીધો. આણંદ શાખાએ ૧૦૮ કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન રાખ્યું. એમાં પાંચ દિવસ માટે મને બોલાવ્યો. ધનની વ્યવસ્થા માટે પૂરેપૂરું આશ્વાસન આપ્યું હતું.
હું મથુરા પાછો આવી ગયો. પાછળથી આણંદ શાખાના ભાઈઓનો પત્ર આવ્યો કે ૧૦૮ કુંડીય યજ્ઞ રાખી દીધો છે. એ તારીખોમાં આપે આવવાનું છે. પત્ર વાંચ્યા પછી મેં એક દિવસ વહેલા પહોંચવાની સંમતિ મોકલી આપી તથા વડોદરા સ્ટેશન માટે રિઝર્વેશન કરાવી લીધું. હું વડોદરા પહોંચતાં પહેલાં વિચાર કરતો હતો કે મને લેવા માટે કોઈ નવી વ્યક્તિને મોકલી દેશે તો એને ઓળખી પણ નહીં શકું, પરંતુ ત્યાં સ્ટેશન પર જ્યારે ગાડી પહોંચી તો જોયું કે લગભગ સો ભાઈઓ-બહેનો ફુલહાર લઈને ઊભાં હતાં. ગાયત્રીમાતાની જય બોલી રહ્યાં હતાં, જયઘોષોથી પ્લેટફોર્મ ગૂંજી ઊઠ્યું હતું. હું તે જોઈને આશ્ચર્યમાં પડી ગયો. ગાડી ઊભી રહી, અમે બધા ગાડીમાંથી ઊતર્યા. એક ભાઈએ મને કહ્યું, ચૂપ રહેજો. અમે જેમ કહીએ તેવું જ આપ કરો, આપ જોતા રહો, બોલશો નહીં. બધા ભાઈઓ બહેનોએ મને લહાર પહેરાવ્યા, મને ખૂબ આશ્ચર્ય થયું કે હું ગુરુદેવની સાથે કેટલીય વાર ગુજરાત આવ્યો, પરંતુ આવું સ્વાગત તો ગુરુદેવનું પણ નહોતું થયું. વડોદરાથી મને આણંદ લઈ ગયા, ત્યાંથી લગભગ એક માઈલ દૂર ચાંદીની બગી ઊભી હતી તેમાં ઘોડા જોડેલા હતા અને બહેનો કળશ લઈને ઊભી હતી. ભાઈઓના હાથમાં ઝંડા, બેનર હતાં, જયકાર બોલી રહ્યા હતા. મને કારમાંથી ઉતારીને બગીમાં બેસાડવામાં આવ્યો અને ફૂલોનો મોટો હાર પહેરાવવામાં આવ્યો. સરઘસ ત્યાંથી યજ્ઞશાળા સુધી આવ્યું. ત્યાં મારું પ્રવચન પણ રાખવામાં આવ્યું હતું. એ ભાઈઓએ જનતામાં એવો પ્રચાર કરી દીધો હતો કે મોટા મહાત્મા યજ્ઞમાં આવ્યા છે. હજારો લોકો મારાં દર્શન માટે ફરતા હતા. હું મનોમન કહેતો હતો, ગુરુદેવ ! શું કરાવી રહ્યા છો? પરંતુ હું ચૂપ હતો. ચાર દિવસ સુધી યજ્ઞ ચાલ્યો અને એ યજ્ઞમાં બધાં ભાઈ બહેનોએ ભરપૂર ધન આપ્યું. જ્યારે મારી વિદાય થઈત્યારે ત્યાંના ભાઈઓએ મને એક લાખની થેલી ભેટમાં આપી. હું થેલી લઈને ધન્ય બની ગયો. મેં મનોમન ગુરુદેવને ધન્યવાદ આપ્યા અને વિચાર્યું ગુરુદેવ આપે તો મારી ધનની વ્યવસ્થા કરાવી જ દીધી. કાર્યક્રમ કર્યા પછી હું મથુરા ગાયત્રી તપોભૂમિ આવ્યો.
અમે બધા ભાઈઓએ ભેગા મળીને ગુજરાતી પત્રિકાનું રજિસ્ટ્રેશન કરાવ્યું. ગુજરાતથી બે-ત્રણ ભાઈઓને બોલાવી અનુવાદ, પ્રૂફરીડિંગનું કામ કરાવ્યું. ગુજરાતી પત્રિકાનું પ્રકાશન શરૂ થઈ ગયું. ગુજરાતમાં ગુજરાતી પત્રિકા ગઈ ત્યારે ગુજરાતનાં બધાં ભાઈબહેન ખૂબ પ્રસન્ન થયાં કારણકે હિન્દીમાં પત્રિકા વાંચવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ગુજરાતમાંથી બધાં ભાઈઓ બહેનોના પત્ર મારા પર આવ્યા કે ગુજરાતીમાં પત્રિકા કાઢીને આપે ખૂબ મોટું કામ કર્યું છે. હવે અમને ગુરુદેવના વિચારો મળતા રહેશે. હવે મેં વિચાર્યું કે હજુ મારી પાસે આણંદ શાખાએ આપેલ પૈસામાંથી ઘણા પૈસા વધ્યા છે. હવે મારે મુખ્ય મુખ્ય સાહિત્ય ગુજરાતી ભાષામાં છાપવું જોઈએ. હું વડોદરા ગયો, ત્યાંના ભાઈઓને મળ્યો. તે સમયે વડોદરામાં જ મોટા મહારાજ રહેતા હતા, જે પહેલાં ગુરુદેવ સાથે મળ્યા હતા. એમનાં દર્શન કરવા હું એમની પાસે ગયો. મોટા મહારાજને જતાંની સાથે જ પ્રણામ કર્યા. મોટા મહારાજ બોલ્યા, આચાર્યજી તો સાક્ષાત્ ગાયત્રી યજ્ઞ જ છે. એમના કાર્યમાં વિઘ્ન નહીં આવે, શ્રમ કરતો રહેજે. જો તને ધનની જરૂરિયાત હોય તો મને જણાવજે, જેટલાં ધનની જરૂરિયાત હશે, વ્યવસ્થા કરી દઈશું. ધનની કમીને કારણે તેમનું કોઈ કાર્ય અટકે નહીં. મેં કહ્યું – મહારાજ ! અત્યારે તો ત્યાંનું કાર્ય ઠીક ચાલી રહ્યું છે. આણંદ શાખાએ એક લાખ રૂપિયા આપ્યા, તેનું જ ગુજરાતી સાહિત્ય મારે છપાવવું છે. ગુજરાતી પત્રિકા કાઢી છે. જે જરૂર પડશે તો આપની પાસે આવીને મુશ્કેલી બતાવી જઈશ. અત્યારે તો
આપના આશીર્વાદ છે. ઘણા સમય સુધી મારે મોટા મહારાજ સાથે વાતચીત થતી રહી. ભોજન પણ એમણે પોતાની સાથે જ બેસાડીને કરાવ્યું. જ્યારે હું એમને પ્રણામ કરીને નીકળવા લાગ્યો તો એમણે મારા માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા ! હું તારી સાથે છું. આચાર્યજીના કાર્યમાં વિઘ્ન નહીં આવે. મેં કહ્યું, આપના આશીર્વાદ નેઈએ. મહારાજ બોલ્યા – અમારા હજાર હાથ વડે તને આશીર્વાદ છે. આ સાંભળીને મારું સાહસ હજાર ગણું વધી ગયું. હું વડોદરા, આણંદ, અમદાવાદ, સૌરાષ્ટ્ર બધી જગ્યાએ ગયો અને ભાઈઓને ગુજરાતીમાં સાહિત્ય છાપવાની વાત કરી. બધા ભાઈઓએ મને વિશ્વાસ આપ્યો કે અમે તમારી સાથે છીએ. જે પણ તન-મન-ધનથી સેવા જરૂરી હશે અમે આપને સાથ આપીશું. બધા ભાઈઓએ નિશ્ચય કર્યો કે રાજકોટમાં છાપકામ સારું રહેશે. છાપકામ, પ્રૂફરીડિંગનું કાર્ય અમે ભાઈઓ ભેગા મળીને કરીશું, આપ ચિંતા ન કરશો. આ કામ ગુરુદેવનું છે, મારું-તમારું થોડું જ છે? તેઓ જ બધું પૂરું કરાવી દેશે. હું તપોભૂમિ પાછો આવ્યો અને અહીંના ભાઈઓને બધી વાત કરી. બધાની સંમતિ થઈ પછી હું ગુજરાત ગયો અને રાજકોટથી ગુજરાતી સાહિત્ય છપાવવાની વ્યવસ્થા કરી. ત્યાં ગુજરાતના ત્રણ-ચાર ભાઈ અનુવાદ, પ્રૂફરીડિંગ માટે રાખવામાં આવ્યા. હું ક્યારેક દસ પંદર દિવસ રોકાતો હતો, ત્યાંની છાપકામની વ્યવસ્થા જોતો હતો. આ રીતે એક વર્ષ ગુજરાતી સાહિત્યમાં નીકળી ગયું. ત્યાં સાહિત્ય છપાવ્યા પછી બધું જ સાહિત્ય મથુરા લઈ આવ્યા . પછી સેટ બનાવ્યા. કેટલાક સેટ હું આણંદ લઈ ગયો. ત્યાંના જે ભાઈઓએ થેલી ભેટમાં આપી હતી તેઓને સાહિત્ય ભેટમાં આપ્યું. ત્યાંના ભાઈઓ ખૂબ પ્રસન્ન થયા. એમણે કહ્યું, પંડિતજી ! આપે ગુજરાત પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે, હવે ગુજરાતી સાહિત્ય વાંચવાથી ગુજરાતમાં ગુરુદેવના વિચારો ફેલાશે. હું જ્યારે મથુરા પાછો આવવા નીકળ્યો ત્યારે તે ભાઈઓએ મને ૧૧ હજાર રૂપિયા ભેટ આપ્યા. મેં તેઓને છાપકામ વગેરેનો ખર્ચ બતાવી દીધો હતો. હિસાબ જોઈને ખૂબ પ્રસન્ન થયા. મેં કહ્યું, ભાઈ ! હું તો આપનો મુનીમ છું. જે ધન આપ સૌએ આપ્યું હતું તેનો હિસાબ આપવો એ મારું કર્તવ્ય હતું. આણંદથી મથુરા આવી ગયો. હવે મારું સાહસ સો ગણું વધી ગયું. હવે મેં વિચાર્યું કે અન્ય ભાષાઓમાં પણ પત્રિકા છાપવી જોઈએ. મરાઠી તથા ઉડિયા ભાષામાં પત્રિકા છપાવી, હાલ કેટલાક સમયથી મથુરાનું કામ વધી જવાથી મરાઠી પત્રિકા અમલનેર, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્રમાં તથા ઉડિયા પત્રિકાના પ્રકાશનનું કાર્ય ભુવનેશ્વર શાખાને સોંપી દીધું છે. અહીં તે ભાષાઓના અનુવાદ તથા પ્રૂફરીડિંગ કરનારા ઓછા મળતા હતા.
વચ્ચે-વચ્ચે હું ગુરુદેવ તથા વંદનીય માતાજી પાસે દર્શન કરવા હરિદ્વાર જતો હતો અને બધી વાતો જણાવતો હતો. બીજી ભાષાઓમાં પત્રિકા છપાવવાનું જાણીને તેઓ ખૂબ ખુશ થયાં. તેઓ કહેતા, તું જીવનભર મારા વિચારોને ફેલાવવામાં જ બધો સમય લગાવો. ચમક-દમકમાં ન ફસાઈશ અને અહંકાર-મોટાઈથી દૂર રહેજે. વિચારાને ઘેર-ઘેર પહોંચાડતો રહેજે અને કહ્યું, તેં બીજી ભાષાઓમાં પત્રિકા છપાવી છે તેનાથી અમને ખૂબ સંતોષ છે. અમારા આશીર્વાદ તારી સાથે છે. તું ભટકી ન જઈશ. ક્રિયાની સાથે જ્ઞાનનો પ્રચાર કરજે. કર્મકાંડમાં જ ન ફસાઈશ. આગળ જતાં અમારાં બાળકો કર્મકાંડ પર જ ભાર આપશે કેમકે તે સરળ છે અને અમારા વિચારોને ઘેર-ઘેર પહોંચાડવાનું કઠિન છે. આમાં તારે ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડશે અને તને કોઈ સાથ નહીં આપે, વિરોધ કરશે, કહેશે કે આ તો પુસ્તક વેચનાર છે. અમારી પાસે બે જ ચીજો હતી, એક સત્સંગ- બીજું સ્વાધ્યાય, અમે તને આ બાબતમાં પૂછ્યું ત્યારે તેં મને આ જ કહ્યું હતું ગુરુદેવ ! મને સ્વાધ્યાય આપો કેમ કે હું સાહિત્ય વાંચવાથી જ બદલાયો છું. અમે તને એ સમયે કહ્યું હતું કે આમાં ખૂબ પરેશાની થશે, પરંતુ તેં સાહિત્ય પસંદ કર્યું. આગળ જતાં તારી ભારે પરીક્ષા થશે. ગુરુદેવે કહ્યું, બેટા ! તેં સાહિત્ય પસંદ કર્યું હતું, તે ગુજરાતી સાહિત્ય છપાવીને સાહસનો પરિચય આપ્યો છે.
પ્રતિભાવો