૬૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
December 29, 2011 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઇમાની યાનિ પચેન્દ્રિયાણી મનઃ ષષ્ઠાનિ મે હૃદિ બ્રહ્મણા સંશિતાનિ । યૈરેવ સસૃજે ઘોર તૈરેવ શાંતિરસ્તુ નઃ || (અથર્વવેદ ૧૯/૯/૫)
ભાવાર્થઃ ઇન્દ્રિયોના વર્તન મુજબ જ આપણા મનની સ્થિતિનું ઘડતર થાય છે. ઇન્દ્રિયોનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ મનુષ્યના હાથની વાત છે. એટલા માટે હંમેશાં ઇન્દ્રિયોની ઉત્તેજનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સંદેશઃ પરમેશ્વરે આ માનવશરીર ખૂબ જ સમજીવિચારીને બનાવ્યું છે. આટલાં બધાં લક્ષણોવાળું તથા પરિપૂર્ણ શરીર માનવ સિવાય બીજા કોઈપણ પ્રાણીનું નથી. મનુષ્યમાં જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોની ગોઠવણી એવી વિશિષ્ટ રીતે કરવામાં આવી છે કે જેના દ્વારા સુખ, સંતોષ અને આનંદપ્રાપ્તિની સાથે સાથે આપણા વ્યક્તિત્વના વિકાસમાં પણ ઇન્દ્રિયોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.
પરંતુ આ અબુધ મનુષ્ય ઇન્દ્રિયોની માયાજાળમાં ફસાઈ જઈને પોતાનો સર્વનાશ જાતે જ નોંતરે છે. તે પોતાના મનને કાબૂમાં રાખે તથા ઇન્દ્રિયોનો સદુપયોગ કરીને આત્મિક સુખ પ્રાપ્ત કરે એ તેના હાથમાં છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયોનો દુરુપયોગ કરવામાં પોતાની બહાદુરી માનવા લાગ્યો છે. ઇન્દ્રિયોની લાલસા આપણા મનને જ ભ્રમણામાં નાખી દે છે. તે સૌથી પહેલાં આપણા મનને દુર્ગુણો તરફ લોભાવે છે. ત્યાર પછી તેમાંથી કલ્પનાઓનું સ્વરૂપ વ્યક્ત થાય છે. જેવી કલ્પના હોય તેનું અનુકરણ કરવાથી આપણને સુખપ્રાપ્તિનો આનંદ મળે છે. પછી સુખનો એ વિચાર આપણા મનને ચલિત કરે છે. થોડાઘણા સંઘર્ષો પછી છેવટે આપણે આત્મસમર્પણ કરી દઈએ છીએ તથા ઇન્દ્રિયોનાં પ્રલોભનોની પાછળ ભટકવા માંડીએ છીએ. આથી ધીરેધીરે મનનું પતન થતું જાય છે. કુવિચારો તથા કુસંસ્કારોરૂપી અસુરો તેના પર છવાઈ જાય છે અને મનુષ્ય ઇન્દ્રિયોનાં પ્રલોભનોમાં વધારે ને વધારે ફસાતો જાય છે.
વૈરાગ્યના અભ્યાસ દ્વારા ઇન્દ્રિયોની ઉત્તેજના કે ચંચળતાથી બચી શકાય છે. ઇન્દ્રિયોને નિયંત્રિત અને સંયમિત કરીને યોગ્ય કાર્યમાં લગાડવામાં આવે તો આપણું મન તેનાથી મુક્ત રહી શકશે. એ જ પવિત્ર જીવનનો સાચો અર્થ છે. કોઈપણ જીવ પ્રત્યે આસક્તિ અથવા મોહ રાખશો નહિ. આપણા માટે જો કોઈ પ્રિય હોય તો તે માત્ર પરમાત્મા જ છે. કેટલાક લોકો, એમાંયે ખાસ કરીને યુવાનો ઈશ્વરની સૂક્ષ્મ સત્તાની બાબતમાં શંકાશીલ હોય છે, પરંતુ સત્ય એ છે કે પરમાત્મા જ એક માત્ર વાસ્તવિકતા છે. ઈશ્વર આપણી અંદર બેઠેલો છે, પરંતુ આપણે તેના વિશે જાગૃત નથી. માનવતાની એ મહાન પ્રસાદી છે. મનુષ્ય મનથી જેટલો પવિત્ર બનતો જશે, એટલો જ તે પોતાની અંદર રહેલા ઈશ્વરના મૂર્ત રૂપને જોવામાં સફળ થઈ શકશે.
મનને ઇન્દ્રિયોનાં પ્રલોભનોથી બચાવવાનો સૌથી સરળ ઉપાય એ જ છે કે તેને ઈશ્વરભક્તિમાં તરબોળ કરી દેવામાં આવે. નિર્લેપ મનથી કર્મો કરતા રહેવું જોઈએ. મનને બૂરાઈઓથી દૂર રાખી લોકોપયોગી કાર્યોમાં વાળી દેવું જોઈએ. એ જ ઈશ્વરની સાચી ભક્તિ છે. એક વખત સ્વામી દયાનંદજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારે પણ હાડમાંસનું જ શરીર છે, તો શું તમને કામવાસના ક્યારેય સતાવતી નથી ? એ વખતે સ્વામીજીએ જવાબ આપેલો કે મને સમગ્ર જીવન દરમિયાન કામવાસના અંગેનું ચિંતન કરવાનો અવસર જ મળ્યો નથી. બસ, આ જ રીતે મનને પ્રભુનાં કાર્યોમાં એવી રીતે જોડી દો કે જેથી વાસનાઓનો વિચાર જ આપણા મનમાં પ્રવેશી શકે નહિ.
દૃઢ ઇચ્છાશક્તિ દ્વારા આપણે આવું સુંદર ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રતિભાવો