તમારી જાતને ઓળખો – ૧
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – તમારી જાતને ઓળખો
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ આપત્તિકાળ છે. એક બાજુ સુંદર ભવિષ્યનાં સપના સજાવ્યાં છે, તો બીજી બાજુ વિનાશની લીલા પણ મોઢું ફાડીને ઊભી છે. તમે બંનેની વચ્ચે ઊભા છો. તમને કશું દેખાતું નથી કે તમે કોણ છો ? તમે જાગૃત આત્મા છો. મેં જે હાર યુગદેવતા માટે બનાવ્યો છે તે ઇશ્વરના આ બગીચાના ઉત્તમમાં ઉત્તમ પુષ્પોમાંથી બનાવ્યો છે. યુગદેવતાના ચરણોમાં સારામાં સારો હાર ચઢાવી શકાય તે માટે સરસ ફૂલો જ પસંદ કર્યા છે. મેં તમને ખૂબ મુશ્કેલીથી શોધી કાઢયા છે. મેં સારાં સારાં રત્નો શોધ્યાં છે. મેં તમારી પાસે અખંડજયોતિ મોકલી હતી. તમે મંગાવી હતી ? ના, મેં મોકલી હતી. જે રીતે રામલક્ષ્મણને શોધવા વિશ્વામિત્ર દશરથ રજા પાસે ગયા હતા તે જ રીતે હું તમને તમારા પિતાજી પાસેથી શોધી લાવ્યો છું. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ પાસે જઇને શું કહ્યું હતું ? કહ્યું હતું કે તું નોકરી કરવા ઇચ્છે છે ? મારું કામ તારા વગર અટકી પડયું છે અને તું નોકરીના ચક્કરમાં પડયો છે ? હું લોકોને મુક્ત કરાવવા આવ્યો છું. મારું કામ જુદી જાતનું છે. હું રાષ્ટ્રને તથા સમાજને નવી દિશા ચીંધવા આવ્યો છું. તું નોકરી કરવા પેદા નથી થયો. તારે આ બધામાં મારી જોડે રહેવાનું છે. રામકૃષ્ણ પરમહંસે એમને દબાણથી સમજાવ્યા અને એ તેમની સાથે ચાલી નીકળ્યા.
બેટા, તું પણ સમજતો કેમ નથી ? હું તને મજબૂર કરી રહ્યો છું. તું મારી પાસે આવતો રહે છે ખરો, પણ ઇચ્છાઓ લઈને. જો ઊંચી ભાવનાઓ લઈને આવ્યો હોત તો તું ધન્ય થઈ જાત. હું જ્યારે મારા ગુરુ પાસે જાઉં છું ત્યારે ઉચ્ચ ભાવનાઓ લઈને જાઉં છું. ત્યાંથી હું મહાન બનીને આવું છું.
મિત્રો ! આ શિબિરમાં તમને એકઠા કરવા પાછળ મારો ખાસ હેતુ રહેલો છે. તમે કહો છો કે અમને કુંડલિની જાગરણ શિખવાડો, બ્રહ્મવર્ચસની સાધના શિખવાડો. તમારા પૂજાપાઠ કે ભજન કીર્તન પાછળ શો હેતુ રહેલો છે તે હું સારી રીતે સમજું છું. તમને જે જોવાની ઇચ્છા છે તે હું એમ ને એમ બતાવી શકું છું. તમને પામવામાં ખાસ રસ નથી એટલે માત્ર દેખાડવાથી જ કામ ચાલી જાય એમ છે. તમે સિદ્ધિઓના નામે જે મેળવવા ઇચ્છો છો તે બધું હું તમને બતાડી દઉં તો તમને સંતોષ થઈ જશે. એવી વસ્તુઓ કે જે તમને મળી જશે, તો પણ તમે જીરવી નહિ શકો, તમે બધું મૂકીને ભાગી જશો.
પ્રતિભાવો