SJ-30 : અમે પ્રેમનો સોદાગર, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
May 27, 2012 Leave a comment
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
અમે પ્રેમનો સોદાગર
જો મારી કોઈ વિશેષતા તથા બહાદુરી હોય તો તે એટલી જ છે કે પ્રલોભનો અને અકર્મણ્યતાને દૂર કરીને દૈવી નિર્દેશોનું પાલન કરવા માટે મેં મારા તમામ સાહસ અને મનોબળને કામે લગાડયું. મારા ગુરુએ જ સુઝાડયું એવું જ વિચાર્યું અને જે કહ્યું તે જ કર્યું.
મેં જીવનમાં એક જ વસ્તુની કમાણી કરી છે – પ્રેમ. એક સં૫ત્તિ મેળવી છે- પ્રેમ. મેં એક જ રસ ચાખે છે અને તે છે પ્રેમનો રસ. દરેકે વિશ્વાસ રાખવો જોઈએ કે મારી પાસે બીજું કાંઈ હોય કે ન હોય, ૫રંતુ અપાર પ્રેમ અને મમતાથી ભરેલું અંતઃકરણ અવશ્ય છે. જેમણે મને તલ જેટલો પ્રેમ કર્યો છે એના માટે મારા મનમાં ૫હાડ જેટલી મમતા પેદા થઈ છે.
લોકો મને ગમે તેવો માનતા હોય, ગમે તેવો સમજતા હોય, કોઈ તાંત્રિક, કોઈ લોકસેવક, કોઈ વિદ્વાન, કોઈ ત૫સ્વી, કોઈ તત્વદર્શી કે કોઈ પ્રતિભાનો પુંજ માનતું હોય, ૫રંતુ મારી સમજ પ્રમાણે હું મને એક અતિ સહૃદય, અતિ ભાવુક અને અતિશય પ્રેમાળ પ્રકૃતિનો એક નગણ્ય મનુષ્ય જ માનું છું. પ્રેમ કરવામાં, શીખવામાં અને શીખવવામાં મારી આખી જિંદગી જતી રહી. જો મેં કોઈ ધંધો કર્યો હોય તો એ જ છે કે મોંદ્યી કિંમતે પ્રેમ ખરીદ્યો અને સસ્તા ભાવે તેને વેચવાનો જ કર્યો છે.
મારી એક જ મુખ્ય સં૫ત્તિ છે – પ્રેમ. એના બળે જ ત૫, સંતોષ વિવેક, સેવા, સ્વાધ્યાય, શ્રમ વગેરે સત્પ્રવૃત્તિઓને સ્થાયી રૂપે પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. આત્મવિશ્લેષણ, ચિંતન, મનન અને અંતરના મંથનના આધારે ખાતરીપૂર્વક કહી શકું છું કે મને જો કોઈ આંતરિક વિભૂતિઓ મળી છે અને એમની મદદથી બાહ્યજગતમાં થોડીક હલચલ પેદા કરવાનો અવસર મળ્યો હોય તો તેનું એકમાત્ર કારણ મારા અંતરમાં છલોછલ ભરેલો પ્રેમ જ છે. લોકોએ પ્રેમ કરતાં શીખવું જોઈએ. પોતાનામાં, પોતાના આત્મા અને જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, કર્તવ્યમાં, ઈશ્વરમાં અને દસેય દિશાઓમાં પ્રેમ વિખેરવો અને તેના પ્રતિધ્વનિનું ભાવભર્યું અમૃત પીને ધન્ય થઈ જવું એ જ જીવનની સફળતા છે.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૬૯
પ્રતિભાવો