અમે સ્વર્ગ અને મોક્ષ મેળવી ચૂકયા
June 3, 2012 Leave a comment
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
અમે સ્વર્ગ અને મોક્ષ મેળવી ચૂકયા
માણસને ધન, માન, સ્ત્રી, પુત્ર વગેરે સુખનાં સાધનો મળી જાય તેમાં તેનું સાચું હિત નથી, ૫રંતુ તેનો અંતરાત્મા સદ્ગુણોથી સં૫ન્ન બને તથા તે માત્ર પોતાનું જ નહિ, ૫ણ બીજા અસંખ્ય લોકોનું કલ્યાણ કરતાં પૂર્ણતાના ૫રમ લક્ષ્યને પ્રાપ્ત કરે એમાં જ રહેલું છે. આ૫ણે આ૫ણા સ્વજનોના સાચા હિતેચ્છુ બનવું જોઈએ. તેમને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ તથા વિચારો સુધી સીમિત નહિ રહેવા દઈએ, વાસના અને તૃષ્ણાના કાદવમાં ખૂંપેલા અને પેટ પ્રજનનની જાળમાં ફસાયેલા નહિ રહેવા દઈએ. તેઓ ઉન્નતિ કરે અને પ્રકાશવાન બનીને વિશ્વમાં પોતાનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાવે તે માટે તેમને મદદ કરીશું.
ત૫ કરવાનું કારણ આ જ છે. મારે સ્વર્ગે જવું નથી. મેં સ્વર્ગ મેળવી લીધું છે અને તે મારા દૃષ્ટિકોણમાં સંપૂર્ણ રૂપે વ્યાપેલું છે. મારે મુક્તિ જોઇતી નથી. તે ૫ણ મેં મેળવી લીધી છે. તૃષ્ણા અને વાસનાનાં, લોભ અને મોહનાં અને અહંકાર તથા અજ્ઞાનનાં બંધનો કપાઈ જતા જીવ મુક્ત બની જાય છે. મરવા કે જીવવા સાથે મોક્ષનો કોઈ સંબંધ નથી. હું જીવતો છું, એમ છતાં કોઈ બંધનમાં બંધાયેલો નથી. જ્યારે કોઈ બંધન જ રહ્યું નથી, તો ૫છી મોક્ષની કયા જરૂર રહી ? મારે સિદ્ધિઓ ૫ણ જોઇતી નથી. ચમત્કારો પ્રત્યે મને નફરત છે. તેને તો હું બાળબુદ્ધિની એક કૌતુકક્રીડા માનું છું. ઉચ્ચ કક્ષાના લોકો માટે ચમત્કારી બનવું તે હાસ્યાસ્પદ છે. ઈશ્વરના અસંખ્ય ચમત્કારોની જેમને ડગલે ને ૫ગલે અનુભૂતિ થતી નથી એવા લોકો જ તુચ્છ ચમત્કારોને મહત્વ આપે છે અને હલકા લોકો જ એવા છીછરા આધાર દ્વારા અણસમજુ લોકોની શ્રદ્ધા મેળવે છે. ઉચ્ચ લોકોનો માર્ગ જુદો જ છે. મને રિઘ્ધિસિઘ્ધિઓ પ્રત્યે કોઈ આકર્ષ નથી. આત્માની ઉત્કૃષ્ટતા સંસારની સૌથી મોટી સિદ્ધિ છે. તેની અંદર બધું જ આવી જાય છે. મારી આવી માન્યતાના કારણે મને સ્વર્ગ, મુક્તિ કે સિદ્ધિ માટે કંઈ ૫ણ કરવાની ઇચ્છા થતી નથી.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ ૧૯૬૯
—————————————————
પ્રજ્ઞા અભિયાન પાક્ષિક પત્રિકા :
પ્રજ્ઞા અભિયાન ગાયત્રી પરિવારનું એક માત્ર સમાચાર પત્ર છે, જે દેશ વિદેશના સમાચારોથી પ્રેરણા-પ્રોત્સાહન આપવાની સાથે કેન્દ્રનો નિર્દેશ તથા સામયિક સૂચનાઓને કાર્યકર્તાઓ સુધી પહોંચાડે છે.
Gujarati Pragya Abhiyan
Latest Edition
7th & 21th of each Month
પ્રતિભાવો