૩.(૧) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા
November 4, 2012 1 Comment
વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન
હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.
(૧) બ્રહ્મ
સાત્ત્વિકતાની ઊંચી કક્ષાને બ્રહ્મ કહે છે. આમ તો પરમાત્મા સત, રજ અને તમ એ ત્રણે ગુણોમાં મોજૂદ છે, પરંતુ એની બ્રાહ્મી જ્યોતિ સતોગુણમાં જ છે. સાત્ત્વિક ભાવ, બ્રહ્મ કેન્દ્ર માંથી જ ઉત્પન્ન થાય છે. મનુષ્યના મનમાં આમ તો અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે છે, પરંતુ જયારે સતોગુણી આકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે ત્યારે એનું ઉદ્ગમ કેન્દ્ર-પ્રેરક બિન્દુ એ બ્રહ્મ જ હોય છે. ઋષિઓમાં, મહાત્માઓમાં, સંતોમાં, સત્પુરુષોમાં આપણે પરમાત્માનો વધુ અંશ જોઈએ છીએ, એમને પરમાત્માની નિકટ સમજીએ છીએ અને એવું માનીએ છીએ કે પરમાત્માની એમના પર કૃપા છે. પરમાત્માની વિશેષ સત્તા એમનામાં મોજૂદ છે. એનું એ જ પ્રમાણ છે કે એમનામાં સત્ તત્ત્વ વધુ માત્રામાં છે. આ સત્ ની અધિકતા જ બ્રાહ્મી સ્થિતિ છે. પૂર્ણ સાત્વિકતામાં જે અધિષ્ઠિત થઈ જાય છે અને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કહેવામાં આવે છે.
મનુષ્યની અંતઃચેતના પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગથી બનેલી છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પ્રકૃતિનાં ભૌતિક તત્ત્વો દ્વારા બનેલાં છે. આપણે જે કંઈ વિચારીએ, ધારણ કરીએ કે અનુભવીએ તે કાર્ય મગજ દ્વારા થાય છે. મગજની ઈચ્છા, આકાંક્ષા, રુચિ તથા ભાવના ઈન્દ્રય રસ તથા સાંસારિક પદાર્થોની સારીખોટી અનુભૂતિને કારણે થાય છે. મગજમાં જે કંઈ જ્ઞાન, ગતિ અને ઈચ્છા છે એ સાંસારિક સ્થળ પદાર્થોને આધારે જ બને છે. સ્વયં મગજ પણ શરીરનું એક અંગ છે અને અન્ય અંગોની જેમ એ પણ પાંચ તત્ત્વોથી, પ્રકૃતિથી બનેલું છે. આ અંત:કરણ ચતુર્યથી પર એક બીજું સૂક્ષ્મ ચેતના કેન્દ્ર છે, જેને આત્મા કે બ્રહ્મ કહે છે. આ બ્રહ્મ સાત્ત્વિકતાનું કેન્દ્ર છે. આત્મામાંથી સદા સતોગુણી પ્રેરણાઓ ઉત્પન્ન થાય છે. ચોરી, વ્યભિચાર, હત્યા, છેતરપિંડી આદિ દુષ્કર્મ કરતાં આપણું હૃદય ધડકે છે. કાળજું કાંપે છે, પગ થથરે છે, મોં સુકાઈ જાય છે, ભય લાગે છે અને મનમાં તોફાન ચાલે છે. અંદરને અંદર એક સત્તા આવાં દુષ્કર્મ ન કરવા માટે રોકે છે. આ રોકનારી સત્તા આત્મા છે. એને જ બ્રહ્મ કહે છે. અસાત્ત્વિક કાર્ય નીચતા, તમોગુણ, પાપ અને પશુતા ભરેલાં કાર્ય એની સ્થિતિથી વિપરીત હોય છે. એટલે એમને રોકવા અંદર ને અંદર પ્રેરણા ઉત્પન્ન થાય છે. આ પ્રેરણા શુભ સતોગુણી પુણ્યકર્મો કરવા માટે પણ ઉત્પન્ન થાય છે. કીર્તિથી પ્રસન્ન થવું એ મનુષ્યનો સ્વભાવ છે અને આ સ્વભાવ સારાંસારાં, પ્રશંસનીય તથા શ્રેષ્ઠ કર્મ કરવા માટે પ્રોત્સાહન આપે છે. શુભ કર્મોથી યશ પ્રાપ્ત થાય છે અને યશથી પ્રસન્નતા મળે છે. યશન મળે તો પણ સત્કર્મ કર્યા પછી અંતરાત્મામાં શાંતિનો અનુભવ થાય છે. આ આત્મતૃપ્તિ એ વાતનું પ્રમાણ છે કે અંત:કરણની આકાંક્ષાને અનુરૂપ કાર્ય થયું છે. દયા, પ્રેમ, ઉદારતા, ત્યાગ સહિષ્ણુતા, ઉપકાર, સેવા સહાયતા, દાન, જ્ઞાન તથા વિવેકની સુખ-શાંતિમય ઈચ્છાના તરંગો આત્મામાંથી જ ઉદ્દભવે છે. આ ઉદ્ગમ કેન્દ્ર બ્રહ્મ છે.
વેદાન્તદર્શને પૂરી શક્તિથી એ પ્રતિપાદિત કર્યું છે કે આત્મા જ ઈશ્વર છે. તત્ત્વમસિ’, “સોહમ્’, ‘શિવોહમ્, “અયમાત્મા બ્રહ્મ’ જેવાં સૂત્રોનો અર્થ એ જ છે કે આત્મા જ બ્રહ્મ છે. ઈશ્વરનું પ્રત્યક્ષ અસ્તિત્વ પોતાના આત્મામાં જ જોવાની વેદાંતની સાધના છે. અન્ય ઈશ્વરભક્તો પણ અંત:કરણમાં પરમાત્માને જુએ છે. અસંખ્ય કાવ્યો તેમજ શ્રુતિવચનો એવાં મળે છે, જેમાં એ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે “બહાર શોધવાથી નહિ, અંદર શોધવાથી પરમાત્મા મળે છે. સંત કબીરે કહ્યું છે કે પરમાત્મા આપણાથી ચોવીસ આંગળ દૂર છે. મનનું સ્થાન મસ્તિષ્ક અને આત્માનું સ્થાન ય છે. મસ્તિષ્કથી હ્રદય ચોવીસ આંગળ દૂર છે. આ પ્રતિપાદનમાં ઈશ્વરને અંતઃકરણમાં રહેલો દર્શાવ્યો છે.
મનુષ્ય દેવી અને ભૌતિક તત્ત્વોમાંથી બન્યો છે. આમાં મન ભૈતિક અને આત્મા દૈવી તત્ત્વ છે. આત્માના ત્રણ ગુણ છે. સત્ ચિત્ અને આનંદ. એ સતોગુણી છે. શ્રેષ્ઠ, શુભ તથા દિવ્યમાર્ગ તરફની પ્રવૃત્તિવાળો તેમજ સતત, હંમેશાં રહેનાર અવિનાશી છે. ચિત્ ચૈતન્ય, જાગૃત, ક્રિયાશીલ તથા ગતિવાન છે. કોઈ પણ અવસ્થામાં એ ક્રિયા રહિત ન હોઈ શકે. આનંદ, પ્રસન્નતા, ઉલ્લાસ, આશા તથા તૃપ્તિ એના ગુણ છે. આનંદની દિશામાં એની અભિરુચિ સદૈવ રહે છે. આનંદ, વધુ આનંદ તથા અતિ આનંદ પ્રાપ્ત કરવો એને એટલો પ્રિય છે, જેટલું માછલીને જળપ્રિય છે. માછલી જળમગ્ન રહેવા ઈચ્છે છે. સત્, ચિત્ તથા આનંદ ગુણવાળો આત્મા દરેકના અંત:કરણમાં રહેલો છે. મન અને આત્મામાં જેમ જેમ નિકટતા વધે છે, તેમતેમ મનુષ્ય વધુ સાત્વિક, વધુ ક્રિયાશીલ અને વધુ આનંદમગ્ન રહેવા લાગે છે. યોગીઓ બ્રહ્મની પ્રાપ્તિ માટે સાધના કરે છે. આ સાધનાનો કાર્યક્રમ એ હોય છે કે આત્માની પ્રેરણા અનુસાર મનની બધી ઈચ્છા અને કાર્યપ્રણાલી હોય. ભૌતિક પદાર્થોમાં જકડાયેલ, અસ્થિર અને હાનિકારક આકર્ષણો તરફથી મો ફેરવી જ્યારે આત્માની પ્રેરણા અનુસાર જીવનચક્ર ચાલવા લાગે છે ત્યારે મનુષ્ય સાધારણ મનુષ્ય ન રહેતાં મહાન બની જાય છે. આવા મહાપુરુષોનાં વિચાર અને કાર્ય સાત્ત્વિકતા, ચેતના અને આનંદદાયક સ્થિતિથી પરિપૂર્ણ હોય છે. એમને સંત, મહાત્મા, યોગી, તપસ્વી, પરમહંસ, સિદ્ધ આત્મદર્શી અથવા બ્રહ્મપરાયણ કહે છે. જેમનો બ્રહ્મભાવ આત્મવિકાસ, પૂર્ણ સાત્વિકતા સુધી વિકસિત થઈ ગયો હોય એમણે બ્રહ્મને પ્રાપ્ત કરી લીધો, એમને આત્મદર્શન થઈ ગયું એમ માનવું જોઈએ.
ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે. ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.
LikeLike