૩.(૨) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા
November 4, 2012 Leave a comment
વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન
હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.
(૨) ઈશ્વર : આ સમસ્ત વિશ્વના મૂળમાં એક શાસક, સંચાલક તેમજ પ્રેરક શક્તિ કામ કરે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, ઉપગ્રહ, નિરંતર પોતાની નિયત ગતિમાં અવિરત યાત્રા કરતા રહે છે. તત્ત્વોના સંમિશ્રણથી એક નિયત વ્યવસ્થા અનુસાર ત્રીજો પદાર્થ બની જાય છે. બીજ પોતાની જ જાતિના છોડ ઉત્પન્ન કરે છે. સૂર્ય એક પળનો પણ વિલંબ કર્યા વિના યોગ્ય સમયે ઊગે છે અને આથમે છે. સમુદ્રમાં ભરતી અને ઓટ નિયત સમયે જ આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ સૌની ક્રિયાઓ અચૂક થયા કરે છે. નાના નાના અદૃશ્ય પરમાણું અત્યંત તીવ્ર ગતિથી હલનચલન કરે છે, પરંતુ એમની આ ગતિમાં લેશમાત્ર પણ અંતર નથી પડતું. એક પરમાણુને બીજા પરમાણુ સાથે ટકરાવવાનાં રહસ્યને શોધીને વૈજ્ઞાનિકોએ પ્રલયકારી પરમાણુ બોંબ’ બનાવ્યો છે. જો એક સેકન્ડમાં હજારો માઈલની ગતિથી ધૂમનારા આ પરમાણુ એકમેક સાથે ટકરાઈ જાય તો રોજ પ્રલય થાય, પરંતુ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિનો પ્રત્યેક પરમાણુ પોતાના ગુણ પ્રમાણે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો છે.
જે સૃષ્ટિમાં નિયમિતતા ન હોત તો એક પણ વૈજ્ઞાનિક શોધ સફળ ન થાત. અગ્નિ ક્યારેક ગરમી આપે ક્યારેક ઠંડક, તો એના ભરોસે કોઈ કામ કેવી રીતે થાય? રોજ અનેક વૈજ્ઞાનિક શોધો થઈ રહી છે. એનો આધાર એ બાબત પર છે કે પ્રકૃતિની દૃશ્ય તેમજ અદૃશ્ય શક્તિઓ પોતાના નિયમોથી સહેજ પણ વિચલિત થતી નથી. એ સર્વમાન્ય અને સર્વવિદિત તથ્ય છે કે પ્રકૃતિની સમસ્ત ક્રિયાપ્રણાલી નિયમિત છે. એના મૂળભૂત નિયમોમાં ક્યારેય અંતર પડતું નથી.
આ નિયમિતતા અને ગતિશીલતાના મૂળમાં એક સત્તા અવશ્ય છે. વિચાર અને પ્રાણરહિત જડ પ્રકૃતિ પોતાની મેળે આ ક્રિયાકલાપ નથી ચલાવી શકતી. રેલવે, મોટર, એન્જિન, વિમાન, તલવાર, કલમ વગેરે જે પણ નિર્જીવ યંત્રો છે તેમને ચલાવનાર કોઈ સજીવ પ્રાણી અવશ્ય હોય છે. આ રીતે પ્રકૃતિની નિયમિતતાનું કોઈક ઉદ્દગમકેન્દ્ર પણ અવશ્ય છે. આ કેન્દ્રને આપણે ઈશ્વર કહીએ છીએ, ઈશ્વરનો અર્થ છે સ્વામી. જડ પ્રકૃતિના નિર્માણમાં, વ્યવસ્થા તેમજ સંચાલનમાં જે શક્તિ કામ કરે છે તે ઈશ્વર છે.
કેવળ જડ પ્રકૃતિનું જ નહિ, ચેતન જગતનું પણ એ પૂર્ણ રીતે નિયમન કરે છે. એણે પોતાના નિયમોથી પ્રાણી માત્રને બાંધી રાખ્યાં છે. જે એ ઈશ્વરના નિયમ અનુસાર ચાલે છે તે સુખી રહે છે અને જે એ નિયમોને તોડે છે એ દુઃખી થાય છે અને નુકસાન ભોગવે છે. સ્વાસ્થ્ય નિયમો પર ચાલનારા, સદાચારી, સંયમી તથા મિતાહારી લોકો સ્વસ્થ રહે છે અને સ્વાદલોલુપ, દુરાચારી તથા સ્વેચ્છાચારી લોકો બીમારી, કમજોરી તેમજ અકાળ મૃત્યુના શિકાર બને છે. આ રીતે સામાજિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક, ધાર્મિક, આર્થિક તથા રાજનૈતિક ક્ષેત્રોમાં કામ કરનારા ઈશ્વરીય નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે. તેઓ એ ક્ષેત્રોમાં સ્વસ્થતા, સમૃદ્ધિ તેમજ ઉન્નતિ પ્રાપ્ત કરે છે. જેઓ એ નિયમોથી ઊલટું કાર્ય કરે છે તેઓ દુષ્પરિણામ ભોગવે છે. પરાક્રમ, પુરુષાર્થ પ્રયત્ન, લગન, સાહસ, ઉત્સાહ તેમજ ધૈર્ય આ બધું સફળતાના માર્ગની ઈશ્વરીય કેડીઓ છે. એના પર જેઓ ચાલે છે તેઓ મનવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જેઓ આ રાજમાર્ગ પર નથી ચાલતા તેઓ પાછળ રહી જાય છે.
ઈશ્વર પૂર્ણ રૂપે નિષ્પક્ષ તથા ન્યાયકારી તથા નિયમરૂપ છે. એ કોઈને પણ રતીભાર છૂટછાટ આપતા નથી. જે જેવું કરે છે તેવું ભોગવે છે. અગ્નિ કે વીજળી પાસેથી નિયમાનુસાર જો કામ લેવામાં આવે તો તે આપણા માટે બહુ જ ઉપયોગી સિદ્ધ થાય છે, પરંતુ જો અગ્નિ કે વીજળીનો દુરુપયોગ કરવામાં આવે તો એ ભયંકર દુર્ઘટના ઊભી કરે છે. આ રીતે જે લોકો ઈશ્વરીય નિયમો અનુસાર કામ કરે છે, તેમના માટે ઈશ્વર વરદાતા, ત્રાતા, રક્ષક, સહાયક, કૃપાસિન્ધુ તથા ભક્તવત્સલ છે, પરંતુ જેઓ એના નિયમોમાં ગરબડ કરે છે, તેમના માટે એ યમ, કાળ, અગ્નિ, વજ તેમજ દુર્દેવ બની જાય છે. મનુષ્યને સ્વતંત્ર બુદ્ધિ આપીને ઈશ્વરે એને કામ કરવામાં સ્વતંત્ર અવશ્ય બનાવ્યો છે, પરંતુ નિયમન પોતાના જ હાથમાં રાખ્યું છે. એ જેવો હોય તેવું ફળ આપ્યા વગર છોડતો નથી. આગ અને લાકડાને એકઠાં કરવા કે ન કરવા એ આપણી ઇચ્છા પર આધારિત છે, પરંતુ એ બંનેને એકઠાં કર્યા પછી ઈશ્વરીય નિયમો પ્રમાણે જે જવલન કિયા થશે એને રોકવાનું આપણા વશમાં નથી. આ પ્રકારે શુભ-અશુભ કર્મ કરવાનું તો આપણા હાથમાં છે, પરંતુ એનાથી જે સારાં કે ખરાબ પરિણામો ઉત્પન્ન થશે તે ઈશ્વરની નિયામક શક્તિના હાથમાં છે.
જૈન અને બૌદ્ધ ધર્મો કર્મના ફળની અનિવાર્યતા સ્વીકારે છે. તેથી તેઓ ઈશ્વરને, બ્રહ્મની દ્વ્રિતીય સત્તાને માને છે. સત્કર્મ કરવું, પ્રકૃતિના કઠોર અને અપરિવર્તનશીલ નિયમોનું ધ્યાન રાખવું, પોતાના આચાર-વિચારને ઈશ્વરીય નિયમોની મર્યાદામાં રાખવા તે ઈશ્વરપૂજા છે. પોતાની યોગ્યતા અને શક્તિઓનો વિકાસ કરવો, બાહુબળને આધારે આગળ વધવું, પોતાના ભાગ્યનું નિર્માણ પોતે કરવું તે ઈશ્વરવાદીઓનો મુખ્ય સ્વભાવ હોય છે, કેમકે તેઓ જાણે છે કે સબળ અને જાગૃતને આગળ વધારવા અને નિર્બળ, આળસુ, અકુશળ અને અસાવધોનો નાશ કરવો એ પ્રકૃતિનો નિયમ છે. આ કઠોર નિયમમાં કોઈનાથી કોઈ પરિવર્તન થઈ શકતું નથી. ઈશ્વરવાદી આ નગ્ન સત્યને સારી રીતે જાણે છે, “ઈશ્વર એમને જ મદદ કરે છે, જે પોતાને મદદ કરે છે.” આ માટે તેઓ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી એના નિયમોનો લાભ મેળવવા માટે સદા શક્તિ સંચય કરવા તેમજ આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ આત્મનિર્ભર અને આત્માવલમ્બી હોય છે. પોતાના ભાગ્યનું પોતે જ નિર્માણ કરે છે. ઈશ્વરીય નિયમોને ધ્યાનપૂર્વક જુએ છે, પારખે છે અને હૃદયંગમ કરે છે તથા એની વર્જ જેવી કઠોરતા તેમજ અપરિવર્તનશીલતાનું ધ્યાન રાખીને પોતાના આચરણને ઔચિત્યની, ધર્મની સીમામાં રાખે છે.
પ્રતિભાવો