૩.(૪) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

૩. વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

વિરાટનાં ચાર સ્વરૂપ (૪) ભગવાન
બ્રહ્મની ચોથી શક્તિ ભગવાન છે. ભગવાન ભક્તોના વશમાં હોય છે. ભક્ત જેમ ચાહે તેમ તેમને નચાવે છે. ભક્ત જે રૂપમાં એમનું દર્શન કરવા ઇચ્છે એ જ રૂપમાં પ્રગટ થાય છે અને એમની પાસે જે યાચના કે કામના કરે છે તેને પૂરી કરે છે. ભગવાનની કૃપાથી ભક્તોને મોટા-મોટા લાભ થાય છે, પરંતુ એ વાત પણ યાદ રાખવાની છે કે તે કેવળ ભક્તોને જ લાભ આપે છે. જેમનામાં ભક્તિ નથી એમને ભગવાન પાસેથી કશો લાભ મળી શકતો નથી. અનેક દેવીદેવતા ભગવાનનું જ રૂપ છે. જે દેવતાના રૂપમાં ભગવાનનું ભજન કરવામાં આવે છે એ રૂપમાં એવા જ ફળ ઉપસ્થિત કરતાં ભગવાન પ્રગટ થાય છે.
ભગવાનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આત્માના સશક્ત ક્રિયારૂપને ભગવાન કહે છે. આત્મા અનંત શક્તિઓનો પૂંજ છે. એની જે શક્તિને પ્રદીપ્ત, પ્રચંડ તેમજ પ્રસ્ફુટિત બનાવાય એ શક્તિ એક બળવાન દેવતારૂપે પ્રગટ થાય છે અને કાર્ય કરે છે. કોઈ પાકા ગુંબજવાળા મકાનમાં અવાજ કરવાથી એ મકાન ગૂંજી ઊઠે છે. અવાજનો પ્રતિધ્વનિ ચારે બાજુ બોલવા લાગે છે. રબરના દડાને કોઈ દીવાલ ઉપર ફેંકવામાં આવે તો જેટલા જોરથી એને ફેંકવામાં આવ્યો હોય એટલાં જ જોરથી પાછો આવે છે. આ રીતે અંતરંગ શક્તિઓનું વિશ્વાસના આધારે જ્યારે એકીકરણ કરવામાં આવે છે ત્યારે એનાં આશ્ચર્યજનક પરિણામ ઉત્પન્ન થાય છે.


સૂર્યકિરણોને બહિર્ગોળ કાચ દ્વારા એક બિન્દુ પર એકત્ર કરવામાં આવે તો એટલી ગરમી ઉત્પન્ન થઈ જાય છે કે આગ પ્રગટે છે. માનસિક શક્તિઓને કોઈ ઇષ્ટદેવને કેન્દ્ર માની જે એકત્રિત કરવામાં આવે તો એક સૂક્ષ્મ સજીવ ચેતના ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધા નિર્મિત સજીવ ચેતના જ ભગવાન છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં“ભવાની શંકરો વદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી” શ્લોકમાં આ જ ભાવ પ્રગટ કર્યો છે. એમણે ભવાની તથા શંકરને શ્રદ્ધા-વિશ્વાસ દર્શાવ્યાં છે. શ્રદ્ધા સાક્ષાત્ ભવાની છે અને વિશ્વાસ મનુષ્યને મૃત્યુના મુખમાંથી બચાવી શકે છે અને જીવતા મનુષ્યને ક્ષણભરમાં રોગી બનાવીને મૃત્યુના મુખમાં પણ ધકેલી શકે છે. “શંકા ડાકણ મનસા ભૂત” કહેવત કોઈ મોટા અનુભવીએ પ્રચલિત કરી છે. ચિત્તમાં ઉત્પન્ન થયેલી શંકા ડાકણ બની જાય છે અને મનનો ભય ભૂતનું રૂપ ધારણ કરીને સામે આવીને ઊભો રહે છે. દોરડીને સાપ, ઝાડીને ભૂત, કડવા પાણીને ઝેર બનાવી દેવાની અને મૃત્યુનો ભય ઉત્પન્ન કરવાની શક્તિ વિશ્વાસમાં મોજૂદ છે. કેવળ ઘાતક જ નહિ, પરંતુ નિર્માણાત્મક શક્તિ પણ એમાં છે. કહે છે, “માનો તો દેવ નહિતર પથ્થર.” પથ્થરને દેવ બનાવનારો વિશ્વાસ છે. વિશ્વાસની શક્તિ અપાર છે. શાસ્ત્ર કહે છે “વિશ્વાસો ફલદાયક”


મંત્રશક્તિ અને દેવશક્તિ બીજું કશું નથી, આત્મશક્તિ કે ઇચ્છા શક્તિનું જ બીજું નામ છે. ધ્યાન, જપ, અનુષ્ઠાન વગેરેની યોગમય સાધનાઓ એક પ્રકારનો માનસિક વ્યાયામ છે. જેવી રીતે શારીરિક વ્યાયામ કરવાથી દેહ પુષ્ટ થાય છે અને નીરોગિતા, સુંદરતા, દીર્ઘાયુ, ભોગ, સુખ, સહનશક્તિ, ધનપ્રાપ્તિ અને કષ્ટસાધ્ય કામ પૂરાં કરવાની પ્રત્યક્ષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે માનસિક સાધનાઓ દ્વારા, આરાધના-ઉપાસના દ્વારા મનોબળ વધે છે અને એનાથી વિવિધ પ્રકારની અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. મંત્રશક્તિ, દેવશક્તિથી જે કામ પૂરાં થાય છે તે બીજા કશા દ્વારા પ્રાપ્ત નથી થતાં, પરંતુ પોતાના જ પુરુષાર્થ દ્વારા, પોતાની આત્મશક્તિઓ દ્વારા ઉપલબ્ધ થાય છે. સાધના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેના દ્વારા આત્મશક્તિઓ બળવાન બને છે અને ધારેલાં પરિણામ આપે છે.


ભક્ત, ભગવાનનો પિતા છે. પોતાની ભક્તિ દ્વારા તે પોતાના ભગવાનને ઉત્પન્ન કરે છે અને પુષ્ટ કરે છે. જે પોતાના ભગવાનને જેટલું ભક્તિનું, સાધનાનું દૂધ પિવડાવે છે એનો ભગવાન એટલો જ બળવાન બની જાય છે અને જેટલું એનામાં બળ હોય છે એટલાં જ મહત્ત્વપૂર્ણ પરિણામો ઉપસ્થિત થાય છે. પ્રહ્લાદનો ભગવાન એટલો બળવાન હતો કે થાંભલો ચીરીને નરસિંહ રૂપમાં બહાર આવ્યો અને હિરણ્યકશિપુનું પેટ ચીરી નાંખ્યું. નરસિંહ ભગતનો ભગવાન હૂંડી વરસાવી શકતો હતો, પરંતુ આપણા ભગવાનમાં એ બળ નથી. કોઈના ભગવાન સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં દર્શન આપી શકે છે. કોઈના ભગવાન ભવિષ્યનો કોઈ સંકેત કરી શકે છે. કોઈના ભગવાન વિપત્તિમાં સહાય કરે છે. તાત્પર્ય એ કે જેણે પોતાના ભગવાનને જે યોગ્યતા આપી હશે એ એવા વરદાન આપવા માટે, એવી સહાયતા કરવા માટે તૈયાર રહેશે.


વસ્તુત: મનોબળ જ ભગવાન છે. મનોબળ વધારવાની અનેક રીત છે. યોગસાધનાની ભારતીય રીત જ એકમાત્ર ઉપાય નથી. સંસારમાં એમાં અનેક સાધના અને ઉપાય છે. વિશ્વાસના આધારે મનોબળ વધે છે. ઘણી વ્યક્તિઓ યોગસાધના વિના પણ પોતાના સ્વાવલંબન, આત્મવિશ્વાસ, નિર્ણય, સાહસ, સત્સંગ તેમજ પરાક્રમ દ્વારા પોતાનું મનોબળ વધારે છે અને એ જ લાભ મેળવે છે, જે ભક્તોને ભગવાન આપે છે. અનેક અનીશ્વરવાદી વ્યક્તિઓ પણ મોટા મોટા સિદ્ધ થયા છે. રાક્ષસો દેવતાઓ કરતાં વધુ સાધનસંપન્ન હતા. અસુરોને મોટાં મોટાં અદ્ભુત વરદાન મળેલાં હતાં. આજે પણ વૈજ્ઞાનિકો મોટી મોટી અદ્ભુત શોધો કરી રહ્યા છે. વિદ્વાન વિદ્યાના અને ધનવાન ધનના ચમત્કાર દેખાડી રહ્યા છે. આ બધાના મૂળમાં એમની માનસિક વિલક્ષણ શક્તિઓ કામ કરી રહી છે. આ ભગવાનની જ કૃપા છે. ભગવાનને સુર-અસુર સૌ ભેદભાવ વિના પ્રસન્ન કરી શકે છે અને એમની કૃપા તેમજ વરદાન પ્રાપ્ત કરી શકે છે.


– બ્રહ્મની મૂળ સત્તા નિર્લેપ છે. એ નિયમ રૂપ છે. વ્યક્તિગત રૂપે એ કોઈ પર પ્રસન્ન કે અપ્રસન્ન થતી નથી. એના પર આરાધના, પૂજા કે નિંદાનો કોઈ પ્રભાવ પડતો નથી. અગ્નિદેવતાને ગાળ દેનાર કે તેમની પૂજા કરનારનો ભેદ પાડવાની કોઈ જરૂર નથી. જે કોઈ એમના નિયમોને અનુરૂપ ચાલશે તે લાભ ઉઠાવશે અને જે અવિચારીપણે અડશે તે અવશ્ય દાઝશે. આત્માનો, ઈશ્વરનો વિષ્ણુનો આ જ નિયમ છે, પરંતુ ભગવાનની લીલા વિચિત્ર છે. તે ભક્તવત્સલ છે. એમને જે જેવા ભાવે ભજે છે તેને તેઓ એ જ રીતે ભજવા લાગે છે. કીર્તન, કથા, જપ, તપ, પૂજાપાઠ, ધ્યાન, ભજન આ બધું ભગવાનની પ્રસન્નતા માટે જ છે. શ્રદ્ધા અને વિશ્વાસ ભગવત પ્રાપ્તિનાં મૂળ સાધન છે. જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો બધાં અનુષ્ઠાન નિષ્ફળ છે.
ભગવાન પાસેથી, આત્મબળ પાસેથી, આસ્તિક, નાસ્તિક બધા પોત-પોતાની રીતે લાભ મેળવે છે. સંસારના મહાપુરુષોનાં જીવન – ચરિત્રો વાંચતાં એમનાં અદ્ભુત કાર્યોનું જે વિવરણ મળે છે એનાથી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ અને વિચારીએ છીએ કે કોઈ દેવતાની કૃપાથી જ તેઓ આટલાં મોટાં કાર્યોને પૂરાં કરી શક્યા હશે. એ દેવતા ભગવાન છે, જેને મનોબળ પણ કહે છે. પ્રયત્નથી, સાધનાથી, વિશ્વાસથી, શ્રદ્ધાભક્તિથી મનોબળ વધે છે અને પછી એની સહાયતાથી મોટાં મોટાં મુશ્કેલ કાર્યો પૂરાં થઈ જાય છે. મેસ્મરીઝમ જાણનારા પોતાના અસાધારણ મનોબળથી મોટા મોટા ખેલ બતાવે છે. એ બળ જ્યારે વધી જાય છે ત્યારે જે દિશામાં મનુષ્ય ઇચ્છે તે મોરચે ફતેહ મેળવતો આગળ વધતો જાય છે. અનાયાસ, અણધાર્યા સુઅવસર પણ એને પ્રાપ્ત થાય છે. ધન જોઈને ધન, વૈભવ જોઈને વૈભવ અને સૌભાગ્ય જોઈને સૌભાગ્ય આપોઆપ અનાયાસ આવી મળે છે. આ અનાયાસ લાભમાં પણ “સબળની સહાયતા”નો ઈશ્વરીય નિયમ કામ કર્યા કરે છે.


ભગવાન કલ્પવૃક્ષ છે. એને જે જેવા ભાવથી ભજે છે એની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા શબ્દોમાં આમ કહી શકીએ કે મનતત્ત્વના જે ભાવને બળવાન બનાવી લઈએ તેનાથી એ દિશામાં પર્યાપ્ત સફળતાઓ મળે છે.


આ રીતે ચતુર્મુખી બ્રહ્મ (બ્રહ્મા) ની ક્રિયા પદ્ધતિ આ સૃષ્ટિમાં દૃષ્ટિગોચર થઈ રહી છે. ઉપનિષદોમાં એને ચાર વર્ણવાળા બ્રહ્મ પણ કહ્યા છે. સતાધાન આત્માને બ્રાહ્મણ, શાસનકર્તા સ્વામી ઈશ્વરને ક્ષત્રિય, લક્ષ્મીપતિ વિષ્ણુને વૈશ્ય તેમજ ભક્તના વેશમાં રહેલા, ભક્તની ઇચ્છા અનુસાર કાર્ય કરનારા ભગવાનને શૂદ્ર કહ્યા છે. આ વિચારભેદ એની શક્તિઓનું રૂપ સમજવા-સમજાવવા માટે આચાર્યોએ ઉપસ્થિત કર્યો છે. વસ્તુત: બ્રહ્મ એક જ છે. એની ચાર શક્તિઓના આધારે ચાર વેદ બન્યા છે, પરંતુ ખરેખર તો એની અનંત શક્તિઓ છે અને એ મનુષ્યની બુદ્ધિની પહોંચ બહાર છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: