૩.(૩) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

વિરાટનાં ચાર સ્વરૂપ (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન

હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમનાં ચાર મુખ દર્શાવવામાં આવ્યાં છે. આ પરમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુખ એમનાં ચાર રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (૨) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪) ભગવાન કહેવામાં આવે છે. આમ તો પરમાત્મા એક જ છે, પરંતુ એના દ્વારા ઉત્પન્ન વિશ્વ વ્યવસ્થાને સમજવા માટે એના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.

(૩) વિષ્ણુ
સંસારમાં એક સંતુલન શક્તિ પણ કામ કરી રહી છે, જે કોઈ વસ્તુની અતિવૃદ્ધિને રોકીને એને યથાસ્થાને લઈ આવે છે. સંસારની સુંદરતા અને વૈભવને એ કુરૂપતા અને વિનાશથી બચાવે છે. પ્રજનન શક્તિને જ લો. એક – એક જોડું કેટકેટલાં બાળકો પેદા કરે છે. જો આ વૃદ્ધિ પેઢી દર પેઢી આ જ ગતિથી ચાલતી રહે, તો થોડા જ દિવસોમાં આખી પૃથ્વી એટલી ભરાઈ જાય કે સંસારમાં પ્રાણીઓને ઊભા રહેવાની જગ્યા ન મળે. માછલી એક વરસમાં લગભગ સત્તર હજાર ઈંડા મૂકે છે. માખી, મચ્છર જેવાં જંતુઓ દર વર્ષે એક હજારથી માંડીને સાઈઠ હજાર સુધી ઈંડા મૂકે છે. તે ઈંડા એક-બે અઠવાડિયામાં જ પાકીને તેમાંથી બચ્ચાં બહાર આવી જાય છે અને પછી બે-ચાર અઠવાડિયા પછી એ પણ ઈંડા મૂકવા લાગે છે. એમની એક જ વરસમાં લગભગ આઠ પેઢી થઈ જાય છે. જો આ બધાં જીવતાં રહે તો પાંચ-દસ વરસમાં જ આખો સંસાર એમનામાંથી કોઈ પણ એક જાતિને રહેવા માટે ઓછો પડે. કીડી, ઊધઈ તીડ આદિ જંતુઓ પણ ખૂબ ઝડપથી વધે છે. સુવર, બકરી આદિ પણ ઝડપથી અધિક સંતાન વૃદ્ધિ કરે છે. એક જોડી સ્ત્રી-પુરુષ પણ સરેરાશ આઠ-દસ બાળકો પેદા કરે છે. આ અભિવૃદ્ધિને જો ન રોકવામાં આવે તો સંસારની સામે પાંચ-દસ વર્ષમાં જ બહુ મોટી સમસ્યા ઊભી થાય, પરંતુ લાખો કરોડો વર્ષ પ્રાણીઓને આ પૃથ્વી પર થઈ ગયાં, છતાં એવી પરિસ્થિતિ કદી ઉત્પન્ન થઈ નથી. સૃષ્ટિની સંતુલન શક્તિ એ વિષમતાને ઉત્પન્ન થતી રોકે છે. દુકાળ, ભૂકંપ, પ્લેગ, યુદ્ધ તથા કોઈને કોઈ દૈવી પ્રકોપ દ્વારા પ્રકૃતિ પ્રાણીઓની પ્રજનન શક્તિથી ઉત્પન્ન થનારા ભયનું નિરાકરણ કરતી રહે છે.


રાત્રિનો અંધકાર એક સીમા સુધી વધે છે એ પછી પ્રકૃતિ તેને રોકે છે અને પુનઃ દિવસનો પ્રકાશ લાવે છે. મધ્યાહ્ન સુધી સૂર્યનું તેજ વધે છે, પછી ઘટવા લાગે છે. સમુદ્ધમાં ભરતી આવે છે, પછી થોડા સમયે એની વિરોધી એવી ઓટ આવે છે. ચંદ્રમા ઘટતો ઘટતો ક્ષીણ થાય છે, પછી વધવા લાગે છે. ગરમી પછી ટાઢ અને ટાઢ પછી ગરમીની ઋતુ આવે છે. મરનાર જન્મે છે અને જન્મનાર મૃત્યુની તૈયારી કરે છે. સૃષ્ટિના સૌંદર્યનો ક્રમ યથાવત ચાલે છે. એનું સંતુલન કાયમી રહે છે, બગડવા પામતું નથી.
પુરાણોમાં એવા વર્ણન આવે છે કે દેવતાઓને જ્યારે અસુરો હેરાન કરે છે ત્યારે તેઓ એકઠા થઈને વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે અમારી રક્ષા કરો. ઘણાં પુરાણોમાં એવી કથાઓ મળે છે કે પૃથ્વી પર જ્યારે અધર્મ વધી ગયો ત્યારે ધરતીમાતા ગાયનું રૂપ લઈને વિષ્ણુ ભગવાન પાસે ગઈ અને પ્રાર્થના કરી કે હવે મારાથી પાપનો ભાર સહન થતો નથી. મારો ઉદ્ધાર કરો. દેવતાઓની રક્ષા કરવા તથા પૃથ્વીનો ભાર ઉતારવા માટે વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરે છે. ગીતામાં આવી જ પ્રતિજ્ઞા છે. (યદા યદા હિ ધર્મસ્ય. તદાત્માનમ્ સૃજામ્યહમ્) બૂરાઈમાં એ ગુણ છે કે ઝડપથી વધે છે. પાણી ઉપરથી નીચે તરફ ઝડપથી સ્વયં વહે છે, પરંતુ એને નીચેથી ઉપર ચઢાવવું હોય તો બહુ પ્રયત્ન કરવો પડશે. પથ્થરને ઉપરથી નીચે તરફ ફેંકો તો ઝડપથી નીચે પડશે અને જે વચ્ચે કોઈ રોકનાર વસ્તુ ન આવે તો સેંકડો માઈલ નીચે પડતો રહેશે, પરંતુ જો આ પથ્થરને ઉપર ફેંકો તો ખૂબ જોર કરીને ફેંકવો પડશે. એ પણ થોડીક ઊંચાઈ સુધી જશે અને ફરી નીચે પડશે. આ રીતે બૂરાઈના રસ્તા પર – પતન તરફ મન ઝડપથી ગતિ કરે છે, પરંતુ ભલાઈ તરફ માંડમાંડ જાય છે. લોકોનો મોહ પાપ તરફ વધુ હોવાને કારણે થોડા જ સમયમાં પાપ છવાઈ જાય છે અને ફરી એને દૂર કરવા માટે, સંતુલન બરાબર કરવા માટે આ વિષ્ણુ શક્તિને કોઈને કોઈ રૂપમાં પ્રગટ થવું પડે છે. આ પ્રાગટ્યને “અવતાર’ કહે છે.


શરીરમાં રોગોના વિજાતીય વિષયુક્ત પરમાણુ એકઠા થવાથી રક્તની જીવનશક્તિ ઉત્તેજિત થાય છે અને એ વિષયુક્ત પરમાણુ ઓને મારી હઠાવવા યુદ્ધ આરંભી દે છે. રક્તના શ્વેતકણો અને રોગનાં કીટાણુઓ વચ્ચે ભારે મારફાડ થાય છે, ખૂન ખરાબી થાય છે. આ સંઘર્ષને બીમારી કહે છે. બીમારીનાં લક્ષણો પીડા, ફોલ્લા, પરુ, પરસેવો, ઝાડા, ઊલટી, બળતરા આદિ હોય છે. યુદ્ધમાં વાગે છે, પીડા થાય છે, એ જ બીમારીની પીડા છે, ખૂનખરાબી થાય છે. આ જ પરુ, ઝાડા આદિ છે. બીમારીનો હેતુ શરીરને નિર્દોષ બનાવવાનો છે. અવતાર શક્તિનું આ જ કાર્ય હોય છે. જ્યારે રાવણ, કંસ, હિરણ્યકશિપુ જેવા કુવિચારના પ્રતિનિધિઓ વધી જાય ત્યારે પાપોની પ્રતિક્રિયા સ્વરૂપ અંતરિક્ષ લોકમાં હલચલ મચે છે અને આ વિષમતા દૂર કરવા માટે અવતાર પ્રગટ થાય છે. જ્યારે ગ્રીષ્મઋતુનો તાપ અસહ્ય બની જાય છે ત્યારે એને શાંત કરવા માટે મેઘમાલા ગર્જતી ચાલી આવે છે: પાપોની અતિવૃદ્ધિનું નિયમન કરવા માટે વૈષ્ણવી સત્તા અવતાર ધારણ કરીને પ્રકટ થાય છે અને ભીષણ સંઘર્ષ થયા પછી શાંતિ થાય છે. “પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્” અવતારનો આ ઉદેશ્ય હોય છે. ધર્મની સ્થાપના માટે તે વારંવાર પ્રગટ થાય છે.


અવતાર સમષ્ટિ આત્માનું, પરમાત્માનું પ્રતીક છે. બધા આત્માઓની એક સંમિલિત સત્તા છે, જેને ‘વિશ્વમાનવ” અથવા સમાજનો સંમિલિત આત્મા કહે છે. આ પરમાત્મા છે. એક મનુષ્ય એમ ઇચ્છે છે કે હું સુખપૂર્વક રહું મારી સાથે સૌ પ્રેમ, ભલાઈ તેમજ સહકારપૂર્ણ વ્યવહાર કરે. કોઈ એમ નથી ઇચ્છતું કે મારી સાથે ચોરી, હિંસા, છેતરપિંડી, કઠોરતા, અન્યાય કરવામાં આવે. આ ઇચ્છા ‘વિશ્વમાનવ’ ની, આત્મા અથવા પરમાત્માની છે. પરમાત્માની, વિશ્વમાનવની ઇચ્છાને જ ધર્મ કહે છે. અવતાર ધર્મની રક્ષા માટે હોય છે. અધર્મ અર્થાત્ વિશ્વમાનવની ઇચ્છાઓથી પ્રતિકૂળ કાર્યો જ્યારે સંસારમાં વધી જાય છે ત્યારે એમને દૂર કરવા માટે વિશ્વમાનવના અંતઃસ્તલમાં પ્રતિક્રિયા થાય છે અને વિરોધનું તોફાન ઊઠે છે. આ ઉછાળાને અવતાર કહેવામાં આવે છે.


અવતાર એક અદૃશ્ય પ્રેરણા છે. સૂક્ષ્મ વાતાવરણમાં પરમાત્માની ઇચ્છાનો આવેશ ભરાઈ જાય છે. જેમ આકાશમાં આંધી છવાયેલી હોય અને એ જ સમયે પાણી વરસે તો વર્ષાની બુંદોમાં એ આંધીની ધૂળ ભળી જાય છે. વસંતની ઋતુમાં પ્રકૃતિના સૂક્ષ્મ અંતરાલમાં “કામક્ષોભ” નો આવેશ આવે છે. આ દિવસોમાં બધાં નર-નારીઓમાં, જીવજંતુઓમાં કામેચ્છા જાગે છે. ભય, ક્રોધ, હિંસા, સાંપ્રદાયિક રાજનૈતિક તણાવ, ઘૃણા તથા સત્કર્મોની પણ એક લહેર આવે છે. જેવું વાતાવરણ બને તેવું જ કામ મોટી સંખ્યામાં થવા લાગે છે. આ જ રીતે વિશ્વમાનવ પરમાત્માની ઇચ્છા પૂર્ણ કરવા માટે સૂક્ષ્મલોકમાં, અદૃશ્ય વાતાવરણમાં આવેશ આવે છે. આ આવેશથી પ્રેરિત થઈને કેટલાક વિશિષ્ટ પુણ્યાત્મા, જીવનયુક્ત મહાપુરુષ સંસારમાં આવે છે અને પરમાત્માની ઇચ્છા પૂરી કરે છે. એક સમયમાં અનેક અવતાર થાય છે. કોઈમાં ઓછી તો કોઈમાં વધુ શક્તિ હોય છે. આ શક્તિનું માપ લેવાનું ધોરણ “કળા” છે. જેમ વીજળી માપવા માટે ‘યુનિટ, ગરમી માપવા માટે “ડિગ્રી, લંબાઈ માપવા માટે “ઈચ તથા અંતર માપવા માટે “માઈલ હોય છે, એ જ રીતે કોઈ વ્યક્તિમાં કેટલો અવતારી અંશ છે એનું માપ “કળા’ ના ધોરણથી થાય છે. ત્રેતામાં પરશુરામજી અને શ્રીરામચંદ્રજી એક જ સમયમાં બે અવતાર થયા હતા. પરશુરામજીને ત્રણ કળાના અને રામચંદ્રજીને બાર કળાના અવતાર કહેવામાં આવે છે. આ તો એ સમયના વિશિષ્ટ અવતાર હતા. આમતો અવતારનો આવેશ તો અનેકમાં હતો. વાનરોની મોટી સેનાને તથા અનેક અન્ય વ્યક્તિઓને અવતાર જેવું કાર્ય કરતી જોઈ શકાય છે.
આ રીતે સમય સમય પર, યુગે યુગે આવશ્યકતા પ્રમાણે અવતાર થાય છે. મોટાં કાર્યો માટે મોટા અને નાનાં કાર્યો માટે નાના અવતાર થાય છે. સૃષ્ટિને સંતુલિત કરનારી વિષ્ણુશક્તિ આમ તો હંમેશાં પોતાની ક્રિયા ચાલુ રાખે છે, પણ મોટો રોગ થાય ત્યારે મોટો ડૉક્ટર મોકલે છે. એ મોટા ડૉક્ટરને એનાં મહાન કાર્યોને અનુરૂપ યશ તેમજ સન્માન પ્રાપ્ત થાય છે. અવતારી મહાપુરુષોની પૂજી ખરેખર તો વિષ્ણુ શક્તિની પૂજા છે, જેના તેઓ પ્રતીક હોય છે.


લક્ષ્મીપતિ વિષ્ણુ સૃષ્ટિની સુંદરતાની, સંપન્નતાની, સદ્દબુદ્ધિની અને સાત્ત્વિકતાની રક્ષા કરે છે. લક્ષ્મીજીના ચાર હાથ, સુંદરતા, સંપન્નતા, સદ્બુદ્ધિ અને સાત્વિકતાના પ્રતીક છે. સમસ્ત પ્રાણીઓનો સંમિલિત – આત્મા લક્ષ્મી છે. આ લક્ષ્મી વિષ્ણુનું અડધું અંગ છે. તે પરમાત્માના આત્મામાં સમાયેલી છે, સંસારનું નિયમન કરે છે, સાથે સાથે લક્ષ્મીની – વિશ્વમાનવની ઇચ્છાની રક્ષા પણ કરે છે. લક્ષ્મી વિષ્ણુથી અભિન્ન છે.


વિષ્ણુના ઉપાસક – વૈષ્ણવ તે છે, જે વિશ્વમાનવની ઇચ્છાઓને અનુકૂળ કાર્ય કરવામાં પોતાની શક્તિ વાપરે છે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન છે, “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સમાજના લાભ, સંસારની સેવા, વિશ્વની શ્રીવૃદ્ધિ, વિશ્વમાનવનાં સુખશાંતિ માટે સાચા અંત:કરણથી હંમેશાં પ્રવૃત્ત રહેનાર મનુષ્ય અસલી વૈષ્ણવ છે. વિષ્ણુની ઇચ્છા એ જ વૈષ્ણવોની ઇચ્છા અને વિષ્ણુની કાર્યપ્રણાલિ એ જ એમની કાર્યપ્રણાલિ હોય છે. તેઓ પાપ ઘટાડીને ધર્મની સ્થાપના માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે. જનતા જનાર્દનને વિષ્ણુરૂપ સમજીને લોકસેવામાં અર્થાત્ વિષ્ણુ પૂજમાં પ્રવૃત્ત રહે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૩.(૩) બ્રહ્મ ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા

  1. iastphonetic says:

    One sound and multi symbols! ( k ક ಕ क கே ک ক 卡)
    One H2O multi names !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: