માનવ જીવનનું અનુપમ સૌભાગ્ય
April 10, 2013 Leave a comment
માનવ જીવનનું અનુપમ સૌભાગ્ય
માનવ જીવન ભગવાને આપેલી સર્વોત્તમ વિભૂતિ છે. તેનાથી મોટું બીજું કોઈ હોઈ જ નથી શકતું. સૃષ્ટિનાં સમસ્ત પ્રાણીઓને જેવા શરીર મળ્યાં છે. જેવાં સુવિધા સાધન મળ્યાં છે, તેની સરખામણીમાં મનુષ્યની સ્થિતિ અનેકગણી શ્રેષ્ઠ છે. બીજા જીવોનો બધો સમય અને શ્રમ ફક્ત શરીરના રક્ષણમાં લાગી જાય છે. તેમ છતાં તેઓ સારી રીતે એ સમસ્યાને હલ કરી શકતા નથી. તેનાથી ઊલટું, મનુષ્યને એવું અદ્દભૂત શરીર મળ્યું છે, જેની પ્રત્યેક ઈન્દ્રિય આનંદ અને ઉલ્લાસથી ભરપૂર છે. તેને એવું મન મળ્યું છે કે તે ડગલે ને પગલે હર્ષોલ્લાસનો લાભ લઈ શકે છે. તેને એવી બુદ્ધિ મળી છે જે સાધારણ પદાર્થોથી પોતાના સુખ-સુવિધાનાં સાધનોનું નિર્માણ કરી શકે છે. માનવ પ્રાણીને જેવો પરિવાર, સમાજ, સાહિત્ય તથા સુખ-સુવિધાઓથી ભરપૂર વાતાવરણ મળ્યું છે, તેવું બીજા કોઈ જીવનને મળ્યું નથી.
આટલું મોટું સૌભાગ્ય તેને અકારણ જ નથી મળ્યું. ભગવાનની ઇચ્છા છે કે મનુષ્ય તેમની આ સૃષ્ટિને વધારે સુંદર, વધારે સુખી, વધારે સમૃદ્ધ અને સમુન્નત બનાવવામાં તેમની મદદ કરે. પોતાની બુદ્ધિ, ક્ષમતા અને વિશેષતાથી બીજા પછાત જીવોની સુવિધાનું સર્જન કરે અને પરસ્પર એવા પ્રકારનો સદ્વ્યવહાર કરે, જેનાથી આ સંસારમાં સર્વત્ર સ્વર્ગીય વાતાવરણ દેખાવા લાગે. -અખંડ જ્યોતિ, મે – ૧૯૬૭, પૃ. ૧
પ્રતિભાવો