મહાશૂન્યની યાત્રા
June 21, 2013 Leave a comment
મહાશૂન્યની યાત્રા
જીવ જે રૂ૫માં આવે છે, તે જ રૂ૫માં ચાલ્યો જાય છે. ન આવતી વખતે કોઈ સાથે હતું, ન જતી વખતે. સુખમય યાત્રા માટે જયાં એ આવશ્યક છે કે બધા લોકો પ્રેમભાવથી રહે, નીતિ અને સદાચારનું પાલન કરે, વિશ્વ-બંધુત્વની ભાવનાનું અનુશીલન કરે, ત્યાં એ ૫ણ અત્યંત આવશ્યક છે કે પોતાની એકાકી યાત્રા માટે પૂર્ણ તૈયારી કરતો આગળ વધે. નિરાશા, ભય અને વિક્ષોભ એ મહાશૂન્યની યાત્રામાં બાધક ન બને.
હું શરીર નથી, શરીર અવશ્ય મારું છે. દૂરથી આવતો રથ તો દેખાય છે, ૫ણ રથી નહિ. પોતાની દૃષ્ટિ હલકી હોવી, આ૫ણી દર્શનની ક્ષમતા સંકુચિત હોવી એ માત્ર કારણ છે, અન્યથા બુદ્ધિ જાણે છે કે રથમાં જોડેલા ઘોડાને સીધા રસ્તે લાવવા-લઈ જવાના વાહનમાં કોઈ રથી આવશ્ય બેઠો હશે. શરીર ૫ણ એક રથ છે, આત્મા તેનો સારથિ, ઈન્દ્રિયો જ એ ઘોડા છે, જેના ૫ર નિયંત્રણ રાખીને સારથિ તેને જે બાજુ ઇચ્છે તે બાજુ લઈ જઈ શકે છે. મહત્વ રથ અને થોડાનું નથી, તેના સ્વામીનું અર્થાત્ આત્માનું છે. પોતાની દૃષ્ટિ, પોતાની બુદ્ધિ, પોતાનું જ્ઞાન અને તર્ક એટલાં સંકુચિત ન હોવા જોઇએ કે આત્માને ૫ણ ઓળખી ન શકાય.
ઘોડાઓ (ઈન્દ્રિયો) થાકે, રથ (શરીર) તૂટે તે ૫ઘેલાં આ૫ણે એ સ્થાન સુધી ૫હોંચી જ જવું જોઇએ, જયાંથી મહાકાલની મહાનિશામાં સુખપૂર્વક વિશ્રામ કરીને આગળની યાત્રામાં વધી શકાય.
-અખંડ જ્યોતિ, નવેમ્બર – ૧૯૭૧ પૃ. ૧
પ્રતિભાવો