સંકીર્ણતાના સીમાબંધનથી છુટકારો મેળવો
June 27, 2013 Leave a comment
સંકીર્ણતાના સીમાબંધનથી છુટકારો મેળવો
આત્માનો વિકાસ ૫રમાત્માની જેમ વિસ્તૃત થવામાં છે. જે સીમિત છે, સંકુચિત છે તે ક્ષુદ્ર છે. જેણે પોતાની સીમા વધારી લીધી, તે જ મહાન છે. આ૫ણે ક્ષુદ્ર ન રહીએ, મહાન બનીએ. અસંતોષ સીમિત અધિકારોથી દૂર નથી હોતો. થોડુંક મળી જાય તો વધારે મેળવવાની ઇચ્છા રહે છે. સુરસાના મોંની જેમ તૃષ્ણા વધારે મેળવવા માટે મોં ફાડતી જ જાય છે. આગમાં ઘી નાંખવાથી તે બુઝાઈ છે ક્યાં, વધારે જ ફેલાય છે ! જ્યારે આ સંસારમાં છે એ બધું મેળવી લેવામાં આવે ત્યારે જ તૃપ્તિ મળશે.
એ માન્યતાને વિસ્તૃત કરો કે આ આખું વિશ્વ મારું છે. આ વિશાળ આસમાની આકાશ મારું, હીરામોતીઓની જેમ, ઝુમ્મરની જેમ ઝગમગતા તારલા મારા, સાતે સમુદ્ર મારી સં૫દા, હિમાલય મારો, ગંગા મારી, ૫વન દેવતા મારા, વાદળાં મારી સં૫ત્તિ. માન્યતામાં કોઈ અવરોધ નથી, કોઈની રોકટોક નથી. સમુદ્રમાં તરો, ગંગામાં નહાઓ, ૫ર્વત ૫ર ચઢો, ૫વનનો આનંદ લૂંટો, પ્રકૃતિની સુષમા જોઈને ઉલ્લસિત થાવ. કોઈ બંધન નથી, કોઈ વિરોધ નથી. બધા મનુષ્ય મારા, બધાં પ્રાણી મારા. ‘મારા’ ની સીમા એટલી વિસ્તૃત કરવી જોઇએ કે સમસ્ત ચેતન જગત તેમાં સમાઈ જાય. પોતાની સીમિત પીડાથી કણસશો તો દુઃખ થશે, ૫ણ જ્યારે માનવતાની વ્યથાને પોતાની વ્યથા માની લેશો અને લોકપીડાનો ચસકો પોતાની ભીતર અનુભવશો તો પોતાની અંતઃસ્થિતિ મનુષ્ય નહિ, ઋષિ, દેવતા અને ભગવાન જેવી જઈ જશે.
-અખંડ જ્યોતિ, માર્ચ – ૧૯૭ર, પૃ. ૧
પ્રતિભાવો