૬૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૪૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
September 13, 2013 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૪૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઈશાવાસ્યમિદં સર્વમ્ યત્કિંચ જગત્યાં જગત | તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ્ ॥ (યજુર્વેદ ૪૦/૧)
ભાવાર્થ : આ સંસારમાં સર્વત્ર પરમાત્માની સત્તા સમાયેલી છે. એવું માનીને જે બીજાઓના ધનને છીનવી લેતો નથી તેવો ધર્માત્મા પુરુષ આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
સંદેશ : આ સમગ્ર સંસાર ઈશ્વરથી ભરેલો છે. પરમાત્મા દરેક જગ્યાએ કણેકણમાં સમાયેલો છે. બધાં જીવજંતુઓ તેની શક્તિ દ્વારા ગતિશીલ રહે છે. સંસારના તમામ ભોગવવાલાયક પદાર્થો, ધનધાન્ય તેની કૃપાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ એ આપણું દુર્ભાગ્ય છે કે મનુષ્ય આ વાસ્તવિકતાને સમજી શકતો જ નથી. સંસારમાં જે કંઈ છે તે બધું મારું જ છે, તેના ઉપર મારો જ અધિકાર છે એવું માનીને તે તેનો ઉપભોગ કરવામાં ડૂબેલો રહે છે. એ વાત સત્ય છે કે ભગવાને મનુષ્ય માટે જ આ બધી વસ્તુઓ પેદા કરી છે, પરંતુ સાથેસાથે એવો પણ નિર્દેશ કર્યો છે કે ભોગોને ત્યાગપૂર્વક ભોગવે. માત્ર પોતાની જરૂરિયાત જેટલું જ પોતાને માટે રાખો, બાકીનાનો બીજાં પ્રાણીઓ માટે ત્યાગ કરો. એમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે.
‘કસ્ય સ્વિત્ ધનમ્’ આ ધન કોનું છે ? આપણે આ મૂળભૂત સવાલને જ ભૂલી જઈએ છીએ. આ તમામ પ્રકારનો વૈભવ, મકાનો, બંગલા, જમીન, ખેતરો, બાગબગીચા બીજા કોઈનાંયે નથી, પરંતુ એનો માલિક માત્ર એક જ છે કે જે પ્રજાનું પાલનપોષણ કરે છે. આ બધું સમાજનું, રાષ્ટ્રનું અને ઈશ્વરનું જ છે. તે અનંતકાળથી ઈશ્વરનું હતું, આજે પણ ઈશ્વરનું જ છે અને સદાને માટે ઈશ્વર જ તેનો માલિક રહેશે. આપણે તો થોડાક સમય માટે જ આ માનવયોનિમાં જન્મ ધારણ કરીને અહીંઆવ્યા છીએ અને સાંસારિક સુખો ભોગવીને આપણાં કર્મો પ્રમાણે આગળની
યાત્રા માટે ચાલ્યા જવાના છીએ. આ બધું આપણી સાથે આવ્યું ન હતું અને ભવિષ્યમાં પણ આવવાનું નથી, તો પછી લોભ અને લાલચની વૃત્તિ શા માટે ? બીજાઓનું ધન હડપ કરી જવાની યોજનાઓ શા માટે બનાવવામાં આવે છે ? સંસારની તમામ દોલત પર આપણો અધિકાર સ્થાપી દેવાની લાલચ શા માટે રાખવામાં આવે છે ? આ બધા સવાલોનો માત્ર એક જ જવાબ છે કે આપણે ‘આ બધું જ ધન મારું છે’ તેવું માનીએ છીએ. આપણે ખોટા ભ્રમની માયાજાળમાં છીએ. તેનો માલિક પરમપિતા પરમેશ્વર છે તે બાબતને આપણે ભૂલી જઈએ છીએ. હકીકતમાં તો એ ધનનો મર્યાદિત ઉપયોગ કરવાનો જ અધિકાર આપણને પ્રાપ્ત થયો છે.
એનો અર્થ એવો નથી કે મનુષ્ય ધન કમાવાનો પ્રયાસ જ ન કરવો. વેદ તો એ વાતનું સમર્થન કરે છે કે મનુષ્યે સખત તપ, શ્રમ અને પુરુષાર્થ કરીને ધન કમાવું જોઈએ, પરંતુ સાથે એ બાબતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે આ બધું જ ધન પરમપિતા પરમેશ્વરનુંછે અને તેણે જ આપણને આપ્યું છે. તેમાંથી બ્રાહ્મણને યોગ્ય જરૂરિયાતો પૂરી કર્યા પછી જે ધન વધેતે ધન સમાજના કલ્યાણ માટે વાપરી દેવું જોઈએ અર્થાત્ આપણને મળેલા ધનનો ત્યાગપૂર્વક ભોગ કરવો જોઈએ. સૌથી પહેલાં ત્યાગની વાત વિચારો, બીજાઓની ભલાઈની વાત વિચારો અને તેના પછી જ પોતાના ઉપભોગની વાત વિચારો. આપણે સાવ ઊંધું જ કરીએ છીએ. જે કંઈ છે તેને એકલા જ ભોગવવા માટેની યોજનાઓ બનાવતા રહીએ છીએ, બીજાનો વિચાર પણ આવતો નથી. આસંસારની બધી આપત્તિઓનું મૂળ કારણ આ જ છે. જેવ્યક્તિ આ હકીક્તને સમજી લે છે તેના માટે મોહ અને માયાનાં બંધન આપોઆપ જ તૂટી જાય છે. ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની વિશાળ ભાવનાથી તે બધાં પ્રાણીઓમાં પોતાના જ આત્માનું દર્શન કરે છે.આવા લોકો બીજાઓના સુખ તથા ભલાઈનો સૌથી પહેલાં ખ્યાલ રાખે છે.
ધનના આ સ્વરૂપને સારી રીતે સમજી લેવાથી જ માનવજીવન સુખી અને શાંતિપૂર્ણ બની શકે છે.
પ્રતિભાવો