૬૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
September 15, 2013 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અગ્ના રિયમશ્નવત પોષમેવ દિવેદિવે । યશસં વીરવત્તમમ્ II (ઋગ્વેદ ૧/૧/૩)
ભાવાર્થ : આપણે ઈશ્વરે બનાવેલા નિયમો અનુસાર જ ધન કમાઈએ. બેઈમાનીપૂર્વક ધન કમાવાથી દૂર રહેવું જોઈએ. અયોગ્ય રીતે કમાયેલું ધન આપણે ન રાખીએ. ધર્મયુક્ત રીતે ધન કમાઓ અને ધર્મનાં કાર્યોમાં તેને વાપરો.
સંદેશ : વેદમાં મનુષ્યને લોભથી મુક્ત રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ લોભ છે શું ? લોભ એને કહેવામાં આવે છે કે મનુષ્ય પ્રચુર ધન કમાઈ લીધા પછી પણ સંતુષ્ટ થતો નથી. લોભનાં અનેક રૂપ છે. પોતાની તંદુરસ્તીનો સર્વનાશ કરીને ધન- પ્રાપ્તિમાં જ લાગેલા રહેવું એ પણ એક પ્રકા૨નો લોભ છે. કપટ કરીને, ચોરી કે ઘૂસણખોરી કરીને કે પછી કરચોરી કરીને અથવા ભ્રષ્ટાચાર વગેરે દ્વારા જે ધન કમાવામાં આવે છે તે પણ એક પ્રકારનો લોભ જ છે. દહેજપ્રથા પણ લોભનું જ એક રૂપ છે. ધન મેળવવાના આ બધા જ કીમિયા બેઈમાનીથી ખદબદે છે અને તે આપણા આત્માને પણ કલંકિત કરી દે છે. મનુષ્ય લોભ અને લાલચમાં પડીને પાપકર્મો દ્વારા જે ધન કમાય છે તે બધી જ રીતે નિંદનીય છે.
આ સંસારમાં સર્વત્ર ધનની જ બોલબાલા છે. જીવનમાં પ્રત્યેક કાર્ય કરવા માટે ધન જરૂરી છે. કોઈ નાનું કામ હોય કે પછી મોટું હોય, ધર્મ હોય કે પછી રાજનીતિ, સાધના હોય કે વ્રત કે અનુષ્ઠાન, બધાને માટે કે ધનની જરૂર પડે છે. એટલા માટે વેદોએ ધનના સંગ્રહને પણ એક જરૂરી કર્તવ્ય ગણ્યું છે અને માનવીની શક્ય એટલા વધુ પુરુષાર્થથી વધારે ને વધારે ધન કમાવવાની વૃત્તિને બિરદાવી પણ છે. તેના દ્વારા મનુષ્યને ઐશ્વર્ય તથા ધનવૃદ્ધિનું વરદાન પણ પ્રાપ્ત થાય છે. ધનની વૃદ્ધિ તથા એની સુવ્યવસ્થા માટે જ્ઞાન અને કૌશલ્ય હોવાં જરૂરી છે. જ્ઞાન દ્વારા માર્ગદર્શન કે પ્રેરણા મળે છે તથા કૌશલ્ય દ્વારા ધનની વૃદ્ધિ થતી રહે છે. કોઈ વિશિષ્ટ કાર્ય માટેની અનુભવયુક્ત હોશિયારીને કૌશલ્ય કહેવામાં આવે છે. આ કુશળતા જ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બનાવે છે. મનુષ્યના જીવનમાં સૌથી પહેલું સ્થાન ઈશ્વરનું છે, તેના પછી ચારિત્ર્યનું અને ત્યારબાદ ધનનું સ્થાન છે.
પરંતુ મનુષ્ય ધનથી ક્યારેય તૃપ્ત થતો નથી. તેની આવી તૃષ્ણાને લોભ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ મોટો વિકાર છે. લોભ મનુષ્યની સર્બુદ્ધિને અજ્ઞાનરૂપી અંધકારથી ઢાંકી દે છે અને તેની બુદ્ધિ જ્યારે અજ્ઞાનના આવરણથી ઢંકાઈ જાય છે ત્યારે તે અમાનવીય કર્મો કરવા લાગે છે. એવાં કર્મો કરતાં તેને સહેજ પણ શરમનો અનુભવ થતો નથી. નિર્લજ્જ બનીને તે પોતાના ધર્મને પણ નુકસાન પહોંચાડે છે. આવો મનુષ્ય પોતાનું ધન, ધર્મ અને સુખ ત્રણેયને નષ્ટ કરી નાંખે છે. લોભ અને લાંચ જેવાં અયોગ્ય કર્મો દ્વારા અનીતિપૂર્વક કમાયેલું ધન મનને અશાંત અને બેચેન બનાવી દે છે અને ખરાબ કાર્યોમાં જ તે ધનનો નાશ થઈ જાય છે. આવું ઘર કે કુટુંબ પણ ખરાબ કાર્યો કરીને બરબાદ થઈ જાય છે તથા મનુષ્યનું નૈતિક અધઃપતન થાય છે.
એટલા માટે જ વેદો દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે મનુષ્ય ધર્મ અનુસાર આચરણ કરીને જ પ્રબળ પુરુષાર્થ દ્વારા વધારે ને વધારે ધન કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું ધન જ પવિત્ર હોય છે. તેના દ્વારા મનુષ્યને સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રાપ્ત કરેલા ધનને મનુષ્ય સમાજના કલ્યાણ માટે વાપરી તેનો આનંદ પ્રાપ્ત કરે છે. આવા ધનથી દરેકનું કલ્યાણ થતું જોઈને તે મનોમન પ્રફુલ્લિત થઈ જાય છે. તે પવિત્ર ધન લોકોમાં સાત્ત્વિકતાનો વિકાસ કરે છે અને બધાને સત્ય આચરણ કરવાની પ્રેરણા આપે છે.
ઈમાનદારીની કમાણી જ શુભ ફળ આપે છે.
પ્રતિભાવો