આત્મવિશ્વાસ વધારવા માટે આ૫ણે શું કરવું જોઈએ ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૦૬
February 5, 2014 Leave a comment
આત્મવિશ્વાસ વધારવા માટે આ૫ણે શું કરવું જોઈએ ?
આજની સમસ્યાનું સમાધાન :
આત્મવિશ્વાસ વધારવા માટે જવાબદારી સ્વીકારીને તેને પૂર્ણ કરવા માટે નિષ્ઠા પૂર્વક પ્રબળ પ્રયત્નો કરવા જોઈએ. તે માટે સંપૂર્ણ લગન અને શ્રમ પૂર્વક કાર્ય કરીને તેને સફળ બનાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. શરૂઆતમાં નાની નાની જવાબદારીઓ પૂરી કરવાથી માણસના આત્મવિશ્વાસનો પાયો મજબૂત બને છે. જે જવાબદારી સ્વીકારવાની તક મળે તેને સહર્ષ સ્વીકારવી જોઈએ. તેનાથી બચવાની કે ગભરાવાની વૃત્તિ આત્મ વિશ્વાસને નષ્ટ કરી નાંખે છે. જુદી જુદી જવાબદારીઓ પૂરી કરતા રહેવાથી જ માણસમાં મહત્વપૂર્ણ કાર્યો કરવાની શક્તિનો વિકાસ થાય છે અને તેનો આત્મવિશ્વાસ વધે છે.
જીવનમાં જે આદર્શો અ૫નાવો, જે આકાંક્ષાઓ રાખો તેમને કોઈ૫ણ ભોગે તત્પરતા પૂર્વક પૂરી કરવાનો પ્રયત્ન કરો. નાની નાની સફળતાઓથી માણસનો આત્મવિશ્વાસ વધે છે. દૃઢ નિશ્ચય અને કઠોર પ્રયત્નોથી કોઈ૫ણ ક્ષેત્રમાં ઓછી વત્તી સફળતા અવશ્ય મળે છે. એનાથી આત્મવિશ્વાસ જાગશે. જે કાર્યોથી માણસને ડર, શંકા કે ગભરાટનો અનુભવ થતો હોય એવા કાર્યો અવશ્ય હાથ ધરવા જોઈએ. શંકા, ડર, ગભરાટ વગેરે આત્મ વિશ્વાસના મોટા શત્રુઓ છે. અંધારાંમાં ગભરાતા લોકો જો પ્રયત્નપૂર્વક અંધારાંમાં જાય તો તેમને ડર દૂર થઈ જાય છે. આંતરિક દુર્બળતાના કારણે જે કામને હાથ ધરવામાં ખચકાટ થતો હોય તે કામ અવશ્ય કરવું જોઈએ.
જીવનમાં ઓછી વત્તી ભૂલો થવી કે નિષ્ફળતા મળવી સ્વાભાવિક છે. તેમને ભૂલી જવામાં જ સાર છે. પાછલી ભૂલો માંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં એવી ભૂલો ન થવા દેવી જોઈએ. અસફળતા અને ભૂલો વિશે જો સતત વિચારતા રહીએ તો તેનાથી આ૫ણો આત્મવિશ્વાસ તૂટી જાય છે.
સંસારમાં મોટા મોટા કાર્યો આત્મવિશ્વાસથી જ પૂરા થયા છે. પ્રચંડ આત્મ વિશ્વાસ વાળા લોકોએ જ સંસારનું નેતૃત્વ કર્યું છે. એવા લોકો જ સંસારને નવો માર્ગ અને નવો પ્રકાશ દેખાડી શકે છે. આ૫ણે ૫ણ આત્મ વિશ્વાસનું મહત્વ સમજવું જોઈએ અને તે વધારવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ કારણ કે એનાથી જ માણસની શકિતઓનો વિકાસ થાય છે.
પ્રતિભાવો