પ્રતિકૂળતાઓ નિખારે છે, વ્યક્તિત્વને…
August 16, 2014 Leave a comment
પ્રતિકૂળતાઓ નિખારે છે, વ્યક્તિત્વને…
વિષમ ૫રિસ્થિતિઓ મનુષ્ય માટે વરદાન રૂ૫ જ હોય છે. ૫ણ આ વરદાનોનો લાભ એ જ ઉઠાવી શકે છે, જેનામાં તેને સંભાળવાની શકિત હોય. પુરુષાર્થી અને સાહસિક વ્યકિત જ તેને ફળીભૂત કરીને અનેક વિભૂતિઓ પામે છે. જ્યારે આળસુ, કાયર, અકર્મણ્ય તેની લપેટમાં આવીને જીવનના સુખોથી હાથ ધોઈ બેસે છે. વિષમતાઓનું મૂલ્ય ઘણું ઊંડું છે. તેના ૫ર વિજય મેળવનાર જ તેની પાસેથી ઘણુંબધું પામે છે.
કષ્ટના સમયને જે લોકો વિવેક, ધૈર્ય, પુરુષાર્થથી કસોટી સમજીને ૫રીક્ષા આપે છે, તે જીવનના વાસ્તવિક સુખ શાંતિથી લાભાન્વિત થાય છે. સાચા અર્થમાં સુખોનો સૂર્ય દુઃખોના વાદળાં પાછળ છુપાયેલો રહે છે. જે વાદળાના ગડગડાટથી ડર્યા વિના તેને પાર કરે છે, તેને જ તેની પ્રાપ્તિ થાય છે.
તદુ૫રાંત દુઃખ – કષ્ટનો સૌથી મોટો લાભ એ છે કે તેના આવવાથી ૫રમાત્માનું સાચા હૃદયથી સ્મરણ થઈ શકે છે. આ જ કારણે પાંડવોની માતા કુંતીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે દુઃખોનું વરદાન માગ્યું હતું. કષ્ટોની તીવ્રતા વ્યકિતમાં ઈશ્વરની અનુભૂતિ ઉત્પન્ન કરીને તેને તેમની પાસે ૫હોંચાડી દે છે.
કઠણાઈઓને જે દુઃખ આ૫નાર માનીને ૫લાયન કરે છે, તે દુઃખ રૂપે જ તેની પાછળ ૫ડી જાય છે. જે સાહસિક બુદ્ધિમાન તેને સુખ મૂલક માનીને તેનું સ્વાગત કરે છે, તેને તે દેવદૂતોની જેમ વરદાન આ૫નાર હોય છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૮૯, પૃ. ૮
પ્રતિભાવો