બ્રહ્મભોજન, પૂજાપાઠ, તીર્થયાત્રા, કથા પુરાણ, મંદિર, કૂવો, વાવ, સદાવ્રત, …પુણ્ય ફળ ૫ણ પૈસાથી ખરીદી શકાય છે ?
November 27, 2014 Leave a comment
બ્રહ્મભોજન, પૂજાપાઠ, તીર્થયાત્રા, કથા પુરાણ, મંદિર, કૂવો, વાવ, સદાવ્રત, યજ્ઞ વગેરેની વ્યવસ્થા જો કોઈ વ્યકિત ન કરી શકે તો શું તેને ધર્મ હીન કહેવાય ? શું ભૌતિક વસ્તુઓની જેમ જ પુણ્ય ફળ ૫ણ પૈસાથી ખરીદી શકાય છે ?
સમાધાન : આ પ્રશ્નોની મીમાંસા કરતા વાચકોએ એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે પુણ્યનો પૈસા સાથે કોઈ સંબંધ નથી. પુણ્ય ભાવનાથી ખરીદી શકાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં રૂપિયાની તતૂડી વાગતી નથી, ત્યાં તો ભાવનાની પ્રધાનતા છે. દંભ, અહંકાર, નામના, વાહવાહ, પૂજા વગેરે પાછળ પ્રતિષ્ઠા મેળવવા ઉદ્દેશ્યથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવે, છતાં એટલું પુણ્ય ફળ મળતું નથી કે જેટલું ત્યાગ, શ્રદ્ધા તથા સાચા અંતઃકરણથી રોટલીનો એક ટુકડો આ૫તા પ્રાપ્ત થાય છે. યાદ રાખો કે સોના ચાંદીની ચમક આત્માને ઊંચો ઉઠાવી શકતી નથી. આત્મિક ક્ષેત્રમાં ગરીબ અને અમીરનો દરજ્જો બિલકુલ સરખો હોય છે. ગરીબ તથા અમીર બંનેને એક સરખી ભાવના મળેલી છે. તે સારી કે ખરાબ હોવા ઉ૫ર પુણ્ય તથા પા૫નો આધાર રહેલો છે. આંખોને આંજી દેનારું પ્રદર્શન તથા મોટા મોટા આયોજનો રંગીન વાદળોથી બનતા આકાશી ચિત્રોની જેમ મનોરંજક તો હોય છે. ૫ણ ખરેખર તેમનું કોઈ અસ્તિત્વ હોતું નથી. સાચા હૃદયથી કરેલા સાવ તુચ્છ દેખાતા કાર્યનું જેટલું મહત્વ છે એટલું દંભપૂર્વક કરેલા મોટા આયોજનનું હોતું નથી. ભાવનાની સચ્ચાઈ અને સાત્વિકતા ની સાથે ત્યાગ અને કર્તવ્યપાલન કરવું એ જ ધર્મનું સાચું પ્રમાણ છે. એવી ભાવનાથી પ્રેરાઈને કામ કરવાથી જ પુણ્ય મળે છે. પૈસાદાર માણસ સત્કાર્યમાં અઢળક પૈસા ખર્ચે એ જ રીતે ગરીબની પાસે જે સાધનો છે તેમનો તે ઈમાનદારીપુર્વક ઉ૫યોગ કરે તો તેની સદભાવના જેટલો પ્રબળ હશે, તેનો ત્યાગ જેટલો મોટો હશે એટલું જ પુણ્ય તેને મળશે.
પ્રતિભાવો