ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૨
February 2, 2016 Leave a comment
ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૨
ઉપાસનો અર્થ છે – પાસે બેસવું. પરમાત્માની પાસે બેસવાથી જ તેની ઉપાસના થઈ શકે છે. સામાન્ય વસ્તુ તથા પ્રાણી પોતાની વિશેષતાઓની છાપ બીજા પર પાડે છે, તો પછી પરમાત્માની પાસે બેસનારાઓ ઉપર એમની દૈવી વિશેષતાઓનો પ્રભાવ કેમ ન પડશે ?
બગીચામાં જતાં જ ફૂલોની સુગંધ અને ર્સૌદર્યથી મન પ્રસન્ન થાય છે. ચંદનના વૃક્ષો પોતાની આજુ બાજુના વૃક્ષોને સુગંધિત બનાવે છે. સજજનોના સત્સંગથી સામાન્ય લોકોની મનોભાવનાઓ સુધરે છે, તો પછી પરમાત્મા પોતાની મહત્તાની છાપ તે લોકો પર કેમ ન છોડશે, જે એમની નજીકતા માટે પ્રયત્નશીલ રહે છે.
ગરમ તથા ઠંડા લોખંડને એકબીજાની સાથે રાખવામાં આવે તો જેવું થાય છે એવું જ આત્મા પરમાત્માની પાસે પહોંચે ત્યારે થાય છે. ગરમ લોખંડની ગરમી ઠંડા લોખંડમાં જાય છે અને થોડીવારમાં બન્નેનું તાપમાન લગભગ એક સરખું થઈ જાય છે. તે તળાવો જયાં સુધી અલગ અલગ રહે છે, ત્યાં સુધી તેમના પાણીનો સ્તર ઉંચો-નીચો રહે છે, પણ જ્યારે બન્ને એક નીક દ્વારા જોડી દેવામાં આવે છે, ત્યારે વધારે ભરેલા તળાવનું પાણી ઓછા પાણીવાળા તળાવમાં જાય છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જયાં સુધી બન્નેનું લેવલ સરખું ના થાય.
ગરમ તથા ઠંડું લોખંડ ભેગાં મળવાથી અને બે જળાશયોને જોડવાની જેમ એકરૂપતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે ઉપાસના દ્વારા આત્મા અને પરમાત્માનું મિલન થતાં જીવમાં દૈવી ગુણોની ઝડપથી વૃદ્ધિ થવા માંડે છે.
પ્રતિભાવો