ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? – ૧
February 5, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? – ૧ : સમડી પોતાના શિકારની શોધ માટે આકાશમાં ઊંચે ઉડે છે. તે ઊંચે જઈને ચકરાવો લેતી રહે છે. ત્યાંથી તે દૂર દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે. સમડી તે ઉંચાઈએથી જમીન પરની બધી દૃશ્ય અને વસ્તુઓને સહેલાઈથી જુએ છે, પારખે છે અને જ્યારે એને પોતાનો શિકાર જણાય છે, ત્યારે એકદમ ઝપટ મારે છે અને તેને પકડી લે છે.
સમડી આ કામ જમીન પર રહીને અથવા તો કોઈ વૃક્ષ પર બેસીને પણ કરી શકે, પરંતુ ઓછી ઉંચાઈએથી નાના વિસ્તારનું જ અવલોકન થઈ શકે છે. ઓછા વિસ્તારમાંથી શિકાર મળે કે ન પણ મળે, આથી તે ખૂબ ઊંચે ઉંડે છે અને સહેલાઈથી પોતાનો શિકાર શોધી લે છે.
માણસની સ્થિતિ પણ બરાબર આવી જ છે. પોતાની આજુ બાજુની વસ્તુઓને તે સ્થૂળ આંખોથી અને ઓછા વિવેકથી જુએ છે તેથી તે મનુષ્યનું શરીર ધારણ કરવાનું પોતાનું લક્ષ્ય સારી રીતે સમજી શકતો નથી. પોતાના જીવનના ઉદ્દેશ્યથી અપરિચિત માણસની રીત ભાત, રહેણી કરણી, વિચાર અને વ્યવહાર મોટા ભાગે અસ્ત વ્યસ્ત શ્રેણીના હોય છે. જે માણસને સાચા લક્ષ્યનું ભાન ન થયું હોય, તેનું જીવન વ્યર્થ છે એમ જ માનવું જોઈએ.
ઈશ્વરની ઉપાસનાથી મનુષ્યને એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, જ્યાંથી તે વધારે સૂક્ષ્મતા, દીર્ઘદૃષ્ટિ અને વિવેકની સાથે સંસાર તથા તેની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના જ અહંકાર સાથે સંસારની સરખામણી કરવાથી મનુષ્યના દરેક કાર્યમાં સંકીર્ણતા બની રહે છે. સંકીર્ણતાના કારણે આત્મા પોતાની અપાર શકિત અને સામર્થ્યનો આનંદ લઈ શકતો નથી. મનુષ્ય બીજા જીવ જંતુઓ જેવો તુચ્છ જ રહે છે. આત્માના સાચા સ્વરૂપને ઓળખવા માટે એણે ઊંચા ઊઠવું પડે છે, તે ઊંચાઈ ઈશ્વરની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. તે સ્થિતિનું વારંવાર મનન કર્યા વગર સાચા લક્ષ્યનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
જ્યારે પણ કોઈ ઈશ્વરની ઉપાસના કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તે એવું માનીને કરે છે કે આ સંસારની કોઈ મુખ્ય નિયામક શકિત અવશ્ય હોવી જોઈએ. દરેક વસ્તુઓ કોઈકને કોઈક તો જરૂર સર્જન હોય છે જ, તો પછી વિશ્વનો પણ કોઈક સર્જક તો જરૂર હોય છે જ, તો પછી વિશ્વનો પણ કોઈક સર્જક તો જરૂર હોવો જ જોઈએ ને. જ્યારે માણસના અંતઃકરણમાં આવી માન્યતાનો ઉદય થાય છે, ત્યારે તેના વિચારવાની રીત બદલાઈ જાય છે. અત્યાર સુધી જે બાબતો તેને સામાન્ય લાગતી હતી, એમાં હવે વિશદ જ્ઞાન ભરેલું દેખાય છે. આ રીતે મનુષ્યના જ્ઞાનનો વિકાસ થાય છે અને વિશ્વના સાચા સ્વરૂપને જાણવાની તાલાવેલી પણ વધે છે. આ બન્ને બાબતો માણસના સાચા લક્ષ્યની પસંદગી માટે જરૂરી છે. એ બન્ને ઈશ્વરની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે.
પ્રતિભાવો