ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? – ૩
February 5, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે ? – ૩ : ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે – પોતે પોતાને વિકસિત કરવા. સમડીને જેમ ઊંચે જઈને પોતાના નિરીક્ષણ ક્ષેત્રને મોટું કરવું. જે જેટલો ઊંચો ઊઠીને નિરીક્ષણ કરે છે, તેને એટલો જ દીર્ઘદષ્ટિવાળો તથા વિવેક વાન માનવામાં આવે છે. જ્યારે બધી વસ્તુઓની સ્થિતિની સાચી ખબર પડી જાય છે, ત્યારે શું પસંદ કરવું અને શું ન કરવું તે સરળ બની જાય છે. આમ જ્ઞાન થયા વગર મનુષ્ય સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકતો નથી.
સામાન્ય રીતે માણસ, શરીરને જ સર્વસ્વ માને છે અને આખું જીવન એ શરીરની ઈન્દ્રિય લિપ્સાને સંતોષમાં જ વિતાવી દે છે. એનાથી અમુક હદ સુધી લૌકિક જરૂરિયાતો કદાચ પૂરી થઈ જાય, પરંતુ પર લોકને ભૂલી જવાય છે. પરલોકની માન્યતાઓ સાવ પાયા વગરની છે, એમ પણ કહી શકાય નહીં, વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે બીજા ગ્રહો ઉપર પણ જીવન શક્ય છે. આવી સ્થિતિમાં સ્વર્ગ અને નરકની કલ્પનાનો પણ કોઈક આધાર હોવો જોઈએ. આ આધારભૂત જ્ઞાન મેળવવામાં માટે લૌકિક જીવન જ પૂરતું નથી, પરંતુ એના માટે આપણી અંદરના ચેતન તત્વ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. આ આંતરિક ચેતના માટે બ્રહ્મ અરીસા સમાન છે. ઈશ્વરની માન્યતા દ્વારા માણસ પોતાને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને એની મદદથી પારલૌકિક જીવનનું જ્ઞાન પણ મેળવે છે.
પરમાત્મા સાથે તાદાત્મ્ય કેળવવું તે આત્માને વિશાળ બનાવવાની પ્રક્રિયા છે. અહંકારને દૂર કર્યા વગર મનુષ્યનું પારલૌકિક હિત સધાતું નથી. મનુષ્ય જ્યારે પોતાપણાને ભૂલી જાય છે, ત્યારે તે સમગ્ર વિશ્વને જ આત્મ સ્વરૂપમાં માનવા લાગે છે. તેને બધા પોતાના જ વિવિધ સ્વરૂપો દેખાય છે. જ્યારે બધા પોતાના જ લાગે, તો પછી તે કોઈની સાથે છળ કપટ નહિ કરી શકે, તેને ક્રોધ નહિ આવે અને તે કોઈના પ્રત્યે વેરની ભાવના પણ નહીં રાખી શકે. બધાના સુખમાં તેને સુખ મળશે. બધા તેને વહાલા લાગશે, બધા જ પોતાના સગા સંબંધી લાગશે.
આ આંતરિક વિશાળમાં જ જીવાત્માને સાચો આનંદ અને સાચો સંતોષ અને સાચી તૃપ્તિ મળે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્યનું જીવન સાર્થક બની જાય છે. મનુષ્ય આનંદ માટે જ પેદા થયો છે, પરંતુ વચ્ચે માર્ગ ભૂલી જવાના કારણે તે દુખી થઈ જાય છે. હવે ફરીથી સાચા રસ્તા પર આવવા અને અંતે એમાં જ વિલીન થઈ જવા માટે ઈશ્વરને જાણવો જરૂરી બની જાય છે. પરમાત્મા સંપૂર્ણ સૃષ્ટિનું મૂળ છે. એને જાણવાથી જ આત્માની તરસ છીપે છે, સંતોષ મળે છે અને સદગતિ થાય છે, આ સિવાય આત્મકલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી. પરમાત્માની શરણાગતિ પામ્યા વગર, માનવ જીવન જેવો અમૂલ્ય અવસર પણ વેડફાઇ જાય છે.
પ્રતિભાવો