રાજનૈતિક પરિસ્થિતિઓ બદલાશે, રાજનેતાઓને સંદેશ
February 13, 2016 Leave a comment
રાજનૈતિક પરિસ્થિતિઓ બદલાશે. :
રાજનીતિજ્ઞો સામે પડકાર છે કે તેઓ ક્ષેત્રવાદથી દૂર રહે. સમગ્ર વિશ્વને એક રાષ્ટ્ર બનાવવાની વાત વિચારે. આપણો પોતાનો પ્રદેશ તેમાં ક્યાં હશે તેનો વિચાર ના કરે. એ જોવું જરૂરી છે કે શાસન કેવા લોકોના હાથમાં છે. એના માટે કસોટી નક્કી કરવી જોઈએ. જે લોકો શાસન કરવા યોગ્ય હોય તેમને જ જવાબદારી સોંપવી જોઈએ.
આજની ખર્ચાળ અને પ્રોપેગેન્ડા પર આધારિત ચૂંટણી પદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે કે જેથી સમજદાર અને જવાબદાર લોકો રાજ તંત્રમાં જઈ શકે. બીજા બધા લોકોને સ્થાનિક પંચાયત કક્ષાની સમિતિઓ બનાવવાનો હક ભલે મળે, પરંતુ મોટી જવાબદારી લેનારા લોકોને વોટ આપવાની યોગ્યતા નક્કી કરવી જોઈએ. બહુમતી જરૂરી નથી. ભલે ઓછા મત મળ્યા હોય, છતાં જે વિચારશીલ હોય એવા લોકોએ શાસન તંત્રમાં જવું જોઈએ. એના માટે ચૂંટણીનો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. સરકારે જ એવી વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો જનતા તેનો ખર્ચ ભોગવે.
પાર્ટીઓ ચૂંટણી લડે એના બદલે સારું તો એ છે કે દેશમાં એક જ પ્રજા પાર્ટી રહે અને તેણે ચૂંટેલા વિદ્વાન લોકો જ શાસન તંત્ર ચલાવે. મહત્વના પદો પર ભરતી કરવા માટે પરીક્ષા પાસ કરવી જ પૂરતી નથી, પરંતુ ઉમેદવારને તેની પ્રતિભા, યોગ્યતા તથા ઈમાનદારીની કસોટીથી ચકાસવો જોઈએ. પછી જ તેને કોઈ પદ પર નિયુક્ત કરવો જોઈએ.
આજની સ્થિતિમાં રાજનૈતિક ક્ષેત્રમાં ઉપરના ત્રણેય પ્રકારના પરિર્વતનો જરૂરી છે. દૈવીશકિતઓ તેના માટે અનુકૂળતા ઊભી કરશે. લોકો પોતે જ તે તરફ વળતા જોવા મળશે. એમાં રાજનૈતિક ક્ષેત્રને પ્રભાવિત કરનારા વિદ્વાનો તથા અર્થશાસ્ત્રીઓ નવા તથા પ્રૌઢ વિચાર આપશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પૃ.૧૪
પ્રતિભાવો