ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ – 0૪
February 13, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ : પરમાત્મા નિત્ય શુધ્ધ છે, તે પોતાના ઉપાસકમાં પાપ કઈ રીતે જોઈ શકે છે ? દૂધમાં શુધ્ધ પાણી ભળી શકે છે, પરંતુ ગંદુ અને ડહોળું પાણી તો દૂધને જ ખરાબ કરી નાખે છે. અગ્નિમાં લોખંડ નાખવામાં આવે છે, ત્યારે તે અગ્નિ વર્ણ બની જાય છે. એ જ રીતે પરમાત્મા પોતાના ભક્તના પાપોને બાળી નાખીને એને પોતાના જેવો પરમ પવિત્ર બનાવી દે છે. ઉપાસક પોતે પણ એ માટે પોતાના તરફથી પ્રયત્ન કરે છે. તેને લાગે છે કે જેમ પાપ પૂર્ણ જીવન જીવીને પરમાત્માને મેળવી શકતો નથી, તેવી જ રીતે જૂના પાપોનું ફળ ભોગવ્યા વગર પણ એને સિદ્ધિ મળી શકે નહીં. આ બન્ને સ્થિતિ વચ્ચે સંતુલન જાળવીને તે પોતાના પાપોને ધીરજ પૂર્વક ઘુએ છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા જેવી યોગ્યતા મેળવવામાં સંલગ્ન રહે છે.
વિચારો કરતા ભાવનાઓની શક્તિને મોટી માનવામાં આવે છે. પરમાત્મા વિદ્વાન પણ છે અને કવિ પણ છે. કવિતા આત્માની સર્વવ્યાપકતાની અભિવ્યકિત છે. આત્માનો જ્યારે વિકાસ થાય છે, ત્યારે આખા સંસારના સુખ દુઃખમાં તે પોતાના સુખ દુઃખનો અનુભવ કરે છે. ઈશ્વરના ઉપાસકમાં પણ આ ગુણ એ જ રીતે જાગૃત થાય છે. એનામાં પણ દયા, પ્રેમ, ત્યાગ, ઉદારતા, સહાનુભૂતિ અને કષ્ટોને સહન કરવાની શકિત જેવી કવિ ભાવનાઓ જાગે છે. પોતાના સ્વાર્થના પરિત્યાગને બદલે એને પરમાર્થમાં વધારે આનંદ આવે છે. સંસારમાં જેટલા પણ સંતો તથા ભકતો થયા છે એમણે માનવ સેવાને જ પરમ ધર્મ ગણાવ્યો છે. આવું થવાનું કારણ એ છે, પરમાત્માની ઉપાસના ફળ સ્વરૂપે એમની કવિ-ભાવનાઓ જાગૃત થઈ ગઈ. ઇતિહાસ પ્રસિધ્ધ ઘટના છે કે વાલ્મીકિ, અજામિલ તથા સદન કસાઈ જેવો કઠોર અને દુષ્ટ પ્રકૃતિના લોકોએ જ્યારે ઈશ્વરનું શરણ સ્વીકાર્યુ, ત્યારે તેઓ એટલા બધા સહૃદય બની ગયા કે તેમણે માનવ જાતની સેવા માટે સર્વસ્વ અર્પણ કરી દીધું.
વિચાર અને ભાવનાઓની સર્વોચ્ચ સ્થિતિએ પહોંચતા સાધક ઈશ્વરની ‘પરિભૂ’ શક્તિનો રસાસ્વાદન કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે, પરિભૂ છે. સંસારના અણુએ અણુમાં એની સત્તા સમાયેલી છે. પહાડ, નદીઓ, સાગર વૃક્ષો, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે તમામનું સર્જન તેણે જ કર્યું છે. સર્વત્ર એનો જ પ્રકાશ ફેલાયેલો છે. કણ કણમાં, રજ રજમાં તે જ રમી રહ્યો છે. જળ, સ્થળ, નભમાં એવું કોઈ સ્થાન નથી, જયાં પરમાત્મા ન હોય. આ વિરાટ જગત એમનું જ સ્વરૂપ છે. એમનાથી કશું છુપું નથી. એમની નજર માંથી કોઈ બચી શકતું નથી. કોઈ માણસ કોઈક ખરાબ વાત કહે અને તે ન સાંભળે એવું બની જ ન શકે. ઉપાસક પરમાત્માની આ સર્વવ્યાપકતાની અનુભૂતિ પ્રાપ્ત કરીને આનંદ વિભોર થઈ જાય છે. તે પોતાની જાતને પણ એ અવિનાશી તત્વમાં વિલીન થઈ ગયેલી સર્વવ્યાપક સત્તાના રૂપે જુએ છે અને પોતે પણ સર્વવ્યાપક થઈ જાય છે.
પરમાત્મા સર્વશક્તિમાન પણ છે. તેની વ્યવસ્થા ખૂબ વિશાળ અને અનોખી છે. તે સંસારના બધા કર્મોની દેખરેખ રાખે છે અને કર્મનું ફળ પણ એ જ આપે છે. પરંતુ તે આ બધું અલિપ્ત, નિર્વિકાર ભાવથી કરે છે. સંસારના કલ્યાણની દૃષ્ટિથી જ તેણે પોતાની બધી શકિતઓને વિકસિત કરેલ છે. અને એમનો લાભ પણ તે આખા સંસારને આપી રહ્યો છે, એના શરણે જનાર સાધક પણ અંતે આ મહાન વિભૂતિ પ્રાપ્ત કરીને અલિપ્ત, નિર્વિકાર અને જીવન મુક્ત બની જાય છે. માનવ શરીરમાં જ તે પરમાત્માની શકિતઓ અને સિઘ્ધિઓનો સ્વાદ માણીને અંતે એ જ સુખ સ્વરૂપ, તેજસ્વી અને દુઃખ નાશક પરમાત્માના દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ જાય છે.
પ્રતિભાવો