કર્મચારીઓની ઈમાનદારી જરૂરી, સરકારી સેવકો માટે સંદેશ
February 15, 2016 Leave a comment
કર્મચારીઓની ઈમાનદારી જરૂરી : અનીતિ ને રોકવી તથા સાધનો વધારવા તે શાસનનું કામ છે. બધાને એક સરખી તક મળે તથા સરખો ન્યાય મળે એવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજ્યની માનવા માં આવી છે. આ જવાબદારીને પૂરી કરવા માટે સરકારી કર્મચારીઓ ને ન્યાય અને કાયદા પ્રત્યે ખૂબ નિષ્ઠાવાન, નિર્લોભી, નિષ્પક્ષ તથા કર્તવ્યપરાયણ બનવું જોઈએ. કાયદા તો પોથીઓમાં રહે છે. તેમનું પાલન કરવું તથા કરાવવા નું કામ રાજ્યના કર્મચારીઓ નું છે. જો તેઓ ચારિત્રવાન તથા આદર્શવાદી હોય તો જ પ્રજાને સુખશાંતિ પ્રાપ્ત થઈ શકે છે.
જો આ કર્મચારી વર્ગ પોતાના કર્તવ્યો અને જવાબદારીઓની ઉપેક્ષા કરે તો પ્રજાને ન્યાય પરથી વિશ્વાસ ઊઠી જશે અને દરેક ક્ષેત્રમાં અનીતિ ફેલાશે, ભ્રષ્ટાચાર તથા લાંચરુશવત વધશે. દુષ્ટ લોકો અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને જનતાને ત્રાસ આપશે, કરચોરી કરશે તથા અનેક પ્રકારના ગુના નિર્ભયતાથી કરશે. અપરાધોને રોકવા માટે બીજા બધા ઉપાયોની તુલનામાં કર્મચારીઓની ઈમાનદારી વધારે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તેઓ ઈમાનદાર નહિ હોય તો અને યોજનાઓ નિષ્ફળ જશે અને લોકોનું કલ્યાણ નહિ થાય કે તેમની સમસ્યાઓનું સમાધાન પણ નહિ થાય.
-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૬૩, પૃ. ર૧
પ્રતિભાવો