પોતાના આંતરિક જીવનને જુઓ, સાધકો માટે સંદેશ
April 24, 2016 Leave a comment
પોતાના આંતરિક જીવનને જુઓ
સામયિક પરિસ્થિતિઓમાં પણ મોટા ભાગનાનું કારણ આપણો સ્વભાવ જ હોય છે. મહોલ્લા વાળા તમને ખરાબ ગણે છે, તમારી સાથે ઝઘડો કરે છે અને ખરાબ વ્યવહાર કરે છે, તે બધાની સાથે વારાફરતી લડશો તો પણ તમને શાંતિ નહિ મળે. તમારે વિચારવું જોઈએ કે મારી અંદર ક્યા ક્યા દુર્ગુણો છે, જે બધાય લોકોને મારા વિરોધી બનાવી દે છે. તમારામાં જો કડવું બોલવાની, બિનજરૂરી દખલગીરી કરવાની કે લોક વિરોધી કામ કરવાની કુટુવો હોય તો તમને સુધારો. બસ, તમારા બધા જ શત્રુઓ મટી જશે. તમને કોઈ નોકરીએ નથી રાખતું, તો માલિકનો દોષના દો. તમારી અંદર એવી યોગ્યતા કેળવો કે નોકરી માટે તમને બધેથી આમંત્રણ મળે. સદ ગુણો જ મનુષ્યોની એવી સંપત્તિ છે કે તેમના હોવાથી દરેક જગ્યાએ તેમનો આદર થાય છે, દરેકનો પ્રેમ અને સહાનુભૂતિ મળે છે. જ્યારે સાધુ સ્વભાવ વાળા લોકો પણ તમારો વિરોધ કરતા હોય તો જુઓ કે તમારી અંદર ક્યા ક્યા દુર્ગુણો રહેલા છે ? કેટલાક લોકોમાં એવી કમી હોય છે કે તેઓ લોકોમાં ફેલાયેલા ખોટા ભ્રમને દૂર કરી શકતા નથી અને અકારણ લોકોના કોપના ભાગીદાર બને છે. તેમણે લોનની સામે સાચી વાત રજૂ કરવી જોઈએ અને પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઈએ.
ભય રાખવાનો, ડરવાનો તથા ગભરાઈ જવાનો દુર્ગુણ એવો છે, જે બીજાઓને પોતાની ઉપર અત્યાચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જે નિર્ભય રહે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે તેની પર કોઈ ત્રાસ કરતું નથી. કહેવાય છે કે હિંમતની સામે તલવારની ધાર પણ વળી જાય છે. ધનના અભાવ વિશે પણ આવું જ છે. જેનું સંપૂર્ણ ધ્યાન ધન ભેગું કરવાના સાધનોમાં એકાગ્ર થતું નથી તે ધનવાન બની શકતો નથી. સ્વાસ્થ્યને વધારવાની જેમનામાં પ્રબળ ઇચ્છા ના હોય તે પહેલવાન કઈ રીતે બની શકે ?
બીમારીમાં કે બીજી કોઈ મુશ્કેલીમાં ફસાઈ જતાં તેમાંથી મુક્ત થવા માટે આપણી અંદર બળ હોવું જોઈએ. ઉજ્જવળ આશા અને શુભ ભવિષ્ય પર દૃઢ વિશ્વાસ આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. વીસ મિત્રો ભેગાં થઈને પણ આત્મવિશ્વાસ જેટલી મદદ કરી શકતા નથી. આત્મનિર્ભરતાની જડીબુટ્ટી પીને મડદા પણ બેઠાં થઈ જાય છે અને ઘરડા જુવાન થઈ જાય છે. તેના જેવું શકિત શાળી બીજું કોઈ ટૉનિક અ ત્યાર સુધી શોધાયું નથી.
તાત્પર્ય એ છે કે તમને સારી કે ખરાબ પરિસ્થિતિઓએ ઘેરી લીધા છે તે તો ફૂલ તથા પાંદડા જેવી છે. તેમના મૂળ તો તમારા આંતરિક જીવનમાં રહેલા છે. જો એ પરિસ્થિતિઓને બદલવા ઇચ્છતા હો તો તમારા જીવનમાં પરિવર્તન કરો. કષ્ટોમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હો તો ફકત બાહ્ય દોડાદોડ કરવાથી કોઈ લાભ નહિ થાય. એનાથી તમને કાયમી શાંતિ નહિ મળે. જ્યારે એ કષ્ટોના મૂળ કારણનો ઉપચાર કરવામાં આવશે ત્યારે જ તેમાંથી મુકિત મળશે.
જો તમે તમારા વર્તમાન જીવનથી અસંતુષ્ટ હો, ઉન્નતિ અને વિકાસની આકાંક્ષા રાખતા હો તો તમારા આંતરિક જીવનને તપાસો. તેમાં ખરાબ ટેવો, નીચ વાસનાઓ તથા દુષ્ટ પ્રવૃત્તિ હોય તો તેમને બહાર કાઢી નાખો, એનાથી જ તમારો માર્ગ સાફ થઈ જશે અને બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારું આત્મબળ, દઢતા અને તીવ્ર ઇચ્છા શકિત વધારો તથા તમારી અંદર શુભ વૃત્તિઓ અને સદ્ગુણોનો વિકાસ કરો, એમની મદદથી ઉન્નતિના માર્ગે તમે સડસડાટ આગળ વધશો.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૪૦, પૃ. ૬, ૭
પ્રતિભાવો