આત્મા નિરીક્ષણ માટે સમય કાઢો, સાધકો માટે સંદેશ
April 24, 2016 Leave a comment
આત્મા નિરીક્ષણ માટે સમય કાઢો
માણસ જો પોતાને ઓળખી શક્યો હોત, પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજી શક્યો હોત અને પોતાના તથા સંસાર ના સંબંધને જાણી શક્યો હોત તો કેટલું સારુ ! ત્યારે આ સંસાર નરક રહેવાના બદલે સ્વર્ગ બની ગયો હોત અને માણસ શેતાનનો ગુલામ રહેવાના બદલે સમ્રાટ નો પણ સમ્રાટ બની જાત.
મને વિશ્વાસ છે કે વાચકો ઓછુંવતું ભજન, પૂજાપાઠ, સાધના, અનુષ્ઠાન વગેરે અવશ્ય કરતા હશે. તેઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે જે કરતા હોય તે ભલે કરે, પરંતુ હું તેમને એક સાધના કરવાનો અનુરોધ કરું છું કે તેઓ દિવસે કે રાત્રે પંદર મિનિટનો સમય કાઢે અને એકાંતમાં શાંતિ પૂર્વક બેસીને વિચાર કરે કે હું કોણ છું ? મારું જે કર્તવ્ય છે તેને શું હું પૂરું કરી રહ્યો છું ? મારી અંદર શેતાની વૃત્તિઓ તથા ટેવો કઈ કઈ છે અને કેટલા પ્રમાણમાં ઘૂસી ગઈ છે ? તેમણે મારા દૈવીઅંશને કેટલા પ્રમાણમાં ગ્રસી લીધો છે ? આ પ્રશ્નોના જવાબ આપતા પહેલા તમારા મનને કહો કે તે પોતે બિલકુલ નિષ્પક્ષ બની જાય. ખોટી સાક્ષીના પૂરે. એક નિર્ભીક સત્યવકતાની જેમ પોતાના અવગુણ સ્પષ્ટ રીતે જણાવે. વાચક આ રીતે દરરોજ એક ચોક્કસ સમયે આત્મ પરીક્ષણ કરે અને પોતાની અંદર જે દોષો જણાય તેમના પરિણામ વિશે વિચાર કરે કે શું આ મારા કલ્યાણનો માર્ગ છે ?
પોતાના અનુભવના આધારે હું કહી શકું છું કે જે લોકો આત્મ પરીક્ષણ કરશે તેમને વાસ્તવિક્તાનો ખબર પડશે અને જેઓ વાસ્તવિક્તાનો સમજશે તેમને પોતાના કલ્યાણનો માર્ગ પણ મળી જશે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૪૦ પૃ.૭
પ્રતિભાવો