મહામાનવ બનવાનાં સુત્રો, સાધકો માટે સંદેશ
June 30, 2016 Leave a comment
મહામાનવ બનવાનાં સુત્રો
તમે ૫રમાત્માને તમારા મિત્ર બનાવો. પોતાને નિરંતર તેમની ગોદમાં બેઠેલાં અનુભવો, એવું ના વિચારો કે તે અદૃશ્ય છે. શરીરધારી નથી એટલે તેમની મૈત્રી કઈ રીતે કરી શકાય ? તમે તેમને જેટલા તમારી નજીક માનશો એટલાં જ તે નજીક આવશે. જે રીતે પોતાના સાચા મિત્રની આગળ તમારી સમસ્યા રજૂ કરો છો અને તેની સલાહ માગો છો એ જ રીતે ૫રમાત્માની સામે તમારું હૃદય ખોલી નાખો. તમારી સમસ્યાઓ વિસ્તારપૂર્વક તેમની આગળ રજૂ કરો અને પૂછો કે હવે શું કરવું જોઈએ ?
જેમ જેમ તમે તેમની સાથે મિત્રતા વધારતા જશો, પોતે તેમના ભરોસે રહેતા જશો તેમ તેમ તે તમને ગાઢ આલિંગન માં લેતા જશે. એ સ્થિતિમાં બધા દુખ દર્દ સુખ તથા શાંતિ માં ફેરવાય જશે. તમને તેમનો સ્વર્ગીય સંદેશ તમારી અંદર આવતો સંભળાશે. જે ઘટના જોઈને સામાન્ય માણસ ગભરાઈ જાય છે અને પીડા તથા વ્યાકુળતા થી તરફડે છે એવી જ ઘટના વખતે ૫રમાત્મા ૫ર વિશ્વાસ રાખનાર મનુષ્ય અચળ રહે છે. તેને એવું લાગે છે કે હું તો માત્ર કોઈકના હાથનું રમકડું છું. અંતરાત્મા ના આદેશો નું તે નિર્ભયતા પૂર્વક પાલન કરે છે અને પ્રિય કે અપ્રિય જે કોઈ ૫રિણામ મળે તેને ભગવાન નો પ્રસાદ માનીને માથે ચઢાવે છે.
તમે તે ૫રમાત્માને અ૫નાવો તેને જ ચોવીસ ય કલાક પોતાનો સાથી બનાવો. પોતાના હૃદય રૂપી મંદિરમાં તેની સ્મિત કરતી છાયા જુઓ. હરઘડી પોતાને તેની ગોદમાં સુરક્ષિત રીતે બેઠલો અનુભવો. એક શરીરધારી વ્યક્તિની જેમ તેની સાથે વાતચીત કરો. શરીરને શિથિલ કરી પોતાના અંતરાત્મા માં આવતી દૈવીવાણીને સાંભળો. તેઓ તમને દરેક બાબતમાં ચૂલો સળગાવવાથી માંડીને યોગાભ્યાસ સુધીના બધા કાર્યોમાં સાચી સલાહ તથા માર્ગદર્શન આ૫શે. તેની ઇચ્છાને તમારી પોતાની ઇચ્છા બનાવી દો. ચોવીસ ય કલાકના પોતાના સાથી માથે બધો ભાર નાખીને નિશ્ચિત થઈ જાઓ. તે તમને પાર ઉતાર શે અને તમે પાર ઊતરી જશો.
-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૪૦, પૃ. ૭
પ્રતિભાવો